ગુજરાતમાં હિટવેવઃ ૨૫થી વધુ ગામ - શહેરમાં પારો ૪૩થી ઉપર

Wednesday 19th April 2017 08:08 EDT
 
 

અમદાવાદઃ રાજ્યમાં ભીષણ ગરમીનો પ્રકોપ જારી રહેતાં સૌકોઈ ત્રાહિમામ્ પોકારી ગયાં છે. ૧૩મીએ રાજ્યનાં ૨૫થી વધારે શહેરોમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર કરી ગયો હતો. ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રભરમાં હિટવેવનાં પગલે લોકો હેરાન-પરેશાન થઈ ગયાં છે. સવારે સૂર્ય ઊગ્યા પછી તાપમાનનો પારો સડસડાટ ઊંચે ચઢવા માંડે છે.
ભુજ ૪૫.૮ ડિગ્રી ગરમી સાથે રાજ્યનું હોટેસ્ટ શહેર નોંધાયું હતું. ગરમીએ સુરતમાં ૫૦ વર્ષનો રેકર્ડ તોડયો છે. સુરતમાં પહેલી વખત ગરમીનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચ્યો હતો. ૧૪મીએ બપોરના સમયે ત્રણથી પાંચ વાગ્યા બે કલાક સુધી સુરતમાં તાપમાન ૪૪ ડિગ્રી આસપાસ રહ્યું હતું. વલસાડમાં પણ ઓલ ટાઇમ હાઈ ૪૧ ડિગ્રી ગરમી નોંધાઈ છે. અમદાવાદમાં ગરમીનો પ્રકોપ જારી રહેતાં ૧૫મીએ પારો ૪૩.૬ ડિગ્રીએ પહોંચ્યો હતો. ગ્રીનસિટી ગાંધીનગરમાં પણ આકાશમાંથી આગના ગોળા વરસતા હોય તેમ ગરમીનો પારો ૧૩મીએ ૪૪.૬ ડિગ્રીએ પહોંચ્યો હતો. હિટવેવથી લોકોને રાહત મળે તેવા હાલના સંજોગોમાં કોઈ અણસાર નથી. બપોર બાદ માર્ગો ઉપર સ્વયંભૂ કર્ફ્યુ હોય તેવી સ્થિતિ સર્જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter