ગુજરાતમાં મતદાન કાઉન્ટડાઉન શરૂ...

182 બેઠકો • બે તબક્કા • 4.90 કરોડથી વધુ મતદારો

Wednesday 30th November 2022 04:00 EST
 
 

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં થનારા મતદાન માટે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં છે. જોકે મુખ્ય જંગ ભાજપ, કોંગ્રેસ અને ‘આપ’ના ઉમેદવારો વચ્ચે છે. રાજ્યના 4,90,89,765 મતદારો પહેલી અને પાંચમી ડિસેમ્બરે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં આ વખતે કુલ 3.24 લાખ યુવા મતદારો ઉમેરાયા છે. મતગણતરી 8 ડિસેમ્બરે હાથ ધરાશે, અને મોડી સાંજ સુધીમાં તમામ બેઠકોના પરિણામ જાહેર થઇ જાય તેવી શક્યતા છે. પ્રથમ તબક્કા માટે પ્રચારના પડઘમ મંગળવારે સાંજે થંભી ગયા હતા. જ્યારે બીજા તબક્કા માટે શનિવારે સાંજે પ્રચારનો અંત આવશે.

રાજ્ય ચૂંટણી તંત્રની તૈયારી પૂર્ણ 

ગુજરાત વિધાનસભા 2022ની તા.1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી છે, ત્યારે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું છે કે, બંને તબક્કાના મતદાન માટે મતદાન મથક નક્કી કરવા ઉપરાંત તેના સ્ટાફની નિયુક્તિ પણ થઈ ચૂકી છે. આ ઉપરાંત ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા ઈવીએમ અને વીવીપેટ પણ ચેક કરી લેવામાં આવ્યાં છે.
પ્રથમ તબક્કાની ચૂંટણી 19 જિલ્લામાં થવા જઈ રહી છે, જેમાં 2.39 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તો બીજા તબક્કામાં 14 જિલ્લામાં ચૂંટણી યોજાશે, જેમાં 2.51 કરોડથી વધુ મતદારો પોતાનો મત આપશે.
ચૂંટણીમાં વિદેશમાં વસતા ભારતીય મતદારો પણ મત આપી શકશે. અંતિમ યાદીમાં વિદેશમાં વસતા 823 મતદાર નોંધાયા છે.
રાજ્યભરનાં 29,357 મતદાન મથક સ્થળ પર કુલ 51,839 મતદાન મથક ઊભા કરવામાં આવ્યાં છે, જેમાં કુલ 70,763 બેલેટ યુનિટ, 70,763 કંટ્રોલ યુનિટ અને 79,183 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન માટે 2,20,288 તાલીમબદ્ધ અધિકારી - કર્મચારીઓ ફરજ બજાવશે.

પોલીસ કર્મચારીઓ દ્વારા આગોતરું મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરે યોજાશે, જ્યારે દેશની સામાન્ય જનતા મતદાન કરશે. જો કે ચૂંટણી કામગીરીમાં વ્યસ્તતાના કારણે ચૂંટણી અધિકારીઓ, પોલીસ જવાનો સહિતના લોકો દ્વારા બેલેટ પેપરથી મતદાન પહેલાં જ કરવામાં આવ્યું છે. 25 નવેમ્બરે અમદાવાદ, કચ્છ, પાટણ, મહિસાગર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, તાપી સહિતના જિલ્લાઓમાં પોલીસ કર્મચારી દ્વારા બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યું.
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં 25 નવેમ્બરે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસ જવાનો માટે ચૂંટણીની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં વિવિધ બેઠક પરના પોલીસ જવાનો દ્વારા તેમના પસંદગીના ઉમેદવારોને મત આપવામાં આવ્યા. આ ઉપરાંત ડાંગના આહવા ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પણ બેલેટ પેપર દ્વારા પોલીસ જવાનો, હોમગાર્ડ, દિવ્યાંગો દ્વારા મતદાન કરવામાં આવ્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter