ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ માટે લીલી ઝંડી

Wednesday 02nd November 2022 07:36 EDT
 
 

ગાંધીનગર: કેન્દ્ર સરકારે દેશના તમામ નાગરિકોને સમાન હક્ક મળી રહે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે તેના અનુસંધાને ગુજરાત સરકારે આ દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. મતલબ કે ગુજરાતમાં આગામી સમયમાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ શરૂ થઇ શકે છે. રાજ્યમાં ચૂંટણી જાહેર થતાં પૂર્વે યોજાયેલી કેબિનેટની સંભવિત અંતિમ બેઠકમાં કોમન સિવિલ કોડ માટે કમિટીની રચવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકાર આ નિર્ણયને સહુ કોઇને સમાન હક્ક આપવાની દિશા તરફનું પગલું ગણાવે છે તો વિરોધ પક્ષ આને ચૂંટણીલક્ષી જાહેરાત ગણાવે છે.
બેઠકમાં કેબિનેટના તમામ મંત્રીઓએ મુખ્યમંત્રીને કોમન સિવિલ કોડનો અમલ કરવાનો અધિકાર આપ્યો છે, જેના ભાગરૂપે મુખ્ય મંત્રીએ સુપ્રીમ કોર્ટ કે હાઇ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષ સ્થાને એક કમિટી રચવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને આપશે. આ રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે. પ્રવક્તા મંત્રીઓ જીતુભાઇ વાઘાણી અને હર્ષ સંઘવીએ એ જણાવ્યું હતું કે આ કોડના કારણે જ્ઞાતિ, જાતિ કે ધર્મ આધારિત કાયદાની વિસંગતતા દૂર થશે. સામાજિક સદભાવના વધશે. મહિલાઓને લગતા કાયદા ધાર્મિક રીતે સમાન થવાથી અને સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક રક્ષણ માટે આ કાયદો મદદરૂપ થશે.
તેમણે કહ્યું હતું કે જમીન, સંપત્તિ, વારસાઇ, દાન, લગ્ન, છૂટાછેડા તમામ જગ્યાએ ધર્મ આધારિતના બદલે માનવતા અને ન્યાય આધારિત નિર્ણયો સમાનતા લાવશે. 2019ની લોકસભા ચૂંટણી પહેલાં અને ત્યારપછી ભાજપની સરકારો છે તે રાજ્યોમાં કોમન સિવિલ કોડની અમલીકરણના પ્રશ્ન પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ધ્યાન અપાયું છે. ગુજરાત પણ હવે તે દિશામાં આગળ વધી રહ્યું છે.
ચૂંટણીલક્ષી જાહેરાતઃ કોંગ્રેસ
બીજી તરફ કોંગ્રેસે જણાવ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો કે નહીં તેનો નિર્ણય માત્ર સંસદ દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા જ લઇ શકાય, રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારનો નિર્ણય ન લઇ શકાય ના તો તેનો અમલ થઇ શકે. ગુજરાતની ભાજપ સરકાર લોકોને મોંઘવારી, બેરોજગારીથી ધ્યાન ભટકાવીને મુર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ચૂંટણી નજીક આવી રહી છે તેથી આ મામલો ઉછાળવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter