અમદાવાદઃ તાજેતરમાં જ ઉદેપુરથી ઝડપાયેલા ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટમાં ભારત ઉપરાંત દુબઇ, સીરિયા, ઇન્ડોનેશિયા અને આફ્રિકન દેશોના લોકોની પણ સંડોવણી બહાર આવી રહી છે. આ ડ્રગ્સ માટેનું રો મટીરિયલ ઇન્ડોનેશિયાથી આયાત થતું હતું. જેના પર ભારતમાં પ્રોસેસ કરાતી હતી. આ રેકેટના માસ્ટર માઇન્ડ સીરિયા અને દુબઇના કેટલાક લોકો હોવાનું બહાર આવ્યું છે. ડ્રગ્સની નિકાસ મોટા પાયે આફ્રિકન દેશોમાં થતી હોવાથી ત્યાંના પણ ડ્રગ્સ માફિયાઓની સંડોવણી બહાર આવી છે.
પાર્ટી ડ્રગ્સ કે માનવીનું બ્લડ પ્રેશર હાઇ રાખે તેવા ડ્રગ્સ માટેનું રો મટીરિયલ બનાવતી ૫૦૦૦થી વધુ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. જોકે તેઓ આ કેમિકલનો ઉપયોગ અન્ય દવાઓ કે બીજી પ્રક્રિયા માટે કરતી હોય છે. તેમ છતાં આવી કંપનીઓ દ્વારા વર્ષ દરમિયાન કેટલુ કેટલું રો મટીરિયલ તૈયાર કરવામાં આવ્યું? તે કોને વેચ્યું? આ રો મટીરિયલ માટે કોઇ મટીરિયલ વિદેશથી આયાત થયું? તે તમામ બાબતોનો રેકોર્ડ રખાય છે. આ રેકોર્ડ દર ત્રણ મહિને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ( NCB)માં સબમિટ કરાવવો પડે છે. જો આ રિપોર્ટમાં NCBને કોઇ શંકા જાય તો તે કંપની પર સર્ચ કરી શકે છે. ભૂતકાળમાં પણ NCB દ્વારા અમદાવાદ અને ભરૂચ નજીકની પાનોલી GIDCની એક કંપની પર દરોડા પાડીને કાર્યવાહી થઈ હતી. આ પ્રકારનું રો-મટીરિયલ તૈયાર કરતી ૫૦૦થી વધુ કંપનીઓ અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોમાં પણ કાર્યરત છે, જેની પણ સંપૂર્ણ વિગતો NCBમાં સબમિટ થાય છે.
બોલિવૂડ કનેક્શન
કરોડો રૂપિયાના પાર્ટી ડ્રગ્સ સાથે ઝડપાયેલા સુભાષ દોદાણી અને તેના ભત્રીજા રવિ દોદાણીએ વર્ષ ૨૦૧૧માં એક ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી હતી. આ ઉપરાંત ઘણા ડ્રગ્સ માફિયાઓના રૂપિયા બોલિવૂડમાં ફરતા હોવાની વાત જગ જાહેર છે. મેન્ડ્રેક્સ કિંગ વિકી ગોસ્વામીની ફિલ્મ અભિનેત્રી પત્ની મમતા કુલકર્ણી વિરુદ્ધ પણ ડ્રગ્સ મામલે તપાસ ચાલુ છે. આ ઉપરાંત ભૂતકાળમાં ઘણા ફિલ્મ કલાકારો પણ ડ્રગ્સ સાથે ઝડપાયા હોવાના બનાવો નોંધાયા છે. જ્યારે મોટી સંખ્યામાં કલાકારો ડ્રગ્સ એડિક્ટ હોવાનું પણ જગજાહેર છે.
વિવિધ રાજ્યોમાં પ્રોસેસ
DRIએ ઝડપી લીધેલા ડ્રગ્સનું રો મટીરિયલ ગુજરાતના બંદર પરથી જ આયાત થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જોકે સિનિયર અધિકારીઓના જણાવ્યા મુજબ, ડ્રગ્સ માફિયાઓની એવી મોડેસ ઓપરેન્ડી રહી છે કે તેઓ જે રાજ્યના બંદર પરથી રો મટીરિયલ આયાત કરે તે રાજ્ય છોડીને અન્ય રાજયમાં આ રો મટીરિયલ ઉપર પ્રોસેસ કરી તેનું પાર્ટી ડ્રગ્સ બનાવતા હોય છે અને ત્રીજા રાજ્યમાંથી તેને નિકાસ થાય છે. જેને કારણે કોઇ એજન્સીઓ તેનો ટ્રેક રાખીને ઝડપી શકે નહિ.
વિદેશીઓ પર પણ શંકા
વિદેશી ડ્રગ્સ માફિયાઓ હંમેશા GIDCની લાંબા સમયથી બંધ હોય તેવી જ ફેક્ટરી ભાડે લેતા હોય છે. આવી ફેક્ટરીમાં રાત્રે ડ્રગ્સ માટેનું રો મટીરિયલ ઉતારી દેવાય અને રાત્રે અંધારામાં જ પ્રોસેસ કરીને પાર્ટી ડ્રગ્સ બનાવવામાં આવે છે. ઉદેપુરના જે શ્રીનાથ ઇન્ડસ્ટ્રીમાંથી કરોડોનું ડ્રગ્સ પકડાયું છે, તે છેલ્લા ચાર મહિનાથી બંધ હોવાનું બહાર આવ્યું છે. આ બંધ ફેકટરીના આડમાં જ ડ્રગ્સ બનાવાતું હતું. અમદાવાદ નજીક ઝાક GIDCમાંથી પણ અગાઉ ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો.


