અમદાવાદઃ પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી ગરમ પવનોને કારણે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં અમદાવાદ સહિત રાજયના મોટાભાગનાં ગામ શહેરોમાં કાળઝાળ ગરમીની લપેટમાં છે. ત્યારે ૨૯મી એપ્રિલે અમદાવાદમાં પાંચ વર્ષનું રેકોર્ડબ્રેક ૪૩.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. તેમાંય રાજયનાં ૯ શહેરોમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી પાર કરી જતાં રાજયમાં ગરમીનું પ્રમાણ વધતાં લોકો ત્રાહિમામ પોકારી ગયાં હતાં અને હિટ વેવને લીધે રાજ્યમાં અલગ અલગ જગાએ ત્રણ મૃત્યુ થયાં હતાં. ૨૯મી એપ્રિલે સમગ્ર રાજયમાં ૪૪.૩ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર બન્યું હતું. હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, શુક્રવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૩.૬ ડિગ્રીએ પહોંચતાં છેલ્લાં પાંચ વર્ષમાં એપ્રિલ મહિનાની રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઇ છે. છેલ્લાં પાંચ વર્ષો દરમિયાન એપ્રિલમાં અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૧થી ૪૩.૩ ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું.


