ગુજરાતમાં વાયુ વાવાઝોડુંઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૩૫ કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદની આગાહી

Wednesday 12th June 2019 06:12 EDT
 
 

ગાંધીનગર, અમદાવાદ, જૂનાગઢઃ ૧૨મીથી ૧૪ જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે વાયુ નામનું વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. સરેરાશ ૧૧૦થી ૧૩૫ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે અને તેને કારણે સંભવિત ભારે વરસાદને કારણે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વાયુ સરેરાશ ૩૦થી ૫૦ કિમીની ઝડપે ગુજરાત તરફ આગળ આવી રહ્યાના અહેવાલ હતા. ડિપ્રેશનમાંથી આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયેલી હોવાથી જે કાંઠે ટકરાય ત્યાં ભારે પવન ફુંકાશે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ હતી. જેને કારણે ૧૨થી ૧૪ જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંચથી સાત ઇંચ વરસાદ થોડાં જ કલાકોમાં વરસે તેમ અગાઉ જાહેર કરાયું હતું.
લક્ષદ્વીપ ટાપુ તરફથી સૌરાષ્ટ્ર કચ્છમાં વાવાઝોડું ત્રાટકે તે પહેલેથી તંત્ર સજ્જ બન્યું હતું.
વાવાઝોડા દરમિયાન સમુદ્ર કિનારે બે મીટરથી વધુ ઊંચા મોજાં ઉછળે તેમ હોવાથી સરકારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી હતી. વળી જે માછીમારો દરિયામાં ગયા હોય તેમને શક્ય હોય તેટલી ઝડપથી પરત ફરવા માટેની સૂચના પહોંચડાવાના પ્રયત્ન ચાલુ કરી દેવાયા હતા. આ તરફ સરકારે બચાવ કામગીરી માટેના પગલાની સમીક્ષા શરૂ કરી હતી. ગુજરાત સરકારના મહેસૂલ સચિવ પંકજ કુમારે સોમવારે કરેલી સમીક્ષા દરમિયાન જણાવ્યું હતું કે બચાવ માટે એનડીઆરએફની ટુકડીઓ, નૌકાદળ, એરફોર્સ, લશ્કર, કોસ્ટગાર્ડ, મરીન પોલી ઉપરાંત સ્થાનિક સત્તાતંત્ર અને પોલીસ તંત્રની મદદ પણ લેવાઈ રહી છે.
આર્મીની ૩૪, એનડીઆરએફની ૩૫, એસડીઆરએપની ૧૧ ટીમ ખડેપગે રાખી દેવાઈ હતી. વાવાઝોડાના સમયમાં સાવચેતીનાં પગલાંરૂપે સૌરાષ્ટ્ર, કચ્છ સહિતમાં શાળા પ્રવેશોત્સવ મુલતવી રાખવામાં આવ્યો હતો અને ૧૨મીથી શાળામાં રજાઓ જાહેર કરાઈ હતી. સરકારે અગાઉથી પાંચ લાખ ફૂડ પેકેટ્સની વ્યવસ્થા રાખી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter