ગુજરાતમાં ૧૦ હજાર જેટલા પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ!

Tuesday 24th December 2019 06:06 EST
 
 

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા કાયદામાં ફેરફાર કરાયા બાદ સમગ્ર દેશમાંથી વિરોધના સૂર ઉઠ્યા છે જોકે ગુજરાતમાં વસવાટ કરતા આશરે ૧૦૦૦૦ જેટલા પાકિસ્તાની શરણાર્થીઓને સુધારાથી ભારતીય નાગરિકત્વ મળશે! ગુજરાત રાજ્ય ભૌગોલિક રીતે સરહદ દ્વારા પાકિસ્તાન સાથે જોડાયેલું હોવાથી થોડા વર્ષો અગાઉ સુધી પાકિસ્તાની નાગરિકો સામાજિક પ્રસંગોપાત મુક્ત રીતે ગુજરાતમાં અવર-જવર કરતા. જોકે બાદમાં સરહદી સલામતીમાં વધારો કરાતા હવે ગેરકાયદેસર અવર-જવર અટકી છે, પણ સામાજિક રીતે જોડાયેલા સેંકડો લોકો લોંગ ટર્મ વિઝાથી ગુજરાતના વિવિધ શહેરોમાં વસવાટ કરે છે. ગુજરાત રાજ્યની પ૦૦ કિ.મીથી વધારે સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લા સીધી જમીન દ્વારા પાકિસ્તાન સાથે સંકળાયેલા છે. ભાગલા પહેલા પાકિસ્તાન જ્યારે ભારતનો જ એક ભાગ હતું ત્યારે આ વિસ્તારના લોકો સામાજિક સંબંધોથી બંધાયેલા હતા.
આ સંબંધો આજે પણ ચાલુ છે. બોર્ડર વિસ્તારના જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સેંકડો પાકિસ્તાની નાગરિકો વસવાટ કરે છે. આ તમામને હવે સરળતાથી ભારતીય નાગરિકત્વ મળશે. પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં આવેલા થરપાકર, બાદિન, થટ્ટા વગેરે જિલ્લામાં હાલ મોટા પ્રમાણમાં ગુજરાતી હિન્દુ સમુદાયની વસતી છે. અલબત, આ લોકો ત્યાં લઘુમતીમાં આવે છે. જેમાં લોહાણા, કોળી, મહેશ્વરી અને સોઢા સહિતના સમાજોનો સમાવેશ થાય છે. આ લોકો ભારત એટલે કે ગુજરાતમાં રહેતા પોતાના સંબંધીઓને મળવા માટે એલટીવી (લોંગ ટર્મ વિઝા) લઈને આવે છે. આ વિઝા અનુસાર તેઓ લાંબા સમય સુધી અમુક શરતોને આધિન ભારતમાં પોતાના પરિવાર સાથે રહી શકે છે. જેમાં ખાસ કરીને બોર્ડરનો નોટીફાઈડ એરિયા હોય તેવા વિસ્તારમાં આ પાકિસ્તાની નાગરિકતા ધરાવતા લોકોને જવાની મનાઈ હોય છે. એલટીવી દ્વારા ગુજરાતમાં આવેલા પાકિસ્તાની લોકો મહદ્દઅંશે મોરબી અને રાજકોટ જેવા નજીકના શહેરોમાં રહેવાનું પસંદ કરે છે. આ સિવાયના ગુજરાતના ઘણા નાના-મોટા શહેરોમાં પાકિસ્તાની નાગરિકો વિઝાના આધારે વસવાટ કરે છે. જો કે તેના પર કાયદાની સખત નજર ન હોવાથી તેઓ ગેરકાયદેસર રીતે બોર્ડર સાથે જોડાયેલા કચ્છ, પાટણ કે બનાસકાંઠા જિલ્લામાં રહેતા પોતાના સંબંધીઓને મળવા જતા હોય છે. વળી, આ નાગરિકો સામાજિક આશયથી જ રહેતા હોવાથી તંત્ર પણ તેના પર કડક વલણ દાખવતું નથી. અત્યાર સુધી આવા લોકોને ભારતીય નાગરિકત્વ મેળવવા માટે ખૂબ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. ૧૧ વર્ષ સુધી ભારતમાં રહ્યા બાદ તેને નાગરિકત્વ મળતું હતું. હવે નાગરિકતા અધિનિયમના સુધારા બાદ પાંચ વર્ષમાં જ નાગરિકત્વ મળી જશે. અંદાજે ગુજરાતમાં આવા દસેક હજાર પાકિસ્તાની લોકો લાંબા સમયથી વસવાટ કરેછે.

જૂનાગઢના નવાબ પણ ભારત પરત ફરવા માગતા હતા

ભારત - પાકિસ્તાનના ભાગલા વખતનો જૂનાગઢનો અલગ જ ઈતિહાસ છે. ભાગલા વખતે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે ભળવાનો નિર્ણય કર્યો હતો. જોકે જૂનાગઢ ભારતમાં જ રહ્યું અને નવાબનો પરિવાર પાકિસ્તાન નિવાસી બન્યો. આરઝી હકુમતની લડાઈ સહિતની બાબતો જાણીતી છે, પણ આ પહેલા જૂનાગઢ છોડીને પરિવાર તથા રસાલા સાથે પાકિસ્તાન ગયેલા નવાબ કુટુંબના મહાબતખાનજી ત્રીજા ભારત પાછા ફરવા માગતા હતા. જોકે જે તે સમયની રાજકીય સ્થિતિના લીધે તેઓ પરત ફરી શક્યા નહોતા. આ માટે તેમણે ભારત સરકાર સમક્ષ પણ ખૂબ જ વિનંતીઓ કરી હતી. ભારત પરત ન ફરી શકવાનો વસવસો તેમને આજીવન રહ્યો હતો.

કેટલાય પરિવારો ભારત આવવા માગે છે

બોર્ડર વિસ્તારના જાણકાર અધિકારીઓ જણાવે છે કે, ભારતમાં આવવા માગતા પાકિસ્તાની પરિવારો એવા છે જેઓ ભાગલા વખતે ભારતમાં આવી શક્યા નહોતા. પાકિસ્તાને ધર્મને આધાર રાખીને અલગ દેશ બનાવ્યો છે તેવી સ્થિતિમાં ત્યાં લઘુમતીઓ સાથે બિનસાંપ્રદાયિક વ્યવહાર થાય તે માની શકાય તેવી બાબત નથી. પાકિસ્તાનમાંથી ત્રાસીને પણ ઘણા પરિવારો બોર્ડર વિસ્તારમાં કાયમીના ધોરણે સ્થાયી થયા છે. આવા લોકો ભારતીય નાગરિકત્વ મેળવવા પણ માગીને શાંતિપૂર્ણ વસવાટ કરવા ઈચ્છે છે.

ચારેક હજાર પાકિસ્તાની હિંદુ લઘુમતીમાં ખુશીનો માહોલ

નાગરિકતા કાયદાને લઇને અમદાવાદમાં વસતા ચારેક હજારથી પણ વધુ પાકિસ્તાની હિંદુ લઘુમતીઓ માટે ભારતની નાગરિકતા મેળવવાનું હવે સરળ બનતાં તેઓમાં ખુશીનો માહોલ છવાયો છે. વર્ષ ૧૯૫૨થી અમદાવાદમાં નરોડા, સરદારનગર, કુબેરનગરમાં મોટી સંખ્યામાં વસતા આ પરિવારો વર્ષોથી નાગરિકતા માટે ફાંફા મારી રહ્યા હતા.
વર્ષ ૨૦૧૬ પછી કલેક્ટરને નાગરિકતાનું પ્રમાણપત્ર આપવાની સત્તા મળતા અમદાવાદમાં કલેક્ટર કક્ષાએથી અત્યાર સુધીમાં ૫૮૦ પાકિસ્તાની હિંદુ લઘુમતીઓને નાગરિકતાના પ્રમાણપત્રો આપી દેવાયા છે. હાલમાં અમદાવાદ કલેક્ટર કચેરીમાં આશરે ૪૦૦
જેટલા અરજદારોની અરજીઓ પેન્ડિંગ હોવાનું જણાય છે. પહેલા ૧૨ વર્ષના વસવાટ બાદ નાગરિકતાનું પ્રમાણપત્ર મેળવવા અરજી કરી શકાતી હતી હવે તે અવધી ઘટાડીને ૬ વર્ષની કરી દેવાતા અમદાવાદમાં આશરે બે હજાર લોકો નાગરિકતાનું પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બની જશે.

બાંગ્લાદેશી-પાકિસ્તાનીઓને વીણીને વતન મોકલાશે

સિટિઝનશિ અમલીકરણ હેઠળ રાજ્ય સરકાર હવે બાંગ્લાદેશી અને પાકિસ્તાની મુસ્લિમોને વીણી વીણીને તેમના વતન પાછા મોકલશે અથવા ડિટેન્શન કેમ્પમાં મોકલશે. આ કાયદો અમલમાં આવતાં જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા ડીજીપીથી લઇને આઇજી સુધીના અધિકારીઓની બેઠક કરાઈ હતી. આ તમામ અધિકારીઓને પોતાના કાર્ય વિસ્તારમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશી, પાકિસ્તાની અને અફઘાન નાગરિકોની યાદી તૈયાર કરવાની સૂચના અપાઈ હતી અને તેમને કાયદા હેઠળ ડિટેન્શન કેમ્પ સુધી પહોંચાડવા માટે વ્યવસ્થા કરવાનું કહેવાયું હોવાનું બહાર આવ્યું છે. ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ પહેલાં બિન મુસ્લિમોને નાગરિકત્વ પણ મળી રહેશે. તેવું રાજ્ય સરકાર દ્વારા જણાવાયું છે. ગેરકાયદે વસતા લોકો પાસે હાલ આધારકાર્ડ કે અન્ય પુરાવા હોઇ શકે, પણ તેઓને પોલીસે પોતાના ઇન્ટેલિજન્સ નેટવર્ક કે બાતમીદારો થકી ઓળખવાના રહેશે. આ માટે પોલીસને તલાટી કે આરોગ્ય કર્મીઓનો સપોર્ટ પણ મળશે.
પાકિસ્તાની અને બાંગ્લાદેશી લોકો ઓછાં વેતન પર મજૂરી કરતા હોવાથી બાંધકામ, નાના-મોટા કારખાના અને સોનીઓના ત્યાં કામ મેળવતા હોય છે. પોલીસ આ તમામ રોજગારદાતાઓ પર પણ ધોંસ વધારશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter