ગાંધીનગરઃ ૧ જાન્યુઆરી ૨૦૨૧ની સ્થિતિએ કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી મતદાન યાદી સુધારણા દરમિયાન રાજ્યમાં નવા ૧૪.૮૦ લાખ મતદારો નોંધાયા છે. જેની સામે ૩.૯૨ લાખ મતદારોનાં નામ મૃત્યુ અથવા સ્થળાંતર સહિતના કારણોથી કમી થયા છે. જેથી મતદારોની સંખ્યામાં નેટ ૧૦.૮૮ લાખનો વધારો થયો છે. રાજ્યમાં ૧૫ જાન્યુઆરી ૨૦૨૧ની સ્થિતિએ કુલ ૪.૭૨ કરોડ મતદારો મતદાર યાદીમાં નોંધાયેલા છે.
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા દરમિયાન ૧૮-૧૯ વર્ષની વયના ૬૩ લાખ મતદારોનાં નામ નોંધવામાં આવ્યા છે. સુધારણા કાર્યક્રમ બાદ ચૂંટણી પંચ દ્વારા ૧૫મી જાન્યુઆરીની સ્થિતિએ મતદાર યાદીની આખરી પ્રસિદ્વિ કરાઈ છે. જે મુજબ મતદાર યાદીમાં ૨.૪૫ કરોડ પુરુષ અને ૨.૭૨ કરોડ સ્ત્રી મતદારો જ્યારે ત્રીજી જાતિના ૧૩૧૪ મતદારોનો સમાવેશ થાય છે. રાજ્યના અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્નના જણાવ્યા પ્રમાણે મતદાર યાદીમાં પ્રથમ વખત નોંધાયેલા મતદારોને બુથ લેવલ ઓફિસર મારફતે વિનામૂલ્યે મતદાર ફોટો ઓળખકાર્ડ તેમના ઘરે પહોંચાડવામાં આવશે જ્યારે સ્થળાંતરિત થયેલા અથવા વિગતોમાં સુધારો થયો હોય તેવા મતદારોનું ફોટો ઓળખકાર્ડ મામલતદાર કચેરી અથવા જનસેવા કેન્દ્ર ખાતેથી ફ્રી ભરીને મેળવી શકાશે.

