ગાંધીનગરઃ ભારત સરકારે થોડા દિવસ પહેલા ધર્મ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે. તે મુજબ દેશની કુલ અંદાજે ૧૨૧ કરોડની વસ્તીમાંથી ૭૯.૮૦ ટકા લોકો હિન્દુ, ૧૪.૨૩ ટકા મુસ્લિમો છે. ત્રીજા ક્રમે ૨.૩૦ ટકા શીખ, ૧.૭૨ ટકા ખ્રિસ્તી, ૦.૭૦ બૌદ્ધ અને ૦.૩૭ ટકા જૈનો ભારતમાં વસે છે. જ્યારે ગુજરાતમાં કુલ ૬.૦૪ કરોડ વસ્તીમાંથી હિન્દુઓ ૫,૩૫,૩૩,૯૮૮ છે એટલે કે રાજ્યની કુલ વસ્તીના ૮૮.૫૭ ટકા છે. ગુજરાતમાં હિન્દુઓની વસ્તી દેશમાં સાતમા નંબરે છે જ્યારે મુસ્લિમોની કુલ વસ્તી ૫૮,૪૬,૭૬૧ છે એટલે કે તેઓ કુલ વસ્તી ૯.૯૭ ટકા છે. જે દેશમાં ૧૩મા ક્રમે છે. રાજ્યમાં જૈનોની કુલ વસ્તી ૫,૭૯,૬૫૪ એટલે કે ૦.૯૯ ટકા છે. જૈન લોકો ગુજરાતમાં મહારાષ્ટ્ર, દિલ્હી પછી ત્રીજા ક્રમે આવે છે.
ગુજરાતમાં હિન્દુઓની સૌથી વધુ ૯૬.૧૫ ટકા જેટલી વસ્તી દાહોદ જિલ્લામાં છે. એ પછી નર્મદા જિલ્લામાં ૯૪.૮૪ ટકા અને પાટનગર ગાંધીનગરમાં ત્રીજા ક્રમે ૯૪.૮૧ ટકા હિન્દુઓ વસે છે. અંદાજે ગુજરાતના ૧૨ જિલ્લામાં હિન્દુઓની ૯૦ ટકાથી વધુ વસ્તી છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં ૮૦ ટકાથી વધુ છે. માત્ર ભરૂચ અને કચ્છ જિલ્લામાં હિન્દુઓની વસ્તી ૮૦ ટકાથી ઓછી છે. જે મુજબ ભરૂચમાં ૭૬.૬૧ ટકા અને કચ્છમાં ૭૬.૮૯ ટકા છે. રાજ્યમાં મુસ્લિમોની કુલ વસ્તીના સૌથી વધુ ૨૨.૧૫ ટકા ભરૂચ અને ૨૧.૧૪ ટકા કચ્છમાં રહે છે. આ સિવાયના ૭ જિલ્લામાં મુસ્લિમોની વસ્તી ૧૦ ટકાથી વધુ છે.