તૌક્તેના તાંડવનો ભોગ બનેલા ગુજરાતને રૂ. ૧૦૦૦ કરોડની સહાય જાહેર

Wednesday 19th May 2021 07:13 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ ભારે તારાજી વેરી છે. આ વિનાશનું હવાઇ નિરીક્ષણ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય માટે રૂ. ૧૦૦૦ કરોડની સહાય જાહેર કરી છે. બુધવારે વડા પ્રધાને ચક્રવાતથી સૌથી વધુ અસરગ્રસ્ત ઉના (ગીર સોમનાથ), જાફરાબાદ (અમરેલી), મહુવા (ભાવનગર) અને દીવના વિવિધ વિસ્તારોનું હેલિકોપ્ટરમાં હવાઇ નિરીક્ષણ કર્યું હતું. બાદમાં વડા પ્રધાને અમદાવાદ એરપોર્ટ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ગુજરાત અને કેન્દ્રશાસિત દીવમાં હાથ ધરાયેલી રાહત અને પુનર્વસન કામગીરીની સમીક્ષા કરી હતી. બાદમાં તેમણે પ્રથમ તબક્કે રૂ. ૧૦૦૦ કરોડની આર્થિક સહાય જાહેર કરી હતી.

આ ઉપરાંત વડા પ્રધાને વાવાઝોડાથી થયેલા નુકસાનનો તાગ મેળવવા સર્વે કરવા તેમજ વધુ સહાય માટે કેન્દ્ર સરકારની આંતર-મંત્રીમંડળીય ટીમને ગુજરાત મોકલવાનું જાહેર કર્યું હતું. ભારત સરકારની આ ટીમના સર્વે બાદ તેમના અહેવાલને આધારે ગુજરાતને વધારે જરૂરી સહાય આવાનું નક્કી થયું હતું.
વડા પ્રધાન સાથેની બેઠકમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ચીફ સેક્રેટરી અનિલ મુકિમ, મુખ્ય પ્રધાનના અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મહેસૂલ અધિક સચિવ પંકજ કુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ, રાહત કમિશનર હર્ષદ પટેલ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી સચિવ હારિત શુક્લા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને વડા પ્રધાનને વાવાઝોડાની સ્થિતિનો વિગતવાર ચિતાર આપ્યો હતો.
વડા પ્રધાને આ બેઠકમાં ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર આ કપરા સમયમાં રાજય સરકાર સાથે સંકલન સ્થાપિત કરીને કામ કરશે.

ચોમેર ભારે વિનાશ

પ્રચંડ વેગે ત્રાટકેલા તૌક્તે વાવાઝોડાએ રાજ્યમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વિનાશ વેર્યો છે. વાવાઝોડાનો સામનો કરવા વહીવટી તંત્રે આગોતરા પગલાં ભર્યા હોવાથી મૃત્યુઆંક ૪૫ સુધી સીમિત રહ્યો છે, પરંતુ ખેતપેદાશથી માંડીને માલમિલકતને ભારે નુકસાન થયું છે.
કેરળ, કર્ણાટક, ગોવા અને મુંબઇને ધમરોળીને સોમવારે રાત્રે ગુજરાત પહોંચેલા વાવાઝોડાએ ચોમેર તબાહી વેરી છે. તૌક્તેએ વરેલા વિનાશનો ચિતાર મેળવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાજ્યની એક દિવસની ટૂંકી મુલાકાતે આવી રહ્યા છે.
વાવાઝોડાના આગમન પૂર્વેથી વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનોના સતત સંપર્કમાં રહેલા વડા પ્રધાન મોદી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે. બાદમાં મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીથી માંડીને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને જાણકારી મેળવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડા પ્રધાન મોદી બુધવારે સવારે સાડા અગિયાર કલાકે દિલ્હીથી સીધા જ ભાવનગર પહોંચશે. અહીં પહોંચ્યા બાદ તેઓ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારબાદ તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ દીવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત પર ત્રાટકેલા તૌકતે વાવાઝોડાની અસર અને સરકારની કામગીરી અંગે મંગળવારે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે સોમવારથી શરૂ થયેલું વાવાઝોડું લગભગ વહેલી સવાર સુધીમાં ગુજરાતમાંથી પસાર થઈ જશે. આ પછી સવારથી પૂર્વવત્ સ્થિતિ થઇ જશે. અમદાવાદ જિલ્લામાંથી વાવાઝોડું આગળ વધી ગયું છે અને પરિસ્થિતિ અંકુશમાં આવી રહી છે.
તેમણે કહ્યું હતું કે વહીવટી તંત્રે આગોતરું આયોજન કર્યું, સરકારી તંત્રે જે સક્રિયતાથી કામ કર્યું એના કારણે મોટી દુર્ઘટના કે વધુ પડતી જાનહાની રોકી શકાઈ. વાવાઝોડાને કારણે થયેલાં મૃત્યુ નહિવત્ હોવાનું જણાવીને તેમણે ઉમેર્યું હતું કે અકસ્માતે થયેલાં મૃત્યુનો આંક ૧૩ થયો છે.
વાવાઝોડાની મોટા ભાગની અસર વીજપુરવઠા પર પડી હતી. અનેક સ્થળે ઝાડ પડી જવાથી રસ્તા બ્લોક થવાના સમાચાર મળ્યા હતા. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ઉનાળું પાક અને બાયાગતી પાક, ખાસ કરીને કેરી અને નારિયળીને વાવાઝોડામાં નુકસાન થયું છે. આ ઉપરાંત કાચાં મકાનોને નુકસાન થયું છે.

૧૬૫ કિમીની તીવ્રતા સાથે ઉનામાં લેન્ડફોલ
તૌકતે વાવાઝોડું સોમવારે રાત્રે સાડા દસ વાગ્યે દીવથી ૨૦ કિલોમીટર પૂર્વ દિશા તરફ ઊનામાં ટકરાયું હતું. મધરાત પછીની આગાહી કરતાં બેત્રણ કલાક અગાઉ ચક્રવાતે જમીન સ્પર્શ કર્યો હતો. આ સમયે દીવ-ઉના-પીપાવાવામાં ફૂંકાયેલા ઝંઝાવાતી પવનની ગતિ ૧૫૫થી ૧૬૫ કિલોમીટર પ્રતિ કલાકની હતી. જ્યારે ગીર સોમનાથ તાલુકામાં પવનની તીવ્રતા ૧૫૦ કિમી. પ્રતિ કલાકની હતી. તૌકતે વાવાઝાડાએ ઊનામાં જમીન સ્પર્શ કર્યો ત્યારે વાવાઝોડાની આંખનો વિસ્તાર ૭ કિલોમીટરનો હતો અને વાવાઝોડાનો વ્યાપ ૬૦ કિમીનો હતો. ઝંઝાવાત વાવાઝોડાની અસરમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વીજળી વેરણ બનતાં અંધારપટ છવાઈ ગયો છે અને સંચારના સાધનો ઠપ્પ થઈ ગયાં હતા.

કૃષિ ક્ષેત્રને જંગી નુકસાન
તૌકતે વાવાઝોડા પહેલા દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદને કારણે આંબાની ડાળીએથી કેરીઓ ખરી પડી છે.
દક્ષિણ ગુજરાત - સૌરાષ્ટ્રમાંથી બજારમાં આવવા વાડીઓ અને પેકિંગ થઇને તૈયાર પાકેલા ફળ પણ વરસાદને કારણે પલળ્યા છે. કેરી ઉત્પાદક ખેડૂતોને અંદાજે રૂ. ૨૦૦૦ કરોડથી વધુનું નુકશાન થયું છે.
ગુજરાતમાં કુલ ૧,૬૬,૩પ૮ હેકટરમાં કેરીનું વાવેતર થાય છે. એક અંદાજે આ વર્ષે ૧ર લાખ મેટ્રીક ટન એટલે કે રૂપિયા ૬૦૦૦ કરોડની કેરીનું ઉત્પાદન થવાની ધારણાં હતી. જયાં સૌથી વધુ અસર છે તેવા દરિયાકાંઠાના ૧૩ જિલ્લાઓમાં ૧,૩૬,ર૭૮ હેકટરમાં આંબાનું વાવેતર છે અને જયાં ૧૦,ર૩,૦૭૩ મેટ્રીક ટન કેરીના ઉત્પાદનનો અંદાજ હતો. પરંતુ ૪૦ ટકા આસપાસ ઉતાર થયો છે. આથી રૂપિયા બે હજાર કરોડથી વધારે નુકશાન થયું છે.

વહીવટી તંત્રની સજ્જતા
• ૧,૪૦૦ જેટલી કોવિડ હોસ્પિટલો જનરેટર સેટથી સજ્જ • ૧,૦૦૦ ટન ઓક્સિજનની જરૂરિયાત સામે ૧,૭૦૦ ટન વધારાનો જથ્થો
• ઓક્સિજન ટ્રાન્સપોર્ટેશન માટે ૩૫ ગ્રીન કોરિડોર બનાવાયા, ૫૮ ટીમ તૈનાત
• ૧૭૪ આઇસીયુ ઓન વ્હીલ્સ અને ૬૨૧ એમ્બ્યુલન્સ
• રેમડેસિવિર ઇન્જેક્શનો દરિયાકાંઠાના જિલ્લામાં મોકલાયા • રેપિડ રિસ્ટોરેશન રિસ્પોન્સ આરઆરઆર ટીમો બનાવાઈ છે, જેમાં ૬૬૧ વીજ ટુકડીઓ, માર્ગ-મકાન વિભાગની ૨૮૭ ટીમ, મહેસૂલ વિભાગની ૩૬૭ ટીમ સામેલ.
• દરિયામાં ગયેલી તમામ ૪,૫૦૦ જેટલી બોટ્સ તથા ૧૯,૮૧૧ જેટલા માછીમારો પરત. ૧૧ હજારથી વધુ અગરિયા સલામત સ્થળે

તૌકતે - ઉડતી નજરે
• તૌકતે દીવ-વણાંકબારાના કાંઠે ત્રાટક્યું તેને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો. • સોમનાથ, વેરાવળ, ઉના, ભાવનગર, જાફરાબાદ, કોડિનાર સહિત અનેક વિસ્તારોમાં પ્રતિ કલાક ૧૦૦થી ૧૩૦ કિમીની ઝડપે પવન ફૂંકાયો. • કાંઠાળ વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર, ગુજરાતમાં બે લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયાં. • રાજ્યમાં કુલ ૨૪૩૭ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. રાજ્યમાં ૧૧૦૦થી વધુ થાંભલા પડી ગયા છે. • ૧૫૯ રસ્તા તૂટી ગયા છે, ૧૯૬ રસ્તા બંધ થયા છે. જ્યારે ૪૦ હજાર વૃક્ષો પડી ગયા છે.
• ૧૬,૫૦૦ મકાન અને ઝૂંપડા અસરગ્રસ્ત થયા છે. • આરોગ્ય વિભાગની ૫૩૧ ટીમ કાર્યરત તથા ૧,૪૭૧ સ્થળે પાવર બેકઅપ માટે જનરેટર.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter