ગાંધીનગરઃ રાજ્યમાં જુલાઈના છેલ્લા અઠવાડિયા અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં એકંદરે સારો વરસાદ રહ્યો છે. દક્ષિણ ગુજરાતથી માંડીને છેક કચ્છ સુધી સાર્વત્રિક સારો વરસાદ રહેતાં પ્રજા અને ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. જોકે વડોદરામાં ૨૯મી જુલાઈથી ત્રણ દિવસ અતિ ભારે વરસાદ ખાબક્યો હતો.
અતિ વરસાદ માટે નિષ્ણાતોએ કહ્યું કે, ત્રણ સક્રિય વરસાદી સિસ્ટમે સૌથી વધુ વડોદરાને ધમરોળ્યું હતું. પૂર્વ મધ્ય પ્રદેશમાં લો પ્રેશર સર્જાયું હતું. આ સિવાય ઉત્તર ગુજરાતથી લઈને રાજસ્થાનમાં અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન સર્જાયું હતું તો ત્રીજી વરસાદી સિસ્ટમ પશ્ચિમ બંગાળના ગંગાના તટીય પ્રદેશ, ઝારખંડ અને દક્ષિણી ઉત્તર પ્રદેશમાં સક્રિય હતી. જોકે આ ત્રણેય સિસ્ટમ સક્રિય થતાં વડોદરામાં પૂર જેવી સ્થિતિ થઈ.
અમદાવાદમાં દોઢેક માસના અંતે ૩૦મી જુલાઈએ ચાર ઈંચ વરસાદ થયો. સોરઠમાં ૩૦મી જુલાઈએ ૭ ઈંચ વરસાદ ગિરનાર પર્વત પર વરસ્યો હતો. ગાંધીધામમાં એક દિવસમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. માંડવી અને આસપાસ એકથી ત્રણ ઈંચ જેટલો વરસાદ થયો હતો. વિજયસાગરમાં ૧૧ ફૂટ પાણી આવ્યું હતું. મસ્કાનના ૪ ડેમ, ૨ તળાવ અને ગોધરાનું કેસરિયા તળાવ ઓવરફ્લો થયાં હતાં. લખપતમાં બેથી અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં ૨૯મી જુલાઈથી સતત વરસાદ ચાલુ રહ્યો હતો. ૪થી ઓગસ્ટે કપરાડામાં ૧૫ ઈંચ, કવાંટમાં ૧૨ ઈંચ, વાંસદા-ખેરગામમાં ૧૧ ઈંચ, વાપીમાં ૧૦ ઇંચ વરસાદ થયો હતો.
વડોદરામાં મેઘ ગાંડોતૂર
વડોદરામાં ૩૧મી જુલાઈએ માત્ર સાત જ કલાકમાં વીજળી સાથે ૧૮ ઇંચ વરસાદ પડતાં શહેરની પરિસ્થિતિ ગંભીર બની હતી. વરસાદથી છ વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યા હતા અને વીસથી વધુ લોકો ઘાયલ થયાં હતાં. વિવિધ સ્થળે ૪૨થી વધુ વૃક્ષો ધરાશાયી થયાં હતાં. ફ્લાઇટના શિડ્યુલ ખોરવાયા અને બસ - ટ્રેન સેવા ખોરંભે પડી હતી. અમદાવાદ-મુંબઈ ટ્રેનો આણંદ-વાસદ સ્ટેશને અટકી હતી. વડોદરા સ્ટોક એક્સ્ચેન્જ બંધ રખાયું હતું તેથી રોકાણકારોની હાલત કથળી હતી. પાદરા પંથકમાં ૫૦ ગામનો સંપર્ક તૂટી ગયો છે. ૩૧મીએ સતત પણ વરસાદ રહ્યો હતો. વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ અને નદીમાંના મગર રહેણાક વિસ્તારમાં તણાઈ આવ્યા હતા. જોકે દસેક મગરને રેસ્ક્યુ કરાયા હતા. પહેલી ઓગસ્ટે પણ વડોદરામાં વરસાદ ચાલુ હતો અને લગભગ શહેરમાં ૨૦ ઈંચે પહોંચ્યો હતો.
વડોદરા કોર્પોરેશને રૂ. ૧૦૦૦ કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરી હતી તે ધોવાઈ ગઈ હતી. વિશ્વામિત્રી ૩૫ ફૂટની ભયજનક સપાટી ઓળંગી જતાં તેનાં પાણી શહેરમાં પાણી ઘૂસી ગયા હતા. પહેલીએ ડૂબી જતાં બેનાં અને કરંટથી એક, સાથે કુલ ત્રણનાં મોત નિપજ્યાં હતાં. શહેરમાંથી ૫૦૦૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું. અડધા શહેરમાં અંધારપટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. સુરત ફાયરબ્રિગેડની ૧૫ જવાનોની ટીમ વડોદરા પહોંચી હતી. વિશ્વામિત્રીમાં પૂરથી ફ્સાયેલા ૬૬૦ અસરગ્રસ્તોને વડોદરા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યાં હતાં
આજવા ડેમમાં પ્રતિ કલાક ૪૨૦૦ ક્યુસેક પાણી આવતાં વિશ્વામિત્રી નદીએ ૩૪.૫૦ ફૂટની ભયજનક સપાટી વટાવી હતી અને આસપાસના વિસ્તારોમાં ૧૦ ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં.
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ
• રાજ્યમાં મોસમનો કુલ વરસાદ ૨૪ ઈંચથી વધુ
• કવાંટની કરા નદીમાં સાત ઇંચ વરસાદથી પૂર, હાંસોટમાં ૯, નેત્રંગ, વાઘોડિયામાં ચાર ઈંચ વરસાદ
• હાંસોટમાંથી ૧૪૪૨નું સ્થળાંતર, હાલોલના દેવ ડેમમાંથી પાણી છોડાતાં ૩૩ ગામો હાઈએલર્ટ, ૨,૨૧૬ દિવસ બાદ નર્મદા નદી ભરૂચમાં બે કાંઠે, ઝઘડિયાનો ધોલી ડેમ ઓવરફ્લો, ૧૩ ગામોને સાવચેત કરાયા, કરજણ ડેમની સપાટી ૧૦૭.૪૯ મીટરે પહોચી
• ડભોઈમાં ૩૦મી જુલાઈએ આઠ કલાકમાં પાંચ ઈંચ વરસાદ, નાંદોદ તાલુકામાં ચાર ઈંચ, ગરૂડેશ્વર તાલુકામાં ચાર ઈંચ, તિલકવાડામાં પોણા ચાર ઈંચ, સાગબારા તાલુકામાં ત્રણ ઈંચ
• નસવાડીની અશ્વિન નદીમાં ઘોડાપુર, બે ગામ સંપર્ક વિહોણા, મેવાસના અંદાજિત ૨૫થી ૩૦ ગામોને અસર, મોટી સાંકળનો યુવાન ભોટદા ગામે તણાયો, અંબિકા નદી ભયજનક કરતાં ૮ ફૂટ ઉપર, ઔરંગા, દમણગંગા, પૂર્ણા, કીમ નદીમાં પૂરની સ્થિતિ
• વાગરાના નાંદિડા ગામે મકાન ધારાશાયી, ત્રણ બાળકીનાં મોત, દેવગઢ બારિયા તાલુકામાં પાનમ અને ઉજ્જવલ નદી બે કાંઠે
• કપરાડામાં બે દિવસમાં ૧૫, ઉમરપાડામાં ૧૧, ખેરગામમાં ૧૧, વાપીમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ, નવસારીમાં ૨૦૦૦થી વધુ અને ભરૂચ જિલ્લામાં ૧૪૪૨ લોકોનું સ્થળાંતર
• વઘઈમાં ૧૧ ઈંચ વરસાદ, સ્કૂલમાંથી ૩૦૦ બાળકોનું રેસ્ક્યુ કરાયું
• સુરતમાં ઉધનામાં ખાડી ક્રોસ કરતા યુવાન ધનરાજનું મોત
• બિલીમોરામાં ૪૦૦નું રેસ્ક્યુ, ભાઠામાં ૩૨ને એરલિફ્ટ કરાયા, વાગરીમાં લોકો સાથે એનડીઆરએફના જવાનોનું પણ રેસ્કયુ
• નવસારીમાં બીજીએ ૩૦૦૦, સુરત જિલ્લામાં ૭૨૧ અને ચીખલીમાં ૪૦૦નું સ્થળાંતર, નવસારીમાં સોમવારે વરસાદ ન નહોતો છતાં કાશીવાડીમાં પાણીની સપાટી વધી હતી. રવિવારે આ વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા હતા.
• દક્ષિણ ગુજરાતમાં પાંચમીથી ચોવીસ કલાકમાં ૨૨૦૦થી વધુનું સ્થળાંતર, નવસારી જિલ્લામાં ૧૩નું એરલિફ્ટ
• ધરમપુરના પીપરોળની મહિલા રસ્તો ઓળંગતાં નદીમાં તણાઇ
• ડાંગના ૨૧ કોઝવે પાણીમાં ગરક, ૩૩ ગામ સંપર્કવિહોણા
સૌરાષ્ટ્ર - કચ્છમાં પણ પાણી પાણી
• સમગ્ર સૌરાષ્ટ્રમાં ૨૯મી જુલાઈથી સપ્તાહમાં સાર્વત્રિક અડધાથી છ ઈંચ સુધી વરસાદ, શીંગવડા ડેમની સપાટી ૩૫ ફૂટ, કોડીનારમાં ૫.૫, વિસાવદર અને અમરેલીમાં પ, ગીરગઢડા, ઉના, લીલિયા, બગસરા, ગોંડલ ગ્રામ્યમાં ૪ ઈંચ વરસાદ, ડોળાસામાં ૧૮ કલાકમાં છ ઈંચ વરસાદ વરસ્યો હતો. અન્યત્ર ૦.૫થી ૩ ઈંચ વરસાદ
• સૌરાષ્ટ્રમાં ચંદ્રભાગા, માલગામ, સીમાસીની રૂપેણમાં અતિ જળપ્રવાહ, નીચાણવાળા વિસ્તારો પાણી પાણી, અમરેલી જિલ્લામાં એકથી પાંચ ઈંચ વરસાદ, કેરિયા રોડ પર અંડરબ્રિજમાં પ ઈંચ પાણી
• કચ્છના માંડવી અને અબડાસાના અમુક વિસ્તારોમાં ૧થી ૪ ઈંચ સુધીનો વરસાદ, ટોપણસર, રૂકમાવતી, ઓગન્યામાં પાણીની આવક, અબડાસાના ચાખીરસરામાં શાળાની દીવાલ અને બસ સ્ટેશન ધરાશાયી થયા હતા
ટ્રેન રદ કરાઈ
• મુંબઈથી ગુજરાત તરફની મોટાભાગની ટ્રેનો રવિવારે રદ હતી
• રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ રવિવારની રાતના ૮-૩૦ વાગ્યા સુધીમાં ૩૭ ટ્રેનો રદ કરી દેવાઈ હતી. ૨૬ ટ્રેનોને વૈકલ્પિક રૂટ તરફ વળાઈ અને ૫ને આંશિક રદ કરવાની ફરજ પડી હતી.


