ગાંધીનગરઃ ગુજરાતમાં ઉનાળુ વાવેતર શરૂ થઈ ગયું છે. પ્રારંભિક આંકડાઓ ગત વર્ષની તુલનામાં સારા વાવેતરનો સંકેત આપી રહ્યા છે. ૧૫ માર્ચ સુધીમાં રાજ્યભરમાં ૨,૫૨,૩૦૫ હેક્ટરમાં ઉનાળુ વાવેતર થયું છે. જે આ સમયગાળામાં ગત વર્ષની તુલાનામાં બમણાથી પણ વધુ છે. ગત વર્ષે ૧,૨૩,૧૪૩ હેક્ટરમાં વાવેતર હતું. સામાન્ય રીતે ૧૫ ફેબ્રુઆરીથી ઉનાળુ વાવેતર શરૂ થઈ જતું હોય છે. જે એપ્રિલના અંત સુધીમાં ચાલતું હોય છે. રાજ્યમાં કુલ વાવેતરના સરેરાશ ૩૩.૨૬ ટકા ઉનાળુ વાવેતર થયું છે. રાજ્યમાં ખેડા જિલ્લામાં સૌથી વધુ ૩૬,૫૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે.
હાલમાં રાજ્યમાં રવી વાવેતર ખેતરોમાં કાપણી પર છે. તેમાંય જીરું, ચણાની કાપણી શરૂ થઈ ગઈ છે. ૨૫ માર્ચ સુધીમાં ઘઉંની પણ કાપણી શરૂ થશે. અમદાવાદમાં ઉનાળુ વાવેતરમાં ડાંગર, ઘાસચારો, શાકભાજી અને બાજરી થાય છે. તેમાંય મોટાભાગની જમીન પડતર રહેતી હોય છે. ખેડૂતોના મતે જૂનમાં વરસાદ પડવાથી બે માસ જમીનને પડતર રાખીને તપાવાય છે. જેથી ચોમાસું વાવેતર સારું થઈ શકે. રાજ્યમાં જ્યાં પિયતની સારી એવી સગવડો છે તેવા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ વાવેતર વધુ થાય છે. ખેડૂતો સામાન્ય રીતે જાન્યુઆરીથી જ ઉનાળુ ડાંગરનું વાવેતર શરૂ કરી દેતા હોય છે. તે જોતાં આ વર્ષે ૪૬,૫૩૮ હેક્ટરમાં ઉનાળું ડાંગર થઈ ચૂક્યું હોય છે. જે વાવેતર વિસ્તારના ૯૯ ટકા જેટલું વાવેતર દર્શાવે છે.