ગુજરાતમાં સર્વત્ર વરસાદઃ ૯૪ ડેમ હાઇએલર્ટ પર, ડૂબી જવાથી કુલ ૭નાં મોત

Tuesday 18th August 2020 12:24 EDT
 
 

ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં બીજા રાઉન્ડમાં વરસાદ સારો રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ઓછોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશરના કારણે રાજ્યમાં ૧૩મી ઓગસ્ટથી સારો વરસાદ છે. આ સાથે ગુજરાતમાં સિઝનનો સરેરાશ ૭૭ ટકાથી વધુ વરસાદ થયો છે. જોકે હવે રાજ્યમાં વરસાદ ધીમો નહીં પડે તો ખરીફ પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ છે. રાજ્યમાં ભારે વરસાદથી ડૂબી જવાથી કુલ સાતેકનાં મોત થયાં છે. રાજ્યમાં મધ્યમથી અતિ વરસાદના કારણે ૯૪ ડેમો હાઇએલર્ટ પર મુકાયા છે અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરાઈ છે.
મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ
આણંદમાં ૧૩મીની સવારથી શરૂ થયેલો ભારે વરસાદ ૧૪મીએ બપોર પછી મધ્યમ થયો હતો. ૧૩મીએ સૌથી વધુ આણંદમાં ૧૨ કલાકમાં ૧૨ ઈંચ વરસાદ થયો હતો. વરસાદી ઝાપટાંઓના કારણે આણંદ શહેર અને જિલ્લામાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. સતત વરસાદથી આણંદ-વિદ્યાનગર રોડ, ગણેશ ચોકડી, ૮૦ ફૂટ રોડ, ઇસ્માઇલ નગર, ગામડીવડ ચાર રસ્તા, નવા બસ સ્ટેન્ડ રોજ, આણંદ-સોજિત્રા રોડ, જીટોડિયા રોડ, ૧૦૦ ફૂટ રોડ, વ્યાયામ શાળા રોડ સહિતના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયાં હતાં.
૧૭મીના અહેવાલો પ્રમાણે, ભારે વરસાદને કારણે વડોદરાનું આજવા સરોવર ૧૧.૮૦ ફૂટ અને વિશ્વામિત્રી નદીની સપાટી ર૩.૫પ ફૂટે પહોંચી હતી. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી માત્ર ૩ ફૂટ નીચી વહેતાં વડોદરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં છે. વડોદરા અને વિશ્વામિત્રીથી નજીકમાં વસતાં ૪૦૦ લોકોનું સ્થળાંતર કરાયું હતું.
અમદાવાદમાં ૪ ઇંચ વરસાદ
અમદાવાદમાં સોમવારે રાતે ૮થી ૧૦ના સમયગાળામાં પૂર્વ વિસ્તારોમાં ૪ ઇંચ તો પશ્ચિમ વિસ્તારોમાં બે ઇંચ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. શહેરમાં બે કલાકમાં સરેરાશ સવા બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો. શાહીબાગ અને મીઠાખળી અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરવા પડયા હતા. ૧૦૦થી વધુ સ્થળે ઘૂંટણસમા પાણી ભરાયા હતા.
દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદ
દક્ષિણ ગુજરાતમાં રવિવારે વરસાદે આરામ લીધો હતો, પરંતુ સોમવારે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં ૧૬ કલાકમાં ૧૦ ઈંચ અને માંડવીમાં એક દિવસમાં ૧૧ ઈંચ વરસાદ પડ્યો હતો. દક્ષિણની નદીઓમાં ઘોડાપૂર આવતાં સુરત, તાપી અને નવસારી જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું હતું. સુરતમાં ૨૦૦૬ પછી પૂર જેવી હાલત ગણાવાઈ છે અને ઉકાઇ ડેમના ૧૯ ગેટ ખોલી નંખાયા છે. મૂશળધાર વરસાદને કારણે પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખટેરા નદી ગાંડીતૂર બની છે. વલસાડ જિલ્લાની ચારેય નદીઓ ઓરંગા, પાર, કોલક અને દમણગંગા પણ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ડાંગમાં વરસાદના કારણે પર્વતો અને ટેકરીઓ પર ઝરણાં ફૂટી નીકળ્યા છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં બલેશ્વર નેશનલ હાઇવે નં. ૪૮ પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર ખોરંભાયો હતો. અનેક મુખ્ય અને આંતરિક માર્ગો પાણીમાં ગરક થયા હતા.
બારડોલી તાલુકામાં જળબંબાકારની સ્થિતિ ઉભી થતાં અનેક ગામો ટાપુમાં ફેરવાયા છે. આ ઉપરાંત વાંસદામાં ૭ ઈંચ અને બારડોલીમાં ૬ ઈંચ વરસાદ સોમવારે નોંધાયો હતો. દ. ગુજરાતમાં ૧૩મીથી ૩૬ કલાકમાં ૧૭ ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરતના ઉમરપાડામાં ૧૩મીએ ૧૨ ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં ૧૩મીએ ૮.૫ ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. સુરતમાં ખાડી કિનારે વસતા કુલ ૭૯૫ લોકોને એલર્ટ કરાયાં હતાં.
સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર મેધ વરસ્યો
સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીથી મેઘે માઝા મૂકી છે. સોમવારે ગીર સોમનાથ, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યાપક તેમજ રાજકોટ, મોરબી, પોરબંદર, જામનગર, અમરેલી જિલ્લામાં છુટાછવાયો વરસાદ હતો. ગીર - સોમનાથમાં સતત અને ભારે વરસાદને કારણે એનડીઆરએફની ટીમો સક્રિય કરાઈ હતી. સોમવારે તાલાળામાં ૮ કલાકમાં ૭.૫ , ગડુમાં ૨૪ કલાકમાં ૭, જોડિયામાં ૫ અને કલ્યાણપુરમાં ૩.૫ ઈંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. ગીર જંગલ વિસ્તારમાં તો ૧૫ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્રમાં ચાર જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ ભયસપાટીએ વહી રહી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લીધે હાઈ એલર્ટ જાહેર કરાયો છે.
કચ્છની નદીઓ છલકાઈ
કચ્છના માંડવીમાં સોમવારે સાત ઇંચ વરસાદ નોંધાયો હતો. માંડવી તાલુકાના બિદડામાં બે કલાકમાં અંદાજે ૫ ઈંચ વરસાદ થયો હતો. સોમવારે નખત્રાણામાં માત્ર બે કલાકમાં ૫, અંજારમાં ૩.૭૫, ભુજમાં ૨.૪૫, રાપરમાં ૦.૭૫ અને મુંદરામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. ૧૩મીએ કચ્છમાં લખતરમાં ૮.૫ ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણમાં વરસાદથી આ વિસ્તારની મોટાભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે.
૯૪ ડેમ હાઇએલર્ટ પર
સોમવારે ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ છ ડેમોને હાઇ એલર્ટ પર મુકાયા સાથે રાજ્યમાં ૯૪ ડેમ હાઈ એલર્ટ પર છે. આ ડેમોમાં ૯૦ ટકાથી વધુ પાણી છે જ્યારે ૧૦ ડેમ એલર્ટ પર છે તો ૧૪ ડેમને વાર્નિંગ અપાઈ છે. ૮૭ ડેમોમાં કોઈ સિગ્નલ અપાયા નથી, કારણ કે ત્યાં ૭૦ ટકા કરતાં ઓછું પાણી છે. રાજ્યના ૨૦૬ ડેમોમાં હાલમાં ૬૦.૪૨ ટકા પાણીનો સંગ્રહ છે. સૌરાષ્ટ્રના ૧૪૦ ડેમોમાં સૌથી વધુ ૮૦.૫૨ ટકા જળસંગ્રહ છે.

ખરીફ પાકની સારી વાવણી

સમગ્ર ગુજરાતમાં શ્રીકાર વર્ષાથી ખરીફ પાકની સારી વાવણીથી ખેડૂતો ખુશ છે. હવે અંતિમ વરસાદ યોગ્ય સમયે થાય તો ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક ખરીફ ઉત્પાદનની આશા છે. ગુજરાતનો એગ્રી કલ્ચર સેક્ટરનો ગ્રોથ ડબલ ડિજિટમાં છે. રેકોર્ડ ઉત્પાદન વર્ષથી ગ્રોથ રેટ ૧૪ ટકા આંબી જાય તો નવાઇ નહીં. મગફળી, કઠોળનું રેકોર્ડ બ્રેક ઉત્યાદન થશે. સારા પાકના વરતારા બાદ ખેડૂતોને હવે એક જ આશા છે ઉપજના પૂરતા ભાવ મળે. 

રાજ્યમાં કુલ સાતનાં મૃત્યુ
• દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના માલેતા ગામ પાસે ડેમના પાણીના વહેણમાં બે યુવાનો, જામજોધપુર તાલુકાના તરસાઇમાં શ્રમિક રસૂલભાઇ બિલેશ્વરી નદીમાં અને માળિયા હાટીના તાલુકામાં ઘોઘમના ધોધમાં નહાવા પડેલા દેવેન્દ્રભાઇ વાઢીયાનાં ડૂબી જવાથી મોત થયાં છે.
• જામનગરમાં વ્હોરાના હજીરા પાસે રંગમતી નદીના પૂરમાં તણાઇ ગયેલા રવિ ચૌહાણ (ઉં. ૨૮)નું અને કાલાવડ તાલુકાના ખાખરિયા ગામે મહેશ વશરામભાઇ શિંગાળા (ઉં. ૪૦)નો પગ લપસતા ચેક ડેમમાં ગબડી જવાથી મૃત્યુ થયાં છે.
• રાજસ્થાનમાં ભારે વરસાદથી બનાસકાંઠામાં ઉપરવાસમાં વરસાદથી ડીસાના ઝેરડા ગામનું તળાવ ઓવરફ્લો થયું હતું. બે પિતરાઇ ભાઇઓ ગણેશ મગનભાઇ ડાભી અને અમૃત મીઠાભાઇ ડાભીનાં આ તળાવમાં ડૂબવાથી મોત થયાં છે.
• ગોંડલમાં ૪.૫ વરસાદ થતાં ઓવરબ્રીજ નીચે ભરાયેલા પાણીમાં એસટી બસ ફસાઈ હતી. જોકે તમામ મુસાફરોને બચાવાયાં હતા.
• વડોદરા શહેર પાસે ધનિયાવીથી મકરપુરા જવાના રોડ પરથી પોતાના ફાર્મહાઉસ જઈ રહેલા નિવૃત્ત પીઆઈ રાજેન્દ્રસિંહ સરવૈયા (ઉ. ૭૦) જાંબુવા નદીના પૂરમાં તણાયા હતા. તેઓ ઝડપથી કારમાંથી બહાર નીકળીને કારની ઉપર ચડી ગયાં હતાં. ફાયરબ્રિગેડના જવાનોએ તેમને બચાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter