અમદાવાદઃ ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારોની રજા દરમિયાન લોકો કોરોના ભૂલીને મોટી સંખ્યામાં પ્રવાસન સ્થળોએ ઉમટી પડ્યા હતા. શનિવારથી સોમવારના ત્રણ દિવસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદનું સાયન્સ સિટી, ગિરનાર પર્વતનો રોપ-વે અને દ્વારકા નજીકના શિવરાજપુર બીચ પર આશરે દોઢથી બે લાખ લોકો લોકો રજા માણવા પહોંચ્યા હતા.
રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના કપરાં કાળના કારણે લોકો ખાસ ફરવાનું ટાળતા હતા. ત્યારે બીજી લહેર શાંત થતાં જ લોકોમાં પ્રવાસન સ્થળે દોટ મૂકતા હોય તેવા સરકારના જ આંકડા સામે આવ્યા છે. આ માત્ર ચાર સ્થળની વાત છે. એ સિવાયના પ્રવાસન સ્થળે પણ
મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હોવાના અહેવાલ છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય પ્રધાનના માર્ગદર્શનમાં પ્રવાસન વિકાસ પ્રવૃત્તિઓથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ-મુલાકાતીઓ આકર્ષિત થયા છે. સુવિધાસભર બનેલા આ પ્રવાસન સ્થળોએ જન્માષ્ટમીના તહેવારોમાં મોટી સંખ્યામાં નાગરિકોએ મુલાકાત લઇ સાતમ-આઠમના તહેવારોની ઉજવણીનો આનંદ માણ્યો હતો.
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ત્રણ દિવસમાં કુલ ૯૨ હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આમ તાજ મહેલ કરતાં પણ વધુ પ્રવાસીઓ વર્ષ દરમિયાન અહીં આવતા થયા હોવાના અખબારી અહેવાલ છે. કેવડિયા ખાતે આવેલા ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, વ્યુઇંગ ગેલેરી, ગ્લો ગાર્ડન, જંગલ સફારી, એકતા નર્સરી, કેક્ટસ એન્ડ બટરફ્લાય ગાર્ડન, પેટ ઝોન, નૌકાવિહાર, ઈલેક્ટ્રિક સાયકલિંગ, રિવર રાફ્ટિંગ વગેરેનો પણ આનંદ મોટી સંખ્યામાં ઉમટેલા સહેલાણીઓએ ઉઠાવ્યો હતો.
અમદાવાદ સાયન્સ સિટીને હવે વધુ આધુનિક અને આકર્ષક બનાવવામાં આવ્યું છે. બાળકો, યુવાનો, વિદ્યાર્થીઓને ગમ્મતની સાથે જ્ઞાન મળે તેવા આશયથી વિકસાવવામાં આવેલા રોબોટિક ગેલેરી, એક્વેટિક ગેલેરી, આઇ-મેક્સ થિયેટર, ફાઇવ-ડી થિએટર, અર્થક્વેક રાઇડ, મિશન ટૂ માર્સ રાઇડ જેવા વિશ્વસ્તરીય સ્થળો લોકોને આકર્ષવામાં સફળ રહ્યા છે. અમદાવાદ સાયન્સ સિટીની લગભગ ૧૧ હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આ ત્રણ દિવસો દરમિયાન સાયન્સ સિટીની મુલાકાતની ટિકિટની આવક ૩૫ લાખ રૂપિયાથી વધુ થઇ છે. આ ત્રણ દિવસ દરમિયાન વિશેષત: બાળકો અને વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીની ગમ્મત સાથે જ્ઞાન પિરસતી ગેલેરીઝની મજા માણી હતી.
ગીરનારમાં રોપ-વેની મજા
ગિરનાર રોપ-વે સુવિધા પણ ગત દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહી છે. ગિરનારની ટોચ પર સહેલાઇથી પહોંચીને લોકો ધાર્મિક સ્થળોએ દર્શન કરી શકે અને આભને આંબતા આ પર્વતાધિરાજનું કુદરતી સૌંદર્ય માણી શકે તે માટે આ રોપ-વે એક અનેરૂં આકર્ષણ બન્યો છે. જૂનાગઢ ખાતે આ રોપ-વેથી ત્રણ દિવસમાં ૨૧ હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લઇ ગીરનારના પવિત્ર ધામોની મુલાકાત લઇ પ્રભુ દર્શનની સાથે સાથે પ્રકૃતિ દર્શનનો પણ લ્હાવો લીધો હતો.
શિવરાજપુર બીચ પર માનવમહેરામણ
રાજ્યના સૌથી વધુ લોકપ્રિય પ્રવાસન સ્થળોની યાદીમાં દ્વારકાનો શિવરાજપુર બીચ પણ આગવું સ્થાન મેળવી રહ્યો છે. તાજેતરમાં જ ‘એશિયાનો એકમાત્ર બ્લ્યુ બીચ’ તરીકે સુવિખ્યાત શિવરાજપુર બીચની મુલાકાત લઇ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ત્યાંના વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. હવે અહીં અનેક સુવિધા ઉપલબ્ધ હોવાથી લોકો મોટી સંખ્યામાં રજાઓમાં ઉમટી રહ્યા છે. જન્માષ્ટમી તહેવારોની રજાની વાત કરીએ તો શિવરાજપુર બીચ ખાતે ૨૮થી ૩૦ ઓગસ્ટ - એટલે કે શનિવારથી સોમવાર દરમિયાન ૨૧ હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લઇને ઉજાણી કરી હતી.