ગુજરાતમાં ૨૬ બેઠકો માટે ૩૭૧ ઉમેદવારો વચ્ચે જંગ

Wednesday 10th April 2019 06:30 EDT
 
 

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી માટેનું ઉમેદવારી પત્રક પાછું ખેંચવાની મુદત સોમવારે સાંજે પૂરી થયા બાદ બે મુખ્ય પક્ષો ભાજપ - કોંગ્રેસ ઉપરાંત નાના પક્ષો અને અપક્ષો વચ્ચે સ્પર્ધાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ૧૭મી લોકસભાની રચના માટે ગુજરાતની ૨૬ બેઠકો ઉપર કુલ ૫૭૨ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ગત સપ્તાહે ચકાસણી દરમિયાન તેમાંથી ૧૨૦ ફોર્મ રદ્દ કર્યા બાદ ચૂંટણી પંચે ૪૫૨ ઉમેદવારોને ચૂંટણી લડવા માટે માન્ય ઠેરવ્યા હતા. ફોર્મ પાછુ ખેંચવાની અવધિ દરમિયાન ૮૧ ઉમેદવારો પાણીમાં બેસી જતાં હવે ૨૬ બેઠકો ઉપર ભાજપ-કોંગ્રેસની સાથે ૩૭૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં બચ્યા છે.
રાજ્યની ૨૬ બેઠકો ઉપર મુખ્ય સ્પર્ધા તો શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે જ છે. ગુજરાતના શાણા મતદારો અન્ય પક્ષના ઉમેદવારોને ખાસ ભાવ આપતા નથી. આમ છતાં બહુજન સમાજવાદી પાર્ટી (બસપા), એનસીપી સહિત અનેક પક્ષોએ ઉમેદવારો ઊભા રાખ્યા છે. સૌથી વધુ ૩૧ ઉમેદવારો સુરેન્દ્રનગરમાં ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં કોંગ્રેસના કદ્દાવર કોળી નેતા સોમાભાઈ ગાંડાભાઈ પટેલ મેદાને છે.
ભાજપના પૂનમ માડમના મતક્ષેત્ર જામનગર લોકસભા બેઠક પર ૨૮ ઉમેદવારો ચૂંટણીમાં ઉતાર્યા છે. અમદાવાદ પૂર્વની બેઠક પર ૨૬ જ્યારે સાબરકાંઠા બેઠક પર ૨૦ ઉમેદવારો ચૂંટણીના મેદાને છે. કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોરના મતક્ષેત્ર દાહોદમાં સૌથી ઓછા ૬ ઉમેદવારો છે. આ ઉપરાંત ખેડા અને દાહોદમાં પણ ભાજપ-કોંગ્રેસની સાથે ૭-૭ ઉમેદવારો મેદાને છે.
ગુજરાતમાં ૨૩ એપ્રિલે મતદાન થવાનું છે. આ પૂર્વે પણ કેટલાક ઉમેદવારો ભાજપ કે કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી સ્પર્ધામાંથી ખસી જાય તો નવાઈ નહીં.

છ બેઠક પર ઉમેદવારી યથાવત્

કચ્છ, અમદાવાદ પશ્ચિમ, છોટાઉદેપુર, સુરત, નવસારી અને વલસાડ એમ છ લોકસભા મતક્ષેત્રોમાં ફોર્મ ભરનારા એક પણ નાગરિકે ઉમેદવારી પાછી ખેંચી નથી. આ છ પૈકી કચ્છ અને અમદાવાદ પશ્ચિમ અનુસૂચિત જાતિ માટે, જ્યારે છોટાઉઉદેપુર, વલસાડ અનૂસુચિત જનજાતિ માટે અનામત બેઠકો છે. જ્યારે સુરત અને નવસારી એ બંને લોકસભા બેઠકો ઉપર શહેરી મતદારોનું વર્ચસ્વ છે.

કોંગ્રેસમાં આંતરિક અસંતોષ

કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા બાદ પાંચ જેટલી બેઠકો ઉપર કોંગ્રેસમાં અંદરોઅંદર કકળાટ શરૂ થયો છે. કોંગ્રેસમાં આ ઉકળતા ચરુને શાંત પાડવા પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કામે લાગ્યા છે. કોંગ્રેસને ઘરના જ માણસોથી જ્યાં ડર લાગી રહ્યો છે તેવી બેઠકોમાં સુરેન્દ્રનગર, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદ પૂર્વ સામેલ છે.
આવી બેઠકો ઉપર રિસાયેલા આગેવાનોને મનાવવા તેમજ પક્ષમાંથી જ અપક્ષ ઉમેદવારી કરી હોય તેવાને સમજાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. સૂત્રો કહે છે કે,

સુરેન્દ્રનગર બેઠક ઉપર

લાલજી મેરે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જો આ બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર અડગ રહે તો કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડા પટેલનો ગરબો ઘેર આવે તેવું પાર્ટી માની રહી છે.
આ સંજોગોમાં તાબડતોબ લાલજી મેરને મનાવી લેવા માટે પ્રયાસો હાથ ધરાયા છે. આ આખું ઓપરેશન પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયેથી બેઠા બેઠા થઈ રહ્યું છે. એ જ રીતે ખેડા બેઠક ઉપર પૂર્વ સાંસદ દિનશા પટેલની જીદ આગળ ઝુકીને ભાજપમાંથી આવેલા બિમલ શાહને ટિકિટ અપાઈ છે, જેની સામે કોંગ્રેસના કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે, જોકે ધારાસભ્ય પદેથી રાજીનામું નથી આપ્યું. આ નારાજ ધારાસભ્યને મનાવી લેવા માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે.
બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોરની સેનાના બે લોકોએ અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે. તદુપરાંત સાબરકાંઠા બેઠક ઉપર પણ અલ્પેશના સમર્થકે અપક્ષ ઉમેદવારી નોંધાવી હોવાથી અહીં પણ ડેમેજ કંટ્રોલ કરવા પ્રયાસો ચાલી રહ્યા છે.

બીટીપી ખેલ બગાડે તેવી શક્યતા

છોટાઉદેપુર, ભરૂચ, બારડોલી અને દાહોદ બેઠક ઉપર કોંગ્રેસને બીટીપીના ઉમેદવારોને કારણે નુકસાનીની ભીતિ સતાવી રહી છે. ઉમેદવારી પત્ર ખેંચવા સુધી બીટીપી સાથે કઈ રીતે ડીલ કરવી તેની હજુ કોંગ્રેસને સમજણ પડતી નથી.

કઇ બેઠક પર કોણ કોની સામે?

લોકસભાની ૨૬ બેઠકો
૧. કચ્છ (એસસી) • (કોંગ્રેસ) નરેશ મહેશ્વરી • (ભાજપ) વિનોદ ચાવડા*
૨. બનાસકાંઠા • (કોંગ્રેસ) પરથી ભટોળ • (ભાજપ) પરબત પટેલ
૩. પાટણ • (કોંગ્રેસ) જગદીશ ઠાકોર • (ભાજપ) ભરતસિંહ ડાભી
૪. મહેસાણા • (કોંગ્રેસ) એ. જે. પટેલ • (ભાજપ) શારદાબેન પટેલ
૫. સાબરકાંઠા • (કોંગ્રેસ) રાજેન્દ્ર ઠાકોર • (ભાજપ) દિપસિંહ રાઠોડ*
૬. ગાંધીનગર • (કોંગ્રેસ) સી. જે. ચાવડા • (ભાજપ) અમિત શાહ
૭. અમદાવાદ પૂર્વ • (કોંગ્રેસ) ગીતા પટેલ • (ભાજપ) એચ. એસ. પટેલ
૮. અમદાવાદ પશ્ચિમ • (કોંગ્રેસ) રાજુ પરમાર • (ભાજપ) કિરીટ સોલંકી*
૯. સુરેન્દ્રનગર • (કોંગ્રેસ) સોમા ગાંડા પટેલ • (ભાજપ) ડો. મહેન્દ્ર મુંજપરા
૧૦. રાજકોટ • (કોંગ્રેસ) લલિત કગથરા • (ભાજપ) મોહન કુંડારિયા*
૧૧. પોરબંદર • (કોંગ્રેસ) લલિત વસોયા • (ભાજપ) રમેશ ધડુક
૧૨. જામનગર • (કોંગ્રેસ) મૂળુ કંડોરિયા • (ભાજપ) પૂનમ માડમ*
૧૩. જૂનાગઢ • (કોંગ્રેસ) પૂંજા વંશ • (ભાજપ) રાજેશ ચુડાસમા*
૧૪. અમરેલી • (કોંગ્રેસ) પરેશ ધાનાણી • (ભાજપ) નારણ કાછડિયા*
૧૫. ભાવનગર • (કોંગ્રેસ) મનહર પટેલ • (ભાજપ) ભારતીબેન શિયાળ*
૧૬. આણંદ • (કોંગ્રેસ) ભરતસિંહ સોલંકી • (ભાજપ) મિતેષ પટેલ
૧૭. ખેડા • (કોંગ્રેસ) બિમલ શાહ • (ભાજપ) દેવુસિંહ ચૌહાણ*
૧૮. પંચમહાલ • (કોંગ્રેસ) વી. કે. ખાંટ • (ભાજપ) રતનસિંહ
૧૯. દાહોદ (એસટી) • (કોંગ્રેસ) બાબુ કટારા • (ભાજપ) જશવંતસિંહ ભાભોર*
૨૦. વડોદરા • (કોંગ્રેસ) પ્રશાત પટેલ • (ભાજપ) રંજનબેન ભટ્ટ*
૨૧. છોટાઉદેપુર • (કોંગ્રેસ) રણજીત રાઠવા • (ભાજપ) ગીતાબેન રાઠવા
૨૨. ભરુચ • (કોંગ્રેસ) શેરખાન પઠાણ • (ભાજપ) મનસુખ વસાવા*
૨૩. બારડોલી • (કોંગ્રેસ) તુષાર ચૌધરી • (ભાજપ) પ્રભુ વસાવા*
૨૪. સુરત • (કોંગ્રેસ) અશોક અધેવાડા • (ભાજપ) દર્શના જરદોશ*
૨૫. નવસારી • (કોંગ્રેસ) ધર્મેશ પટેલ • (ભાજપ) સી. આર. પાટીલ*
૨૬. વલસાડ • (કોંગ્રેસ) જીતુ ચૌધરી • (ભાજપ) કે. સી. પટેલ*
(નોંધ: * નિશાન ધરાવતા તમામ વર્તમાન સાંસદ છે.)

વિધાનસભાની ૪ બેઠકો
૧. ઊંઝા • (કોંગ્રેસ) કાંતિ પટેલ • (ભાજપ) આશાબેન પટેલ
૨. ધ્રાંગધ્રા • (કોંગ્રેસ) દિનેશ પટેલ • (ભાજપ) પરષોત્તમ સાબરિયા
૩. જામનગર-ગ્રામ્ય • (કોંગ્રેસ) જયંતી સભાયા • (ભાજપ) રાઘવજી પટેલ
૪. માણાવદર • (કોંગ્રેસ) અરવિંદ લાડાણી • (ભાજપ) જવાહર ચાવડા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter