ગુજરાતી પાઇલટે ૫૦ સગર્ભાઓને સુરક્ષિત વતન પહોંચાડી

Wednesday 27th May 2020 06:14 EDT
 
 

અમદાવાદઃ એર ઈન્ડિયા એક્સપ્રેસ સાથે સંકળાયેલ ગુજરાતી પાઇલટ પ્રત્યુષ વ્યાસે આમ તો અને વખત ફ્લાઇટનું ઉડ્ડયન કર્યું છે પણ ૧૨મી મેના રોજ દુબઈથી મેન્ગલોર સુધીની ફ્લાઇટનું ઉડ્ડયન તેના માટે યાદગાર રહ્યું કારણ કે આ ફ્લાઇટથી તેમણે ૫૦ સગર્ભાઓને સલામત રીતે વતન પહોંચાડી હતી.
વિદેશમાં ફસાયેલા ભારતીયોને સલામત રીતે ઘરે લાવવા માટે ભારત સરકારે હાથ ધરેલા વંદે ભારત ઇવેક્યુશન મિશન હેઠળ આ ખાસ ફ્લાઇટ હતી. આ ફ્લાઇટમાં ૧૭૭ મુસાફરો સવાર હતા. અલબત્ત, આ મુસાફરોમાં સગર્ભાઓની નોંધનીય હતી.
એક રેડિયો જોકીને સોશીયલ મીડિયાના માધ્યમથી આપેલી મુલાકાતમાં વ્યાસે જણાવ્યું કે ‘વિમાન ઉડ્ડયનની સાથે ઘણી બીજી અનેક બાબતો અમારા મનમાં હતી. એક તો અમારે પહેલી વખત હેઝમેટ સ્યુટ સાથે ફ્લાઇંગ કરવાનું હતું કે જે બિલકુલ આરામદાયક કે અનુકૂળ આવે તેમ ન હતું. બીજી વાત, કોરોના વાઇરસની પરિસ્થિતિમાં મુસાફરોની સાથે અમારે પણ શાંત રહેવાનું હતું. આખરે અમે તે સહુને સલામત રીતે અને તંદુરસ્તપણે વતન પહોંચાડી દીધા.’ એક વખત પર્સનલ પ્રોટેક્ટિવ ગીયર પહેરી લીધા પછી વિમાનના ક્રૂ માટે સળંગ આઠ કલાક સુધી ભોજન કરવાનું કે પાણી પીવાનું પણ શક્ય ન હતું.
પોતાના આ અનોખા અનુભવ અંગે વ્યાસે આરજે ધ્વનિતને જણાવ્યું કે, કેબિનની અંદરનું તાપમાન અત્યંત ઠંડુ હોવા છતાં પીપીઈની અંદર અમે પરસેવા પાડી રહ્યાં હતાં. વિમાનમાં સગર્ભા મહિલાઓ હોવાથી અમારે ટર્બ્યુલન્સની સાથે ૩૫ હજાર ફૂટથી નીચે ઉતરતી વખતે ગતિ સહિતની અનેક વિશેષ કાળજી તેમના માટે રાખવાની હતી. વિમાન સરળતાથી નીચે ના ઉતરી શકે તો તેવી પરિસ્થિતિમાં કાનમાં દુઃખાવો થતો હોય છે. અને જો લેન્ડિંગ સરળ રીતે ના થઇ શકે તો આ સગર્ભાઓને આઘાત લાગી શકે તેમ હતું.

વંદે ભારત મિશનના આ કાર્યમાં કેપ્ટન અને ક્રૂ મેમ્બર્સ સ્વૈચ્છિકપણે સામેલ થયા છે. વ્યાસે પીપીઈ સ્યુટ પહેરવા અંગેના અનુભવની સરખામણી ધાર્મિક ઉપવાસ સાથે કરી હતી. તેમણે કહ્યું કે આઠ કલાક સુધી ભોજન, પાણી અને ટોઇલેટ બ્રેક વગર રહેવું એટલે રોજા પાળવાસમાન હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter