ગુજરાતમાં ‘વિકાસ’ આવે છે, અને કોંગ્રેસ જાય છેઃ એક્ઝિટ પોલનો સાર

Friday 15th December 2017 03:51 EST
 
 

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં ગુરુવારે ૯૩ બેઠકો પર મતદાન પૂર્ણ થયું તે સાથે જ એક્ઝિટ પોલના પરિણામ જાહેર થયા છે. ટાઇમ્સ નાઉ-વીએમઆર સહિત તમામ એક્ઝિટ પોલમાં ભાજપ ગુજરાતમાં બહુમતી સાથે ફરી સત્તા મેળવશે તેવી શક્યતા દર્શાવાઇ છે. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં પણ પૂરબહાર કમળ ખીલશે તેવો વરતારો રજૂ થયો છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી જંગ દરમિયાન ભાજપે રાજ્યમાં વિકાસના મુદ્દાને કેન્દ્રસ્થાને રાખીને ‘હું છું વિકાસ, હું છું ગુજરાત’ સૂત્ર વહેતું કર્યું હતું તો સામા પક્ષે કોંગ્રેસે ભાજપની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું હોવાના દાવા સાથે ‘કોંગ્રેસ આવે છે’ સૂત્ર ફરતું કર્યું હતું. 

ગુજરાતી ટીવી ચેનલ ટીવી9-સી વોટરના એક્ઝિટ પોલ મુજબ ભાજપને ૧૧૧ બેઠક મળશે અને કોંગ્રેસને ૭૧ બેઠક મળશે તેવી સંભાવના છે. ગુજરાતની ચૂંટણી અંગે મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપને ૧૦૦થી વધુ બેઠક મળશે તેવી શક્યતા દર્શાવાઈ છે. ભાજપને સૌથી ઓછી ૯૯ બેઠક ઈન્ડિયા ટૂડે-એક્સિસ માય ઈન્ડિયાના સર્વેમાં અપાઇ છે, જ્યારે સૌથી વધુ ન્યૂઝ24-ચાણક્યના સર્વેમાં ૧૩૫ બેઠક આપવામાં આવી છે. આ જ રીતે કોંગ્રેસને સૌથી ઓછી ૪૭ બેઠક ન્યૂઝ24-ચાણક્યના સર્વેમાં આપવામાં આવી છે. કોંગ્રેસને સૌથી વધુ ૮૨ બેઠક ઈન્ડિયા ટૂડેના સર્વેમાં આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપને ૩૭ બેઠક અને કોંગ્રેસને ૧૭ બેઠક મળી શકે છે. મધ્ય ગુજરાતમાં ભાજપને ૪૨ અને કોંગ્રેસને ૨૧ બેઠક મળી શકે છે. આમ, પાટીદારોની જ્યાં વધુ અસર જોવા મળશે તેવી ભીતિ હતી તેવા સૌરાષ્ટ્રમાં ભાજપને ફાયદો થતો હોય તેવું ટીવી9ના એક્ઝિટ પોલનું અનુમાન છે.
ટાઈમ્સ નાઉ-વીએમઆરના એક્ઝિટ પોલ મુજબ ભાજપને ગુજરાતમાં ૧૦૯ સીટ મળશે, જ્યારે કોંગ્રસને ૭૦ સીટ મળશે. ઈન્ડિયા ટૂડેના સર્વે મુજબ ભાજપને ૯૯-૧૧૩ અને કોંગ્રેસને ૬૮-૮૨ સીટ મળશે. ઈન્ડિયા ટીવીના એક્ઝિટ પોલના આંકડા મુજબ ભાજપને ૧૦૮-૧૧૮ સીટ મળશે, જ્યારે કોંગ્રેસને ૬૧-૭૧ સીટ મળશે. એબીપી ન્યૂઝ-સીએસડીએસના એક્ઝિટ પોલ મુજબ ભાજપને ગુજરાતમાં ૧૧૭ બેઠક મળશે અને કોંગ્રેસને ૬૪ સીટ મળશે. મતલબ કે ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે.
સર્વે મુજબ મધ્ય ગુજરાતમાં ભાજપને ૪૭ ટકા મત મળશે, કોંગ્રેસને ૪૨ ટકા મત મળશે અને અન્યોને ૧૧ ટકા મત મળશે. મધ્ય ગુજરાતમાં ૪૦ બેઠકો પૈકી ભાજપને ૨૪ અને કોંગ્રેસને ૧૬ બેઠક મળવાનું અનુમાન છે. ઉત્તર ગુજરાતમાં ભાજપને ૫૩ પૈકી ભાજપને ૩૫ અને કોંગ્રેસને ૧૮ ટકા મત મળશે. આ વિસ્તારમાં ભાજપને ૪૯ ટકા મત અને કોંગ્રેસને ૪૨ ટકા મત મળશે.
વિવિધ ચેનલો-એજન્સીઓના એક્ઝિટ પોલના આંકડા પરથી માલૂમ પડે છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મતની ટકાવારીનું અંતર ગત ચૂંટણી કરતાં ઓછું છે તેમ છતાં પાંચ ટકાથી લઈને ૯ ટકા સુધીનું અંતર વિવિધ સર્વેમાં જોવા મળ્યું છે.

મતોની ટકાવારીમાં કોંગ્રેસે જોર લગાવ્યું

એનબીટી-સી વોટરના પોલ મુજબ મતોની ટકાવારીમાં કોંગ્રેસે જોર લગાવ્યું હતું. તેને ૪૩.૩ મતો મળી શકે છે જ્યારે ભાજપની સ્થિતિ થોડી નબળી પડીને ૪૭.૪ ટકા મતો મળવાની સંભાવના દર્શાવે છે. કોંગ્રેસને મતહિસ્સામાં ૪.૭ ટકાનો ફાયદો થયો છે. જ્યારે ભાજપને ૦.૪ ટકાનું નુકસાન થઈ રહ્યું છે. ૨૦૧૨માં ભાજપને ૪૭.૮ અને કોંગ્રેસને ૩૮.૮ ટકા મત મળ્યા હતા.

ગુજરાતઃ ક્યાં કોને કેટલી બેઠકો મળી શકે ?

મધ્ય ગુજરાતઃ મધ્ય ગુજરાતમાં કુલ ૬૩ બેઠકો છે. જેમાં ભાજપને ૨૦૧૨ની જેમ આ વખતે ૩૯ બેઠકો મળી રહી છે. જ્યારે કોંગ્રેસને ૨૨ની સામે ૨૪ બેઠકો મળી શકે છે. આમ તેને બે બેઠકનો ફાયદો થઈ રહ્યો છે.
ઉત્તર ગુજરાતઃ ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જેવા મહત્ત્વના વિસ્તારો ધરાવતા ઉત્તર ગુજરાતમાં ૩૨ પૈકી ૧૩ બેઠકો ભાજપને જઈ રહી છે આમ તેને ૨૦૧૨ કરતાં ૨ બેઠકનું નુકસાન થઈ રહ્યું છે જ્યારે કોંગ્રેસને ૨ બેઠકના ફાયદા સાથે ૧૯ બેઠક મળી રહી છે.
સૌરાષ્ટ્રઃ સૌરાષ્ટ્રમાં હાર્દિક પટેલના સંગઠન પાટીદાર અનામત આંદોલન સમિતિનો વધુ પ્રભાવ રહ્યો હતો. સૌરાષ્ટ્રમાં ભાજપને ૫૪માંથી ૩૭ અને કોંગ્રેસને એક બેઠકના ફાયદા સાથે ૧૭ બેઠક મળી રહી છે. ભાજપને અહીં બે બેઠકનું નુકસાન થઈ રહ્યું છે.
દક્ષિણ ગુજરાતઃ દક્ષિણ ગુજરાતમાં ભાજપને ૨૦૧૨ની સરખામણીમાં ૭ બેઠકના નુકસાન સાથે ૧૯ બેઠકો મળી રહી છે. જ્યારે ૮ બેઠકના ફાયદા સાથે કોંગ્રેસને ૧૪ બેઠકો મળી રહી છે. આમ કુલ ૩૩ બેઠકો ધરાવતા આ વિસ્તારમાં ભાજપને મોટું નુકસાન થઈ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter