અમદાવાદ: રાજ્યમાં નોંધાતા કેન્સરના પુરુષ દર્દીઓમાં સૌથી વધુ ૨૧.૮૧ ટકા દર્દીઓ મોઢાના કેન્સરના છે. એ પછી જીભના કેન્સરના દર્દીઓનું પ્રમાણ ૧૦.૮૯ ટકા છે જ્યારે સ્ત્રીઓમાં સૌથી વધુ કેસ સ્તન કેન્સરનાં નોંધાયા છે અને બીજા ક્રમે ગર્ભાશયના કેન્સરના કેસ નોંધાયા છે. ગુજરાતમાં સ્ત્રી અને પુરુષ બંનેમાં ગુટખાના વ્યસનનો વ્યાપ વધુ હોવાથી ગુજરાતમાં સૌથી વધુ મોઢાના કેન્સરના કેસો નોંધાયા છે.
રાજ્યમાં કેન્સરગ્રસ્ત દર્દીઓનું પ્રમાણ
સમગ્ર ગુજરાતના કેન્સર હોસ્પિટલોના મુખ્ય કેન્દ્ર એવા જી.સી.આર.માં નોંધાયેલા આંકડા પ્રમાણે વર્ષ દરમિયાન આવતા કેન્સરગ્રસ્ત પુરુષ દર્દીઓમાંથી ૨૧.૮૧ ટકા દર્દીઓને મોંઢાનું, ૧૦.૮૯ ટકા દર્દીઓને જીભના ભાગનું, ૯.૭૪ ટકા દર્દીઓને ફેફસાંનું, ૪.૨૭ ટકા દર્દીઓને અન્નનળીનું અને ૩.૯૮ ટકા દર્દીઓમાં લ્યુકેમિયાનું કેન્સર જોવા મળે છે. જ્યારે મહિલાઓમાં ૨૧.૫ ટકા સ્તનનું (બ્રેસ્ટ) કેન્સર, ૧૪.૨૩ ટકા ગર્ભાશયનું કેન્સર, ૭.૭૨ ટકા મોઢાનું અને ૫.૧૩ ટકા સ્ત્રીઓમાં જીભના ભાગનું કેન્સર જોવા મળે છે.
અત્યાધુનિક સાધનોથી સારવાર
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ગુજરાત કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે ૩૦ હજારથી વધુ દર્દીઓ કેન્સરની સારવાર મેળવે છે. જેમાંથી રાજ્ય બહારના ૨૫થી ૩૦ ટકા દર્દીઓનો સમાવેશ પણ થાય છે. કેન્સર હોસ્પિટલમાં કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સાયબર નાઇફ, ટોમોથેરાપી અને લિનિયર એક્સિલેટર જેવા તમામ પ્રકારના અત્યાધુનિક ઉપકરણો ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીં ડિજિટીલ મેમોગ્રાફી, ડિજિટલ એક્સ-રે, પેટ સિટી જેવા અત્યાધુનિક મશીનથી રોગનું વહેલી તકે નિદાન કરવામાં આવે છે. નિદાન કરવામાં આવ્યા પછી મેડિકલ ઓન્કોલોજી વિભાગ દ્વારા કિમોથેરાપી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનો થેરાપી, જેવી વિવિધ સારવાર દર્દીઓને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત કેટલાંક કેન્સરના દર્દીઓને જરૂરિયાત પ્રમાણે સર્જરી પણ હાથ ધરવામાં આવે છે. અહીં વર્ષ ૨૦૧૯માં ૬૮૭૩ અને વર્ષ ૨૦૧૮માં ૭૨૩૮ દર્દીઓએ રેડિએશન થેરાપી અને વર્ષ ૨૦૧૯માં ૪૯૬૧૧, વર્ષ ૨૦૧૮માં ૫૦૧૩૬ દર્દીઓએ કીમો થેરાપીની સારવાર મેળવી હતી.

