ગુજરાતમાં બર્ડ ફ્લૂઃ બે મૃત ટીટોડીના સેમ્પલમાં લક્ષણો મળ્યાં

Monday 11th January 2021 14:47 EST
 

જૂનાગઢઃ ધીરે ધીરે ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂનો પગપેસારો થયો છે. આઠમીએ ભોપાલથી આવેલા રિપોર્ટ મુજબ માણાવદરના બાંટવા ખારો ડેમ વિસ્તારમાંથી પાંચ દિવસ પહેલા બે મૃત ટીટોડીનાં મોત બર્ડ ફ્લૂના કારણે થયાં હતાં. બીજી જાન્યુઆરીની રાતે ૫૩ જેટલા પક્ષીઓનાં મૃતદેહ મળ્યા બાદ બર્ડ ફ્લૂની શંકાએ લેબમાં પરીક્ષણ માટે મૃતદેહ મોકલાયા હતા. જોકે આ ૫૩ પક્ષીઓમાં બર્ડ ફ્લૂના લક્ષણો જોવા મળ્યા ન હતા. તેના બીજા દિવસે ૩જીની રાતે આ જ વિસ્તારમાંથી વધુ ચાર પક્ષીઓ બીમાર મળ્યા હતા. જેમાંથી બે ટીટોડીના મૃતદેહને ભોપાલ પરીક્ષણ માટે મોકલાયા હતા. બંને પક્ષીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં રાજ્યભરમાં તકેદારીનાં પગલાં લેવાયાં છે.
જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ જણાવ્યું કે, હાલ આ વિસ્તારને સર્વેલન્સ ઝોન જાહેર કરીને આસપાસના મરઘાં ઉછેર કેન્દ્રો ઉપરાંત રહેણાક વિસ્તારમાં પાલતુ પ્રાણીઓ તેમજ લોકોમાં કોઈ ફ્લૂના લક્ષણો જોવા મળે તો તેના પર હેલ્થ વિભાગ દ્વારા ટેસ્ટિંગ અને મોનિટરિંગની કામગીરી શરૂ કરાઈ છે.
જિલ્લા પશુપાલન અધિકારી ડો. દિલીપ પાનેરાએ આઠમીએ જણાવ્યું કે, હાલ સમગ્ર જિલ્લામાં આવેલા ૧૬૮ જેટલા પોલ્ટ્રી ફર્મમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરાઈ છે. બાંટવા ડેમ આસપાસના વિસ્તારમાં તે વિસ્તારને કોર્ડન કરીને પાંચ કિમીના વિસ્તારમાં સેનેટાઈઝ કરવામાં આવશે. અત્યાર સુધીમાં ૩૫૦૦ જેટલા પક્ષીઓનું સર્વેલન્સ કરાયું છે અને ૩૬૫ જેટલા સેમ્પલ લઈને તેને ભોપાલ પરીક્ષણ માટે મોકલાયા છે. જૂનાગઢ જિલ્લામાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાતા સક્કરબાગ ઝૂમાં આવેલા પક્ષીઘરને પ્રવાસીઓ માટે બંધ કરાયું છે અને તમામ પક્ષીઓના સેમ્પલિંગ અને સેનેટાઈઝેશનની કામગીરી ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાના ઉચ્છલમાં ૨૦ દિવસમાં ૨ હજાર મરઘાંના મોતથી પણ ભયનો માહોલ હોવાનું સાતમી જાન્યુઆરીએ જણાવાયું હતું. ઉચ્છલમાં પરિવારોએ પોતાના ઘરે ઉછેરેલા દેશી મરઘાઓનાં ટપોટપ મોતનો સિલસિલો છેલ્લા ૨૦ દિવસથી ચાલુ રહેતા આશરે ૨૦૦૦થી વધુ મરઘાનાં મોત થયાં હતાં. આ અંગે સરકારી તંત્રને આ મોતના કારણોની કોઈ પ્રકારની જાણકારી જ નથી. તેવું સામે આવ્યા બાદ મરઘાના મોતનાં કારણ માટે તપાસ હાથ ધરાઈ છે. આ ઉપરાંત બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે બારડોલીના મઢી રેલવે સ્ટેશન નજીક એક સાથે ચાર કાગડાનાં મોત થયાં હતાં. કાગડાના મોતનું કારણ સામે ન આવતાં કાગડાના મૃતદેહને પરીક્ષણ માટે ભોપાલ મોકલી અપાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter