અમદાવાદઃ આવકવેરા વિભાગના અમદાવાદના અધિકારીઓએ અમદાવાદ અને હિંમતનગરમાં ત્રણ મોટી ફાયનાન્સ કંપનીઓનું રૂ. ૧૦૦૦ કરોડનું હવાલા કૌભાંડ પકડાયુ છે. આવકવેરાની તપાસમાં ગુજરાત કસ્ટમના અધિકારીઓ પણ ઝપટમાં આવશે તેવી માહિતી મળી છે એટલું જ નહિ માસ્ટર માઇન્ડ અને હવાલા ઓપરેટર રૂપેશ મહેતા અને સાગરીતોને ત્યાંથી મોટી માત્રામાં દસ્તાવેજો જપ્ત કર્યાં છે. આશરે ૩૦મી જુલાઈથી ખાનગી રાહે કાર્યવાહી ચાલી રહી હતી તેમાં જવેલર્સ અને આંગિડિયા પેઢીઓ પણ સંકજામાં આવી છે.
આવકવેરા વિભાગે દરોડાની કામગીરીમાં પ્રાથમિક રૂ. ૬૦૦ કરોડના હવાલાના દસ્તાવેજો મળ્યા હતા ત્યાર બાદ રૂ. ૧૦૦૦ હજાર કરોડના દસ્તાવેજો મળ્યાં છે. રૂ. ૪૦ લાખની બિનહિસાબી રોકડ પણ રકમ જપ્ત કરાઇ છે.
આ કૌભાંડમાં હજી પણ કેટલાક નામ ખૂલવાની અને રકમ વધવાની શક્યતા છે. અમદાવાદમાં મીઠાખળી પાસે આવેલા શ્રીકૃષ્ણ કોમ્પલેક્ષમાં આવેલી મહેતા ફાયનાન્સની કોર્પારેટ ઓફિસમાંથી મહત્ત્વના હવાલા સંબંધિત દસ્તાવેજો હાલમાં જપ્ત કરાયાં છે.


