ગુજરાતમાં સ્વાતંત્ર્યદિન પર્વે અતિથિ વિશેષ બનશે કોરોના વોરિયર્સ

Friday 14th August 2020 02:18 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાત સરકારે કોરોના મહામારી સામેના જંગમાં મહામૂલું યોગદાન આપી રહેલા કોરોના વોરિયર્સના પ્રદાનને બિરદાવવા સ્તુત્ય નિર્ણય કર્યો છે. સરકારે જાહેર કર્યું છે કે ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં કોરોના વોરિયર્સને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ અપાશે. આ ઉપરાંત કોરોનાને માત આપીને સાજા થયેલા લોકોને પણ આમંત્રિત કરાશે. રાજ્ય સરકારે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે, જે અનુસાર મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ગાંધીનગરમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરશે. સોશિયલ ડિસ્ટન્સ સહિતની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને રાજ્યકક્ષાના આ સમારોહમાં બહુ મર્યાદિત સંખ્યામાં આમંત્રિત હશે. આ પ્રસંગે પેરામિલિટ્રી ફોર્સ, પોલીસ અને એનસીસીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાશે.
આ જ પ્રકારે જિલ્લા સ્તરે, તાલુકા કક્ષાએ અને ગ્રામ પંચાયત સ્તરે પણ કોરોના સંબંધિત ભારત સરકારની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા સૂચના અપાઇ છે. કોરોના વાઇરસની સ્થિતિને ધ્યાનમાં રાખી ડિજિટલ ટેકનોલોજીનો વધારેમાં વધારે ઉપયોગ કરવાનું પણ કહેવાયું છે. રાજ્યકક્ષાના સમારોહની જેમ જ જિલ્લા સ્તરથી માંડીને ગ્રામ્ય કક્ષા સુધી સમારોહમાં કોરોના વોરિયર્સ તેમજ કોરોનાની બીમારીમાંથી સાજા થયેલી વ્યક્તિઓને આમંત્રણ આપવા જણાવાયું છે. સાથે સાથે જ ઉજવણી દરમિયાન સ્ટેજ ઉપર માત્ર પાંચ વ્યક્તિ અને આમંત્રિતોની સંખ્યા ૧૫૦ સુધી મર્યાદિત રાખવા જણાવાયું છે.
૧૫ ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ગાંધીનગરમાં તો નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ મહેસાણામાં, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અમદાવાદમાં અને આર. સી. ફળદુ જામનગરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter