ગાંધીનગરઃ કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો પૂણેથી મંગળવારે સવારે ૧૧.૦૦ વાગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો. ગુજરાતમાં હાલમાં સિરમ કોવિશીલ્ડ વેક્સિનનો કુલ ૨ લાખ ૭૬ હજારનો જથ્થો આવ્યો તેમાંથી ૧ લાખ ૨૦ હજાર વેક્સિન અમદાવાદ અસારવા સિવિલ જ્યારે ૯૬ હજાર વેક્સિનનો જથ્થો ગાંધીનગર સિવિલ પહોંચાડાયો હતો. ગુજરાતમાં આવેલા વેક્સિનનાં ૨૩ બોક્સમાંથી ૧૦ બોક્સ અમદાવાદ અસારવા સિવિલ પહોંચ્યા હતા. સરકારને વેક્સિનનો એક ડોઝ રૂ. ૨૦૦માં પડશે. વેક્સિનનો બીજો જથ્થો પૂણેથી કોલ્ડ ચેઇનમાં સુરત-વડોદરા મોકલાશે જેમાં સુરતમાં ૯૩૫૦૦નો જથ્થો, જ્યારે વડોદરામાં ૯૫૪૫૦નો જથ્થો પહોંચાડાશે. રાજકોટ માટે ૭૭૦૦૦નો જથ્થો બાય રોડ પહોંચશે. આ જથ્થો પૂર્ણ થયા બાદ સરકારના માર્ગદર્શનમાં અન્ય જથ્થો પણ રાજ્યમાં આવશે.
સ્પેશિયલ સ્ટોરેજ રૂમ
વેક્સિન અમદાવાદ આવે એ પહેલાં જ સ્ટોરેજ માટે સંપૂર્ણ તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા કરાઈ હતી. અસારવા સિવિલમાં પણ વેક્સિન માટે સ્પેશિયલ સ્ટોરેજ રૂમ બનાવાયો છે. આ વેક્સિન ૨ ડિગ્રી સેલ્સિયસ અને ૮ ડિગ્રી સેલ્સિયસ કોલ્ડ સ્ટોરેજમાં રખાશે. વેક્સિનના બોક્સમાં ખાસ સૂચના છે કે કોઈ પણ વ્યક્તિને વેક્સિન લેવા માટે સૌથી પહેલાં ડોક્ટરનું મેડિકલ- પ્રિસ્ક્રિપ્શન હોવું જરૂરી છે એ વગર વેક્સિન અપાશે નહીં.
૪.૩૩ લાખ લોકોને પહેલો ડોઝ
મુખ્ય પ્રધાન રૂપાણી સહિત દેશના તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનોની સોમવારે સવારે વડા પ્રધાન મોદી સાથે વીડિયો કોન્ફરન્સ બાદ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ૧૬ જાન્યુઆરીથી શરૂ થનારા રસીકરણની માહિતી આપી હતી. સોમવારે મોડી રાતે ભારત સરકાર સાથે વધુ એક વીડિયો કોન્ફરન્સ બાદ વેક્સિનનો પહેલો જથ્થો મંગળવારે ગુજરાત આવશે તેવી ટ્વિટ રાજ્ય સરકારે કરી હતી.
૧૬ જાન્યુઆરીથી વેક્સિન આપવાનું શરૂ કરાશે તેમાં સૌથી પહેલાં હેલ્થવર્કર્સ, ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી અપાશે. વેક્સિનેશનમાં પહેલા તબક્કે કોરોના વોરિયર્સને રસી અપાશે. ગુજરાતમાં તેમની સંખ્યા આશરે ૪.૩૩ લાખ છે જેમની યાદી તૈયાર છે. ૧૬મીએ રાજ્યમાં ૨૮૭ બૂથ પરથી વેક્સિનેશન થશે જ્યાં મુખ્ય પ્રધાન સહિત પ્રધાન મંડળના સભ્યો - નાગરિકોને વિશ્વાસ બેસે એટલા માટે ઉપસ્થિત રહેશે. રાજ્યમાં આવેલી વેક્સિન અંગે વડા પ્રધાન મોદી ૧૬મીએ વીડિયો-કોન્ફરન્સથી અમદાવાદ અને રાજકોટમાં મેડિકલ સ્ટાફ અને સફાઈ કામદારો સાથે વાત કરશે.
બે લાખ કર્મીઓ કામગીરીમાં જોડાશે
ગાંધીનગરમાં કોર ગ્રૂપની બેઠકમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગુજરાતની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ગુજરાતમાં એક કરોડથી વધુ ડોઝ સંગ્રહ કરવાની ક્ષમતા ઉભી કર્યાનો ચિતાર ૯મીએ રજૂ કરાયો હતો. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, ૧૭૧૨૮ વેક્સિનેટર્સ સહિત બે લાખથી વધારે આરોગ્ય કર્મચારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ આ ઝુંબેશમાં જોડાવા માટે તૈયાર છે.
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ સહિતના સેક્રેટરીઓની આ બેઠકમાં ગુજરાતમાં મહાનગરોથી લઈને આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો સુધી વેક્સિન સપ્લાય અને તેના માનવ શરીરમાં તેના ડોઝ દાખલ કરવા અને ત્યારબાદ ઓર્બ્ઝર્વેશન સુધીના તબક્કાઓની તૈયારીઓની સમીક્ષા થઈ હતી.
આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિના કહેવા મુજબ કોવિડ-૧૯ સામે રસીકરણ માટે ગુજરાતમાં ૧૭૧૨૮ તાલીમબદ્ધ વેક્સિનેટર્સ તૈયાર છે. વેક્સિન સપ્લાય માટે ૨૨૩૬ કોલ્ડ ચેઈનનું નેટવર્ક અને વેક્સિન આપવા માટે ૨૭૯૩૪ સેશન સાઈટ પણ નક્કી છે. રાજ્યના ૩૦૮૪ સરકારી આરોગ્ય સંસ્થાઓ અને ૧૫૯૪૨ ખાનગી આરોગ્ય સંસ્થાઓ રસીકરણમાં જોડાશે.
હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ પૂર્ણ
મુખ્ય પ્રધાને રવિવારે ફેસબુક પર જણાવ્યું કે રાજ્યમાં હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. જેમાં ૫૦ વર્ષથી વધુ વયના લગભગ ૧ કરોડ પાંચ લાખ નાગરિકો અને ૫૦ વર્ષથી ઓછી વયના બીમારીથી પીડાતા ૨.૭૫ લાખ લોકોનો ડેટાબેઝ તૈયાર છે જ્યારે ૪ લાખથી વધુ હેલ્થ વર્ક્સ તથા પોલીસ-સફાઈ અન્ય કર્મીઓ જેવા ૬ લાખથી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનનો પહેલો ડોઝ અપાશે. દરેક વેક્સિન સેન્ટર પર વેઇટિંગ રૂમ, એક વેક્સિન રૂમ અને વેક્સિન લીધા બાદ એક ઓબ્ઝર્વેશન રૂમ એમ ૩ રૂમ ઊભા હશે. આ ઉપરાંત રસીઓના સ્ટોરેજ માટે ૬ રિજનલ ડેપો પણ તૈયાર છે. આમ, રાજ્યની સાડા ૬ કરોડની વસતીમાંથી ૧ કરોડ ૪૩ લાખ ૫૦ હજાર જેટલા લોકોને રસી અપાશે.
પહેલાં તબક્કાનો ખર્ચ કેન્દ્રનો
૧૬મીથી દેશમાં ૩ કરોડ કોરોના વોરિયર્સને વેક્સિનેશન શરૂ થશે. જેનો તમામ ખર્ચ ભારત સરકાર ઉપાડશે. નીતિન પટેલે કહ્યું કે, ભારતની બે વેક્સિનથી રસીકરણ થવાનું છે. ભવિષ્યમાં વધુ વેક્સિન આવશે તેમ તેની કિંમતમાં ઘટાડો થશે. ૧૬ જાન્યુઆરીએ વેક્સિનેશન બાદ રિવ્યૂ કરાશે અને વડા પ્રધાન મુખ્ય પ્રધાનો સાથે વેક્સિનેશનમાં સુધારા-વધારા અંગે ચર્ચા કરશે અને બીજા તબક્કાના વેક્સિનેશન માટેના ખર્ચની ચર્ચા થશે. બીજા તબક્કામાં ૫૦ વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન્સ તેમજ ગંભીર રોગ ધરાવતા ૫૦ વર્ષથી ઓછી વયના એમ ૩૦ કરોડ જેટલા નાગરિકોનાં વેક્સિનેશનનો અંદાજ છે.
વેક્સિનેશન માટે ટ્રાયલ યોજાઈ
વેક્સિન રાજ્યમાં પહોંચે તે પહેલાં અમદાવાદ મહાપાલિકાના અને ખાનગી હોસ્પિટલના મળીને ૨૫ રસી કેન્દ્રો પર ૧૫ ડ્રાય રન યોજાયો હતો. જેમાં એક કેન્દ્ર પર ૨૫ લાભાર્થીને રસીનો ડેમો અપાયો હતો. પૂર્વતૈયારી સ્વરૂપના આ ડ્રાય રનનો મુખ્ય ઉદ્દેશ સમય ચકાસવાનો અને રસીકરણ માટે સેન્ટર પરના જરૂરી સુધારા - વધારા કરી શકાય તે હતો. આ પૂર્વતૈયારીમાં ૨૫ પૈકીના એક પણ કેન્દ્ર પર કોઇ પણ પ્રકારની ભીડ એક સાથે ઉમટી ન હતી. પ્રત્યેક કેન્દ્ર પર લાભાર્થીઓને ડેમો માટે બોલાવાયા હતા. તેમના પ્રવેશથી માંડી મોબાઇલમાં મેસેજ જોવો, તેમનું આઇકાર્ડ તપાસવું નિરીક્ષણ ખંડમાં બેસાડવા અને રસી આપવા સુધીમાં ૧૫ મિનિટનો સમય લાગ્યો હતો. ત્યારબાદ નિયમ મુજબ ઓબ્ઝર્વેશન રૂમમાં તેમને ૩૦ મિનિટ સુધી બેસાડાયા હતા. આમ, પ્રત્યેક લાભાર્થીને વેક્સિનેશનનો કુલ ૪૫ મિનિટ જેટલો સમય લાગ્યો હતો. આ ટ્રાયલ પછી નક્કી કરેલી વ્યવસ્થા પ્રમાણે જ આ સમય હોવાથી ૧૬મીથી રસીકરણ થશે. અમદાવાદ પાલિકાના ૩૦૦ સેન્ટર પર દૈનિક ૧૦૦ લોકોને રસી આપવાનો ટાર્ગેટ નક્કી છે.
૪૫ દિવસ પછી જ રક્ષણ
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સોમવારે કહ્યું કે, વેક્સિન બે તબક્કે લેવાની છે. પહેલા તબક્કે ડોઝ લીધા પછીના ૨૯મા દિવસે એ જ વેક્સિનો બીજો ડોઝ લેવાનો રહેશે. તે પછીના ૧૫ દિવસ એટલે કે ૪૫માં દિવસથી વેક્સિન લેનારમાં ઈમ્યુનિટી ઉત્પન્ન થશે એટલે વેક્સિનનો પહેલો ડોઝ લીધા પછી ચિંતામુક્ત થવાશે નહીં.
વીડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત ભારત સરકારના વૈજ્ઞાનિક વિનોદ પોલે કહ્યું હતું કે, ૪૫ દિવસ પછી વેક્સિન લેનાર ભયમુક્ત રહી શકશે અને તે કોઈને ચેપ ફેલાવી નહીં શકે તેવી ઈમ્યુનિટી ઉત્પન્ન થશે.
મે મહિના સુધીની જ વેલિડિટી
ગુજરાતને મળેલા વેક્સિનના જથ્થાની વેલિડિટી ૬ મહિનાની જ છે. એરપોર્ટ પર આવેલા બોક્સમાં છપાયેલી માહિતી અનુસાર, વેક્સિન મેન્યુફેક્ચરિંગ તારીખ ૩-૧૧-૨૦૨૦ની છે જ્યારે એની એક્સપાયર ડેટ ૧-૫-૨૦૨૧ લખેલી છે એટલે કે આ વેક્સિન મે, ૨૦૨૧ સુધી જ ઉપયોગમાં લઈ શકાશે.
વેક્સિનના એક બોક્સમાં ૧૨ શીશીઓ (વાયલ) છે અને આ વેક્સિન નોટ ફોર સેલ છે એટલે કે આ રસીને હાલમાં રિટેલ માર્કેટમાં વેચવામાં નહીં આવે
પહેલાં જરૂરિયાતમંદોને વેક્સિન
વેક્સિનેશનમાં મુખ્ય પ્રધાન અને તમે (નીતિન પટેલ, આરોગ્ય પ્રધાન તરીકે) રસી લેશો? તેના જવાબમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, મુખ્ય પ્રધાન, હું કે કોઈ પણ નેતા, સાંસદો, ધારાસભ્યો અમે સૌએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી જરૂરિયાતમંદોને આવરી ન લેવાય ત્યાં સુધી વેક્સિન લઈશું નહીં. આ નિર્ણયમાં સરકાર કે રાજકીય પક્ષ સાથે જોડાયેલા બધા આવી ગયા. સૌ પ્રથમ પ્રાથમિકતાની યાદીમાં આવે છે તેવા લોકોને વેક્સિન અપાશે.
વેક્સિનેશન માટેUPID બનશે
વેક્સિન લેવાની ઈચ્છા ધરાવનાર જો તેમનું આધારકાર્ડ રજૂ કરશે તો સરકાર દ્વારા તેમનું UPID બનશે. કેન્દ્ર સરકાર દ્વારા રસી લેનારનું UPID બની ગયા બાદ આ વ્યક્તિના આરોગ્યનો ડિજિટલ રેકોર્ડ સરકારી રેકર્ડના ભાગરૂપે હોસ્પિટલમાં સચવાયેલો રહેશે. જે વ્યક્તિ માટે લાભદાયી બની રહેશે.














