ગુજરાતનું સુકાન ફરી વિજય રૂપાણી અને નીતિન પટેલની જોડીને

Friday 22nd December 2017 08:10 EST
 
 

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એક વખત વિજય રૂપાણી અને નીતિન પટેલ રાજ્ય સરકારનું સુકાન સંભાળશે. ભાજપના વિધાનસભ્યોની ગુરુવારે યોજાયેલી બેઠકમાં મુખ્ય પ્રધાન પદે વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન પદે નીતિન પટેલના નામની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. બેઠકમાં લૂણાવાડાના અપક્ષ ધારસભ્ય રતનસિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે તેમણે ભાજપને બિનશરતી ટેકો જાહેર કર્યો હતો.
ભાજપ હાઇકમાન્ડે નિયુક્ત કરેલા નિરીક્ષકો અરુણ જેટલી અને સરોજ પાંડે તેમજ ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં પક્ષના ચૂંટાયેલા સભ્યો પક્ષના વડા મથક કમલમ્ ખાતે એકઠાં થયા હતા. ભાજપની બેઠકનો દોર ચાલ્યો હતો. જેમાં આનંદીબેન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા.
કમલમ્ ખાતે અરુણ જેટલીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભાજપના તમામ ચૂંટાયેલા ધારાસભ્યો હાજર રહ્યાં હતા. જેટલીએ અલગ અલગ મુખ્ય નેતાઓ સાથે બેઠક કરીને ચર્ચા કરી હતી. બેઠકમાં મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન તરીકેની નિયુક્તિમાં સર્વસંમતિ સાધવામાં આવી હતી. કેન્દ્રીય નિરિક્ષકો સાથે ચર્ચા-વિચારણા બાદ ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો વતી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ નેતા તરીકે વિજય રૂપાણીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેને સર્વાનુમતે વધાવી લેવાતા વિજય રૂપાણીની મુખ્ય પ્રધાન તરીકે ઘોષણા કરાઇ હતી. આ પછી નાયબ મુખ્ય પ્રધાન તરીકે નીતિન પટેલના નામની ઘોષણા કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter