ગાંધીનગરઃ ગુજરાતમાં ૨૦૧૪ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં ભાજપનો મતહિસ્સો યાને કુલ મતોમાંથી ભાજપને મળેલા મતોની ટકાવારી ૨૦૧૯ની ચૂંટણીમાં વધી છે જ્યારે કોંગ્રેસનો વોટશેર ઘટયો છે. રાજ્યમાં ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપને કુલ મતદાનમાંથી ૫૯.૦૫ ટકા મતો મળ્યા હતા. જ્યારે આ વખતે તેનો વોટશેર ૩ ટકા વધ્યો છે. ૨૦૧૪માં અને ૨૦૧૯માં ભાજપે બધી બેઠકો જીતી પણ મતદારોએ આ વખતે એને ૨૦૧૪ની તુલનામાં વધારે મત આપ્યા છે. કોંગ્રેસને ૨૦૧૪ની ચૂંટણીમાં ૩૨.૮૬ ટકા મતો મળ્યા હતા જેની તુલનામાં આ વખતે ૦.૬૧ ટકા મતો ઘટયા છે. કોંગ્રેસનું ૨૦૧૪નું પરિણામ ૨૦૧૯માં પણ રિપિટ થયું છે.
૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સિવાયના અન્ય પક્ષો તથા ‘નોટા’ (નન ઓફ ધ એબોવ)ને ૮.૦૯ ટકા મતો મળ્યા હતા. આની સરખામણીએ આ વખતે માત્ર ૫.૬૯ ટકા મતો જ ‘નોટા’ને તથા અન્યોને મળ્યા છે. ૨૦૧૯ની આ ચૂંટણીમાં સૌથી ઓછા ૨૧.૬૪ ટકા મતો કોંગ્રેસના નવસારીના ઉમેદવાર ધર્મેશ પટેલને મળ્યા છે જ્યારે સૌથી વધુ ૭૪.૪૭ ટકા
મતો સુરતમાં ભાજપ ઉમેદવાર દર્શના જરદોષે મેળવ્યા છે.


