ગુજરાતમાં હિરાબાઇ લોબી, મહિપત કવિ અને ભાનુભાઇ ચિતારા અને પ્રો.મહેન્દ્ર પાલને પદ્મશ્રી

Tuesday 28th March 2023 08:52 EDT
 
 

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં યોજાયો એક ભપકાદાર કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ વર્ષ 2023 માટે ત્રણ પદ્મવિભૂષણ, ચાર પદ્મભૂષણ અને 47 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા હતાં. જેમાં ગુજરાતનાં ગીર પંથકમાં કાર્યરત સીદી સમાજના ઉત્થાન માટે કાર્યરત સામાજિક કાર્યકર હિરાબાઈ લોબી, કઠપૂતળી કળાના જાણીતા કલાકાર મહિપત કવિ, વિખ્યાત કલમકારી કળા માટે નામના ધરાવતા ભાનુભાઈ ચિતારા અને વિજ્ઞાન-ટેકનોલોજી ક્ષેત્રે ઉલ્લેખનીય પ્રદાન આપનારા પ્રો. મહેન્દ્ર પાલને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત સ્થાપત્યકળા માટે સ્વ. બાલકૃષ્ણ દોશીને મરણોપરાંત પદ્મભૂષણ અપાયો હતો. આ સમારોહમાં ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડા પ્રધાન મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે 26 ઓગસ્ટ 1927ના રોજ જન્મેલા પ્રો. બાલકૃષ્ણ દોશી ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ, આગા ખાન એવોર્ડ ફોર આર્કિટેક્ચર સહિત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડની નિર્ણાયક ટીમમાં સામેલ રહી ચૂક્યા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રી સ્તરે અનેક એવોર્ડથી સન્માનિત બાલકૃષ્ણ દોશીનું 24 જાન્યુઆરી 2023ના રોજ નિધન થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter