નવી દિલ્હી: ભારતમાં વર્ષ ૨૦૨૦માં વર્ષે સરેરાશ રૂ. ૨૦ લાખની બચત કરતા હોય એવા ૬.૩૩ લાખ પરિવાર નોંધાયા છે. આ લોકોને ભારતના ‘ન્યૂ મિડલ ક્લાસ’ તરીકે ઓળખવામાં આવ્યા છે. દેશમાં એક મિલિયન ડોલર એટલે કે રૂ. ૭ કરોડની નેટવર્થ ધરાવતા ૪.૧૨ લાખ પરિવાર છે, તેમાં ટોપ ૧૦ રાજ્યમાં ગુજરાતના ૨૯ હજાર પરિવાર છે.
૫૬ હજાર પરિવાર સાથે મહારાષ્ટ્ર આ યાદીમાં ટોચ પર છે. અતિ ધનિકની યાદીમાં આવતા દેશના ત્રણ હજાર પરિવાર પાસે સરેરાશ રૂ. એક હજાર કરોડની સંપત્તિ છે. હુરુન ઈન્ડિયાના તાજા રિપોર્ટમાં આ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
આ રિપોર્ટ પ્રમાણે, ભારતમાં ઊભરેલા નવા મધ્યમ વર્ગની સામે દેશનો અસલી મધ્યમ વર્ગ છે, જેમની વાર્ષિક આવક વર્ષે સરેરાશ રૂ. અઢી લાખથી વધારે છે અને તેમની નેટવર્થ રૂ. સાત કરોડથી ઓછી છે. આ કેટેગરીમાં આવતા પાંચ કરોડ, ૬૪ લાખ ભારતીય પરિવારોની આવક તપાસીને આ અંદાજ કાઢવામાં આવ્યો છે.
આ રિપોર્ટમાં ભારતના અતિ ધનિક પરિવારોની આવકને બે કેટેગરીમાં વહેંચવામાં આવી છે. આ પરિવારો વર્ક કોમ્પેન્સેશન, ફિક્સ ડિપોઝિટ, રિયલ એસ્ટેટ અને શેરબજારમાં રોકાણો ધરાવે છે. આ તેમની મુખ્ય આવક છે. આ ઉપરાંત તેઓ વારસાગત સંપત્તિ, બિઝનેસ તેમજ વિવિધ ઈક્વિટીમાંથી પણ આવક મેળવે છે.
આ પરિવારોના રોકાણની પેટર્ન જુદી જુદી છે. આ પરિવારોમાં કોઈ બિઝનેસની માલિકી ધરાવતા બિલિયોનેર, ઈન્ટરનેશનલ અલ્ટ્રા હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ (યુએચએનઆઈ) અને ઈન્ડિવિડ્યુઅલનો સમાવેશ થાય છે. આ લોકોની સંપત્તિનો મોટા ભાગનો હિસ્સો તેમના બિઝનેસ સાથે સંકળાયેલો હોય છે. આ ઉપરાંત તેમની રોકાણ કરી શકાય એવી સંપત્તિમાં કેશ રિઝર્વ, ઈક્વિટી સ્ટોક્સ અને પ્રાઈમરી રેસિડેન્સ પણ સામેલ છે.
ભારતીય ધનિકોની આવક મુખ્યત્વે શેરબજારમાંથી થતી હતી, ત્યારથી તેઓ શેરબજારમાં અત્યંત સક્રિય છે. તેમની સરેરાશ બે તૃતીયાંશ સંપત્તિનો હિસ્સો શેરબજારમાં રોકાયેલો છે. આ પ્રકારના પરિવારોને ઈન્ટરનેશનલ અલ્ટ્રા હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલમાં મૂકવામાં આવ્યા છે.
તેઓ પોતાની સંપત્તિનું રોકાણ પણ વેલ્થ મેનેજમેન્ટ કંપનીઓની મદદથી કરે છે. આ રિપોર્ટમાં વર્ષે આઠ આંકડામાં સેલરી લેતા લોકોને ગોલ્ડન કોલર કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. આ પ્રકારના લોકો સરેરાશ પાંચ વર્ષની બચતનું રોકાણ ઘર અને શેરબજારમાં કરે છે.
સૌથી વધુ મિલિયોનેર મહારાષ્ટ્રમાં
દેશમાં સૌથી વધુ ૫૬ હજાર મિલિયોનેર પરિવારો મહારાષ્ટ્રમાં, સૌથી ઓછા ૧૮ હજાર મધ્ય પ્રદેશમાં હુરુનના રિપોર્ટમાં રાજ્યો પ્રમાણે મધ્યમ વર્ગ અને ધનિક પરિવારોના પણ રસપ્રદ આંકડા જાહેર કરાયા છે. દેશના ૭૦.૩ ટકા મિલિયોનેર પરિવારો ફક્ત દસ જ રાજ્યમાં રહે છે.
દેશમાં સૌથી વધુ ૫૬ હજાર મિલિયોનેર પરિવારો મહારાષ્ટ્રમાં છે, જ્યારે ગુજરાતમાં આવા ૨૯ હજાર પરિવાર છે. એવી જ રીતે, શહેરોમાં પણ મહારાષ્ટ્રનું મુંબઈ શહેર ૧૬,૯૩૩ પરિવાર સાથે પહેલા ક્રમે છે.
રિયલ એસ્ટેટ - શેરબજારમાં રોકાણ સૌથી સારું સાધન
હુરુન ઇન્ડિયાના રિપોર્ટ માટે જે શ્રીમંતોનો સરવે કરાયો, એમાંથી ૭૨ ટકા લોકોએ કહ્યું હતું કે રિયલ એસ્ટેટ અને શેરબજારને તેઓ રોકાણનું સારું સાધન માને છે. જ્યારે વિદેશપ્રવાસ માટે તેમને સ્વિટ્ઝર્લેન્ડ, અમેરિકા અને ત્યાર પછી યુકે સૌથી વધુ પસંદ છે. રોકાણ માટે સિંગાપોર અને યુએઈ પછી અમેરિકા પર પસંદગી ઉતારે છે. વિદેશમાં અભ્યાસ માટે પણ અમેરિકા તમામનો પસંદગીનો દેશ છે.


