અમદાવાદઃ આકાશમાંથી વરસતી અગનજ્વાળાઓના પગલે આખું રાજ્ય તીવ્ર ગરમીમાં શેકાઇ રહ્યું છે. એક તરફ કંડલા પોર્ટમાં ગરમીનો પારો ૪૮.૪ ડિગ્રીએ પહોંચ્યો હતો તો બીજી તરફ સુરેન્દ્રનગર, ઈડર અને ગાંધીનગરમાં ગરમીનો પારો ૪૭ ડિગ્રીને પાર કરી ગયો હતો. આ ઉપરાંત અમદાવાદ, ડીસા, અમરેલી ખાતે પારો ૪૬ ડિગ્રીને પાર કરી જતાં પ્રજાજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. બુધવારની આ કાળઝાળ ગરમીથી ગુજરાતમાં છેલ્લા ૧૦૦ વર્ષની ગરમીનો વિક્રમ તૂટી ગયો છે.
રાજ્યનાં નવ શહેરોમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર થઈ ગયો હતો. જ્યારે ગાંધીનગર, ઈડર, સુરેન્દ્રનગર, કંડલા એરપોર્ટ સહિતનાં શહેરોમાં તો ગરમીનો પારો ૪૭ ડિગ્રીને વટાવી ગયો ગયો હતો. અમદાવાદ શહેરમાં ગરમીએ છેલ્લાં ૧૦ વર્ષના મે મહિનાની ગરમીનો રેકર્ડ તોડી નાખ્યો હતો અને ગરમીનો પારો રેકર્ડબ્રેક ૪૬.૯ ડિગ્રી નોંધાયો હતો. રાજ્યમાં ફરી વળેલા કાળઝાળ ગરમીના કારણ બે સ્ત્રી સહિત છ વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યા છે.
અમદાવાદ શહેરમાં ૨૦૦૬થી ૨૦૧૬ દરમિયાન મે મહિનામાં સૌથી વધુ ગરમી ૧૮ મેના રોજ નોંધાઈ હતી. આ પહેલાં ૨૨મી મે, ૨૦૧૦માં ૪૬.૯ ડિગ્રી ગરમી નોંધાઈ હતી જ્યારે ૧૯૧૬ના મે મહિનામાં અમદાવાદમાં સૌથી વધુ ગરમીનો રેકર્ડ ૪૭.૮ ડિગ્રી નોંધાયેલી છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે અમદાવાદમાં સરેરાશ તાપમાનની સરખામણીએ ગરમીનો પારો ૮.૬ ડિગ્રી વધ્યો છે જ્યારે લઘુતમ તાપમાન ૩૦.૨ ડિગ્રી નોંધાયું છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, બુધવારે ગુજરાતમાં સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ ઉપર ૪૮.૪ ડિગ્રી નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં ૪૭ ડિગ્રી, ઈડરમાં ૪૭.૬ અને સુરેન્દ્રનગરમાં ૪૭.૮ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે શુક્રવાર સુધી હીટવેવ યથાવત્ રહેવાની આગાહી કરી છે અને બે દિવસ રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતમાં મે મહિનાની શરૂઆતથી આકરી ગરમી પડી રહી છે, પણ બુધવારે ગરમીએ છેલ્લાં દસ વર્ષના રેકર્ડ તોડી નાખ્યા હતા. રાજ્યનાં ઈડર, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિતનાં ઉત્તર ગુજરાતનાં શહેરોમાં તો રીતસર આકાશમાંથી અગનવર્ષાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. બીજી તરફ અમદાવાદ શહેર સહિતના વિસ્તારોમાં ગરમીનો કેર એટલો છે કે, દિવસે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.
રાજ્યમાં ૬નાં મોત
રાજ્યભરમાં પ્રચંડ ગરમીને કારણે છ વ્યક્તિનાં મોત થયાં હતાં. બુધવારે અમદાવાદની વીએસ હોસ્પિટલમાં લૂ લાગવાથી ત્રણ દર્દીને દાખલ કરવા પડયા હતા, જેમાં મૂળ સુરતની એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આકરી ગરમીથી રાજકોટમાં બે, સુરતમાં એક, મેઘરજમાં એક અને ભીલડીમાં એક વ્યક્તિના મોત થયા હતા. અત્યાર સુધીમાં અમદાવાદમાં ગરમીને લીધે ચાર વ્યક્તિનાં મોત નીપજી ચૂક્યાં છે.
આકરી લૂથી જનતા કરફ્યુ
સંખ્યાબંધ લોકો સનસ્ટ્રોકના કારણે બેભાન થઇને પડી ગયા હતા. બીજી બાજુ, મૂંગા પશુ-પક્ષીઓ પણ ૪૮ ડિગ્રી તાપમાનથી દયનીય સ્થિતિમાં મૂકાઇ ગયા હતા. બપોરના સમયે સમગ્ર ગુજરાતમાં લૂની અસર વર્તાતા સંખ્યાબંધ લોકોને છાતીમાં દુખાવો, ચક્કર આવવા, માથામાં દુઃખાવો જેવી તકલીફ થતાં સારવાર લેવી પડી હતી. શહેરના માર્ગો ગરમીના કારણે સૂમસામ લાગતા હતા અને જનતા કરફ્યુ જેવી સ્થિતિ જોવા મળી હતી.


