ગાંધીનગરઃ કોરોના સંક્રમણને કારણે ત્રણ માસ સુધી મુલતવી રહેલી રાજ્યની ૬ મહાનગરપાલિકા, ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે તાજેતરમાં કરી છે. ૬ મહાપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે ૨૧ ફેબ્રુઆરી અને નગરપાલિકા, જિલ્લા, તાલુકા પંચાયતો માટે ૨૮ ફેબ્રુઆરીએ સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે. ૬ મહાપાલિકા માટે ૨૩ ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. જ્યારે નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની મતગણતરી તથા પરિણામ બીજી માર્ચે જાહેર થશે. ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતા અમલી બની ગઇ છે.
કોરોના માર્ગદર્શિકા પ્રમાણે મતદાન
રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર સંજય પ્રસાદે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરતાં કહ્યું કે, કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મતદાન અને મતગણતરીની પ્રક્રિયા માટે માર્ગદર્શિકા નક્કી કરાઇ છે. મહાપાલિકા, નગરપાલિકા, પંચાયતોમાં કુલ ૬૫૭૭ વોર્ડ અને ૯૦૯૪ બેઠકો માટે ૪.૦૯ કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
વીવીપેટનો ઉપયોગ નહીં
આ ચૂંટણી માટે ૪૭૬૯૫ મતદાન મથકો નિયત કરાયા છે. જે પૈકી ૧૧૬૯૪ સંવેદનશીલ અને ૬૧૪૭ અતિસંવેદનશીલ છે. ચૂંટણીમાં ૯૧૭૧૬ ઇવીએમનો ઉપયોગ થશે. ત્રણ હજાર ઇવીએમ કેન્દ્રીય ચૂંટણીપંચ પાસેથી મેળવાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વીવીપેટનો ઉપયોગ નહીં કરાય. ચૂંટણીમાં ૨.૮૪ કર્મચારીઓ ફરજ બજાવશે જ્યારે કાયદો વ્યવસ્થાને જાળવવા ૧.૦૫ લાખ પોલીસ કર્મચારીઓ તૈનાત કરશે.


