અમદાવાદઃ મુંબઈના પગલે ગુજરાતમાં પણ ચોમાસાનું સમય પહેલા આગમન થઈ ગયું હોય તેમ ૧૨ જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને મેઘરાજાએ તરબોળ કર્યા હતા. સૌરાષ્ટ્રમાં ભાવનગર તેમજ જસદણ પંથકમાં જોરદાર વરસાદને લીધે ચેકડેમ છલકાયા હતા. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં ઝાપટું પડતાં ઠંડક પ્રસરી હતી. અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. સૌથી વધુ ગોંડલ પંથકના બિલિયાળા ગામે આભ ફાટતાં આઠ ઇંચ જેવો મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. રાજકોટ અને અમરેલી જિલ્લામાં સર્વત્ર અડધાથી ૮ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે બાબરામાં ત્રણ ઇંચ, ભાવનગરમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. રાજકોટ શહેર સહિત જિલ્લાના કોટડાસાંગાણીમાં ધોધમાર સવા ચાર ઇંચ, લોધિકામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ગોંડલ, જેતપુર, વિંછિયામાં મેઘાએ હાજરી પુરાવી હતી. જ્યારે જૂનાગઢના વિસાવદર શહેરમાં અઢી ઈંચ તથા ગ્રામ્ય પંથકમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. જામનગર જિલ્લામાં કાલાવાડમાં અડધો તથા ધ્રોલમાં એક ઇંચ વરસાદ થયો છે.
દક્ષિણ ગુજરાતમાં નવસારીના જલાલપોરમાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરત જિલ્લામાં ચોર્યાસી અને પલસાણામાં પણ ૮૭ મિ.મિ. વરસાદ સાથે પ્રિમોનસુન શાવર છવાયેલું રહ્યું હતું. જ્યારે અન્ય તાલુકાઓમાં માંગરોળમાં ૬૦ મિ.મી., મહુવામાં ૩ મિ.મી., નવસારીમાં ૭૫ મિ.મી., ગણદેવીમાં ૪૭ મિ.મી, ઉકાઈના ઉપરવાસમાં ૧૩.૫ ઈંચ, કપરાડામાં ૯ ઈંચ, ધરમપુરમાં ૪ ઈંચ અને ચીખલીમાં ૨૪ મિ.મી. પાણી વરસ્યું હતું. વડોદરા શહેરમાં ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે બે ઇંચ જેટલો વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લાના ૮ પૈકી ડભોઈ સિવાયના ૭ તાલુકામાં મેઘમહેર થઈ હતી. વડોદરા ઉપરાંત પંચમહાલ, ભરૂચ અને નર્મદા જિલ્લાના વાઘોડિયા, કરજણ, ડભોઈ, જરોદ, રાજપીપળા, અંકલેશ્વર, વાલિયા, ઝઘડિયા અને મોરવા હડફમાં મેઘરાજા મનમૂકી વરસ્યા હતા. ઝઘડિયા તાલુકામાં કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.