સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કાનૂની જંગ અને પાટીદાર આંદોલનના વાતાવરણ વચ્ચે ૨૪મી ઓક્ટોબરે રાજ્યના ચૂંટણી પંચે ઓચિંતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરતાં રાજ્યમાં આશ્ચર્યની લાગણી ફેલાઈ છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ઇલેક્શન કમિશને ૨૪મી ઓક્ટોબરે જાહેરાત કરી હતી એ પ્રમાણે ગુજરાતની અમદાવાદ સહિતની ૬ મહાનગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૦ તાલુકા પંચાયતો અને ૫૬ નગરપાલિકાઓની સામાન્ય તેમ જ નગરપાલિકા અને તાલુકા પંચાયતોની પ્રસંગોપાત્ત ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે. ચૂંટણીઓ જાહેર થવાની સાથે જ ૨૪મી ઓક્ટોબરથી ગુજરાતમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો હતો.
ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને સુરત મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ૨૨ નવેમ્બરે મતદાન થશે અને ૨૬ નવેમ્બરે મતગણતરી થશે જ્યારે ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૦ તાલુકા પંચાયતો અને ૫૬ નગરપાલિકાઓની ચૂંટણી માટે ૨૯ નવેમ્બરે મતદાન થશે અને બે ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.
મતગણતરીની તારીખને લીધે વિવાદ સર્જાવાની શક્યતા
ગુજરાત ચૂંટણી આયોગે બે તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત તો કરી, પરંતુ પહેલા તબક્કાની ચૂંટણીનાં પરિણામ આવી ગયા બાદ ત્રણ દિવસ પછી બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન યોજાશે.
૬ મહાનગરપાલિકાની મતગણતરી ૨૬ નવેમ્બરે છે. જ્યારે ૫૬ નગરપાલિકા, ૩૧ જિલ્લા અને ૨૩૦ તાલુકા પંચાયત માટે મતદાનની તારીખ ૨૯ નવેમ્બર છે. ૬ મહાનગરપાલિકાઓનાં પરિણામ આવી ગયા બાદ નગરપાલિકા, જિલ્લા–તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાશે, પણ હકીકતમાં આ બંને તબક્કાની ચૂંટણીઓનાં પરિણામો એકસાથે જાહેર કરવા જોઈએ એવો મત ઊઠ્યો છે, કેમ કે ૬ મહાનગરપાલિકાઓની ચૂંટણીનાં પરિણામોની અસર બીજા તબક્કાની ચૂંટણીના મતદાન પર પડી શકે છે.
નોટાનો વિકલ્પ નહીં મળે
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતના મતદારોની ઇચ્છા હશે તો પણ નોટાનું બટન નહીં દબાવી શકે, કેમ કે આ ચૂંટણીમાં ગુજરાત ચૂંટણી આયોગે કોર્ટનું કારણ આગળ ધરીને નોટાના વિકલ્પનો છેદ ઉડાવી દીધો છે.