અમદાવાદઃ પદ્મશ્રી લેખક સિતાંશુ યશશ્ચંદ્રને ૨૩મી ઓક્ટોબરે ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ જાહેર કરાયા છે. અગાઉ આ પદે ચંદ્રકાંત ટોપીવાળા હતા. વર્ષ ૧૯૦૫માં સ્થપાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ૫૧મા પ્રમુખ જાહેર કરાયા છે. ગુજરાતી સાહિત્ય જગતમાં સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા તેમના કાવ્યસંગ્રહ 'જટાયુ' માટે જાણીતા છે. આ કાવ્યસંગ્રહને દિલ્હી સ્થિત 'સાહિત્ય અકાદમી'નો પુરસ્કાર પ્રાપ્ત છે. વળી તેમના સાહિત્ય સર્જન માટે ૨૦૦૬માં તેમને પદ્મશ્રીનો ખિતાબ પણ મળી ચૂક્યો છે.
સિતાંશુ મહેતા કવિ ઉપરાંત નાટયકાર, વિવેચક, અનુવાદક અને શિક્ષણશાસ્ત્રી તરીકે પણ જાણીતા છે. આ ચૂંટણી વિશે માહિતી આપતાં પરિષદના મહામંત્રી પ્રફુલ્લ રાવલે જણાવ્યુ હતું કે ૨૩મી તારીખે સવારથી જ મતગણતરી શરૂ કરવામાં આવી હતી. કુલ ૧૨૨૯માંથી ૭૧૫ મત સિતાંશુ યશશ્ચંદ્રને મળ્યા હતા જ્યારે હરીફ બળવંત જાનીને ૫૧૪ મત મળ્યા હતા. સાહિત્ય પરિષદના કુલ સભ્યો એટલે કે મતદારો ૩૫૦૦થી વધુ છે, પરંતુ ચૂંટણી સમયે કેટલાય સભ્યોએ ઉદાસીનતા દર્શાવી મત આપ્યા ન હતા. તો વળી પરિષદની ચૂંટણીપ્રથા પણ ખાસ્સી જૂનવાણી હોવાથી નવી પેઢીએ એમાં ખાસ રસ લીધો નહોતો. પરિણામે માંડ ત્રીજા ભાગનું મતદાન થયું હતું. પરિષદને કુલ મળીને ૧૨૭૭ મત મળ્યા હતા, પરંતુ તેમાંથી કેટલાક મત અમાન્ય ઠર્યાં હતા. પરિણામનો સત્તાવાર પત્ર પણ ચૂંટણી અધિકારી ભાલચંદ્ર શાહે રજૂ કર્યો હતો.


