અમદાવાદઃ ભારતમાં અમેરિકી કોન્સ્યુલેટ જનરલ તરીકેનો ચાર્જ ગત ઓગસ્ટમાં સંભાળ્યા બાદ અમદાવાદની મુલાકાતે આવેલા એડગર્ડ કગને સોમવારે જણાવ્યું કે, ગુજરાતમાં આઈટી અને એનર્જીના ક્ષેત્રમાં વિકાસની અમાપ તકો રહેલી છે. અમેરિકાને પણ ગુજરાતના વિકાસમાં ખૂબ જ રસ છે, કારણ કે અહીં ભરપૂર ટેલેન્ટ છે. તેમના શિડ્યુલમાં રાજ્યપાલ, મુખ્ય પ્રધાન, ચીફ સેક્રેટરી તેમજ વિવિધ બિઝનેસ ડેલિગેશન સાથે મુલાકાતનો સમાવેશ થાય છે. કોન્સ્યુલેટ જનરલ તરીકેની ઇન્ટ્રોડક્ટરી વિઝિટ માટે આવેલા એડગર્ડ કગને વધુમાં કહ્યું હતું કે, અમેરિકા અને ભારતના સંબંધોમાં ગુજરાતનો સિંહફાળો રહ્યો છે, ભારતથી અમેરિકામાં ઘણાં બધા ગુજરાતીઓ આવીને વસ્યા છે, ભણ્યા છે અને બિઝનેસમાં પ્રદાન આપ્યું છે. યુએસ કોન્સ્યુલેટની કોમર્શિયલ ઓફિસ અમદાવાદમાં થવાથી બન્ને દેશો વચ્ચેના કોમર્શિયલ-બિઝનેસ રિલેશન ઘણાં જ મજબૂત થયા છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત અને યુએસ વચ્ચે ૧૦૦ બિલિયન ડોલરનો બિઝનેસ છે. ભારતમાં કાર્યરત અમેરિકન કંપનીઓ સારું પર્ફોમન્સ આપી રહી છે. દેશમાં રિસર્ચ, એજ્યુકેશન સહિતના ક્ષેત્રે વ્યવસાયની વ્યાપક તકો ઉપલબ્ધ છે.

