વડોદરા/ભરૂચઃ ગુજરાત અત્યારે ડ્રગ્સના વિસ્ફોટ પર બેઠું છે.. છેલ્લા 3 દિવસમાં ગુજરાતમાં કુલ 803 કિલો એટલે કે પોણા ટનથી પણ વધુ MD ડ્રગ્સ ઝડપાયું છે. આમાંથી અડધો ટન જેટલો (513 કિલો) જથ્થો તો મુંબઈની એન્ટિ-નાર્કોટિક્સ સેલ આવીને ભરૂચની પાનોલી GIDCની કંપનીમાંથી પકડી ગઈ છે. જ્યારે ગુજરાત પોલીસે પાનોલીની એ જ કંપનીમાંથી વધુ 90 કિલો MD ડ્રગ્સ પકડ્યું છે. હવે ગુજરાત ATSએ વડોદરા નજીક સાવલીની ફેક્ટરીમાંથી 200 કિલો MD ડ્રગ્સ પકડ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે ગુજરાત પોલીસના નાક નીચે ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગનો ધંધો ચાલતો હતો અને બહારના રાજ્યની પોલીસ દરોડો પાડી ગઈ.
ભરુચની પાનોલી GIDCમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ નામની કંપનીમાં 13 ઓગસ્ટે મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે રેડ કરી હતી. આ દરોડામાં એજન્સીએ અંદાજીત 513 કિલો MD ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપ્યો હતો. જ્યારે મંગળવારના રોજ ભરૂચ SOGએ ફરીથી રેડ કરીને અંદાજીત 80થી 90 કિલો MD ડ્રગ્સ પકડી પાડતા ચકચાર મચી ગઇ છે. મુંબઈની ટીમે જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 1,026 કરોડ થાય છે. ભરૂચ બાદ વડોદરાના સાવલીમાં એક ફેક્ટરીમાં ગુજરાત ATSએ રેડ કરીને 200 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 1 હજાર કરોડ જેટલી કિંમત થાય છે. ATSએ સાવલીના મોકસી ગામની નેક્ટર કેમ કંપનીમાં રેડ કરીને આ જથ્થો ઝડપી પાડ્યો છે.


