અમદાવાદઃ ભારત છોડીને પાકિસ્તાન અને ચીન જતા રહેલા લોકોની સંપત્તિના વેચાણમાંથી રૂ. ૧ લાખ કરોડ ઉભા કરવાની કેન્દ્ર સરકાર દ્વારા કવાયત ચાલે છે. ગુજરાતને પણ આ અસરકર્તા છે. આઝાદી વખતે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનો ઈતિહાસ જાણીતો છે. આ ઉપરાંત રાજ્યના સરહદી વિસ્તારોનો સામાજિક સંબંધ પણ પાકિસ્તાન સાથે જોડાયેલો છે.
હવે કેન્દ્ર સરકારના આંકડા મુજબ ભારત છોડીને પાકિસ્તાન જતા રહ્યા હોય તેવા લોકોની ગુજરાતમાં ૧૪૬ મિલકતો છે. જેની કુલ કિંમત આશરે રૂ. ૧ હજાર કરોડ થાય છે. શત્રુ સંપત્તિ એક્ટ હેઠળ ગૃહમંત્રાલય દ્વારા આ કાર્યવાહી કરાશે.
મિલકતોના અસ્તિત્વ સામે સવાલ
ભારતના ભાગલા તેમજ ૧૯૬૨ અને ૧૯૬૫ના યુદ્ધ વખતે પાકિસ્તાન જતા રહેલા લોકોની મિલકતો વેચવાનું આયોજન કેન્દ્રનો ગૃહ વિભાગ કરી રહ્યો છે, પરંતુ આવી સંપત્તિના અસ્તિત્વ સામે પણ અત્યારે સવાલ છે! જાણકારોના જણાવ્યા અનુસાર ઘણી સંપત્તિઓમાં દબાણો થઈ ગયા હશે અને બીજા લોકોના નામે ચડી ગઈ હશે. અમુક મિલકતો સાડા પાંચ દસકામાં જર્જરિત થઈને ધસી પડી હશે. શત્રુ સંપત્તિ એક્ટ મુજબ ભારત છોડીને પાકિસ્તાન કે ચીન જેવા દેશમાં વસેલા લોકોની સંપત્તિમાં વારસદારોનો કોઈ હક્ક રહેતો નથી, પરંતુ આવી મિલકતોનો વાસ્તવિક કબજો સરકાર પાસે છે કે કેમ? તે સવાલ છે.

