અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ છ, સાત અને આઠમાના લેવલે ગુજરાતી શીખવી શકે તેવા શિક્ષકો જ મળતા નથી. પરિણામે ગુજરાત સરકાર શાળામાં બાળકો આપોઆપ જ ગુજરાતી સારું શીખી જાય તે માટે તેમને માટે કોમિક બુક્સ અને રસપ્રદ વાર્તાઓના પુસ્તકોની લાયબ્રેરી બનાવીને તેમને ગુજરાતી શીખવવાના વિકલ્પો આશરો લેવા ભણી આગળ વધી રહી છે. અમદાવાદના નરોડાની પરિસરમાં આવેલા મુઠિયા, નાના ચિલોડા, રણાસણ અને કોતરપુરમાં કરવામાં આવેલા સર્વેક્ષણ દરમિયાન આ હકીકત બહાર આવી હતી.
ગુજરાતમાં પ્રાથમિક શાળાના વર્ગમાં વિજ્ઞાન અને ગણિત શીખવી શકે તેવા શિક્ષકો પણ મળતા નથી. આ શિક્ષકોને પસંદ કરતાં પૂર્વે તેમની ટેસ્ટ લેવામાં આવી ત્યારે તેમણે ૨૦ ટકાથી ૬૦ ટકાની રેન્જમાં ગુણ મેળવ્યા હતા. તેમને આ વિષયો શીખવવા માટે તાલીમ આપવામાં આવી તે પછી પણ તેમનું પરફોર્મન્સ સુધરીને ૭૦ ટકાથી આગળ જઈ શક્યું નહોતું. ગુજરાત ચેમ્બરમાં યોજાયેલા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંગે યોજાયેલા સેમિનારમાં પ્રસ્તુત માહિતી આપતા ગુજરાત સરકારના આઈએએસ અધિકારી એ. એમ. તિવારીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છ, સાત અને આઠ ધોરણના વિદ્યાર્થીઓને ગુજરાતી શીખવી શકે તેવા શિક્ષકો જ મળતા નથી. આ અગાઉ વિજ્ઞાન અને ગણિતના વિષયો માટે પણ આવી જ સ્થિતિ હતી. તેમાંય હજી ખાસ સુધારો થયો નથી. તેથી કોર્પોરેટ કંપનીઓએ તાલીમ આપીને સારા શિક્ષકો તૈયાર કરવા પર પણ ભાર મૂકવો જોઈએ. કોર્પોરેટ કંપનીઓને તેમના ચોખ્ખા વાર્ષિક નફાની બે ટકા રકમ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટીના હેડ હેઠળ ખર્ચવાની કાનૂની જોગવાઈ કરવામાં આવી છે.

