ગુજરાતમાં પણ ચોમાસું જામ્યુંઃ વાપી જિલ્લામાં સર્વાધિક ૧૪ ઈંચ વરસાદ

Wednesday 03rd July 2019 08:56 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી મોસમે મહેર કરી છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં નાના મોટા ઝાપટાં પડી રહ્યાં છે. જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસાની સારી જમાવટ છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદથી ખેતરો પાણીથી તરબોળ થયા છે. તોફાની પવનથી વૃક્ષો, લાઇટપોલ ધરાશયી થયા અને ઠેર ઠેર પાણી ભરાતા જનજીવનને અસર થઇ છે.
૨૯મીથી શરૂ થયેલો વરસાદની માત્રા સુરત જિલ્લાના વિવિધ તાલુકામાં બે ઇંચથી ૮.૫ ઇંચ સુધી પહોંચી છે. નવસારીની અંબિકા નદીમાં પૂરની સંભાવનાને પગલે કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. ડાંગના વઘઇમાં આઠ કલાકમાં ૭ ઇંચ વરસાદ ખાબકયો છે. સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગ જિલ્લામાં સાંબેલાધાર વરસાદને કારણે ખેતરો પાણીથી તરબોળ થતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી. ૨૯મીથી મંગળવાર સુધીમાં વલસાડ જિલ્લામાં વાપીમાં સર્વાધિક ૩૫૭ મિ.મી. વરસાદ ખાબક્યો હતો. સોમવારે ૨૪ કલાકમાં વરસાડ શહેરમાં ૩૩૬ મિ.મી. ઉમરગામ ૨૮૫, પારડી ૨૫૩, કપરાડા ૧૪૯ અને ધરમપુરમાં ૧૬૪ મિ.મી જેટલો તોફાની વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી ચેકડેમોમાં પાણીની આવક શરૂ થઇ છે. વલસાડ જિલ્લામાં સરેરાશ ૬.૪ ઇંચ વરસાદથી જળબંબોળની સ્થિતિ જોવા મળી હતી. નવનિર્મિત વલસાડ રેલવે સ્ટેશન ઉપર પણ પાણી ભરાઇ ગયા હતા. ભિલાડમાં ૨૦થી વધુ લાઇટપોલ તૂટી પડયા હતા. અને મકાનોના પતરા ઉડી ગયા હતા. વીજળી ડૂલ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. નવસારીમાં ધોધમાર ૫.૭ ઇંચ વરસાદથી અંબિકા નદીમાં પૂરની સંભાવનાને પગલે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. મેઘમહેરથી ખેડૂતો ડાંગરની વાવણીમાં જોતરાયા છે. તો બીજી તરફ નીચા વિસ્તારમાં અને રોડ ઉપર પાણી ભરાતા વાહનવ્યવહારને અસર પહોંચી હતી.
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ
સૌરાષ્ટ્રમાં જુદા જુદા વિસ્તારોમાં ૨૯મીથી મેઘરાજાની મહેર યથાવત રહી છે. ૩૦મીથી તો ૪૮ કલાકમાં દેરડીકુંભાજીની જેમ લાઠીના આંબરડી ગ્રામ્ય વિસ્તારમાં ૭ ઈંચ વરસાદ થતા અમુક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. ઉના પંથકમાં રથી૪, ડોળાસા ૩, લાઠી ૩ ઈંચ વરસાદ ૨૯મીથી ત્રણ દિવસમાં પડયો હતો. લલોઈગામે ૨૯મીએ વીજળી પડતાં બચુભાઈ અકબરી નામના વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter