ગુજરાતમાં પ્રદેશ ભાજપનું નવું પાર્લામેન્ટરી બોર્ડ જાહેર

Monday 25th January 2021 09:47 EST
 
 

ગાંધીનગરઃ ભાજપે ૨૧મી જાન્યુઆરીએ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની જાહેરાત કરી હતી. નવી રચાયેલી પ્રદેશ ચૂંટણી સમિતિને આગામી બે- ત્રણ સપ્તાહમાં જ ૮૮૧૫ ઉમેદવારો પસંદ કરવા પડશે. જે પડકારરૂપ બની રહેશે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલાના અધ્યક્ષપદે રચાયેલા પાર્લામેન્ટરી બોર્ડમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા, પૂર્વ પ્રમુખ અને કૃષિ પ્રધાન આર. સી. ફળદુ, કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ, સિનિયર કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયાને યથાવત રખાયા છે.

સામાન્યતઃ ભાજપમાં પ્રદેશ સ્તરે પૂર્વ પ્રમુખ રહેલા નેતાનો પાર્લામેન્ટરી બોર્ડમાં સમાવેશ થતો હોય છે પરંતુ, જીતુ વાઘાણી, પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી અને ભરતસિંહ પરમારની તેમાંથી બાદબાકી કરાઈ છે. આદિવાસી આગેવાન તરીકે પૂર્વ પ્રધાન મંગુભાઈ પટેલના બદલે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને અનુસૂચિત જાતિના આગેવાન તરીકે પૂર્વ સાંસદ શંભુપ્રસાદ ટુંડિયાના સ્થાને અમદાવાદના સાંસદ ડો. કિરીટ સોલંકીનો સમાવેશ કરાયો છે. જોકે, જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમા અને અમદાવાદના પૂર્વ મેયર કાનાજી ઠાકોરને આ બોર્ડના સભ્યપદે યથાવત રખાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter