વડોદરા-રાજકોટ-સુરત: ગુજરાતમાં કોરોનાના ભયના કારણે સરકારે અગમચેતીના પગલાં રૂપે ગત માર્ચ માસમાં શાળાઓમાં અનિયમિત વેકેશન જાહેર કરી દીધું હતું. હવે ધીરે ધીરે કોરોના કેસમાં ઘટાડો થતાં લગભગ ૩૦૦ દિવસ બાદ સોમવારથી સમગ્ર રાજ્યમાં ધો.૧૦થી ૧૨ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા.
શાળાઓ ઓફલાઇન શરૂ કરવા માટેનો પ્રયોગ ધો. ૧૦થી ૧૨ બોર્ડના છાત્રોથી કરવામાં આવ્યો છે. દરમિયાન પ્રથમ દિવસે રાજ્યમાં ધો. ૧૦ના નોંધાયેલા ૩.૧૭ લાખ વિદ્યાર્થીમાંથી ૩૫ ટકા અને ધો. ૧૨ના ૧.૫૪ લાખ જેટલા નોંધાયેલા વિદ્યાર્થીમાંથી ૩૮ ટકા મળી ૩૬.૫ ટકા વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણમાં જોડાયા હતા.
શાળાઓએ પણ સલામતી માટે ઘણું આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સીબીએસઇની શાળાઓમાં શિક્ષણકાર્ય ઉત્તરાયણ પછી શરૂ થશે. અમદાવાદ શહેર જિલ્લામાં ૧૨૦૦ શાળાના ૧.૭૦ લાખ બાળકોમાંથી ભરૂચ જિલ્લામાં સર્વાધિક ૫૩ ટકા બાળકો હાજર રહ્યાં હતાં. શાળામાં સોશિયલ ડિસ્ટન્સિંગની પૂરતી કાળજી રખાઈ હતી. જોકે કેટલા વિદ્યાર્થીઓ શાળામાં હાજર રહ્યા તે વિશે જિલ્લા સ્તરના અને રાજ્ય સરકારના આંકડાઓમાં પાંચ ટકા સુધીનો તફાવત નોંધાયો હતો.
મોટા ભાગના વાલીઓની મંજૂરી નહીં
શાળાઓ ખૂલી ખરી, પણ મોટી સંખ્યામાં વાલીઓએ મંજૂરી આપી નહોતી. જોકે પહેલા દિવસે શાળામાં પણ કોરોના ગાઇડલાઇન ભણાવાઇ હતી. સાવરકુંડલામાં શાળા શરૂ થયાના પહેલા દિવસે બાળકોને મેદાનમાં બેસાડવામાં આવ્યા હતા. રાજ્યની ઘણી સ્કૂલોમાં પહેલા દિવસે વાજતે ગાજતે વિદ્યાર્થીઓનું સ્વાગત થયું હતું.














