અમદાવાદઃ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદ માટે યોજાયેલી ચૂંટણીમાં જાણીતા કર્મશીલ, કટાર લેખક, સાહિત્યકાર - પત્રકાર પ્રકાશ ન. શાહ ચૂંટાઈ આવ્યા છે. રસાકસીભરી ચૂંટણીમાં તેઓને ૫૬૪ મત મળ્યા હતા જ્યારે તેમના પ્રતિસ્પર્ધી હર્ષદ ત્રિવેદીને ૫૩૩ અને હરિકૃષ્ણ પાઠકને ૧૯૭ મત મળ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા ૨૩મી ઓક્ટોબરે સંપન્ન થઈ હતી. પોસ્ટ દ્વારા મળેલા મતની ગણતરી દિવસભર ચાલી હતી. સાહિત્ય પરિષદના ૩૬૦૦થી વધુ આજીવન સભ્યો પૈકી ૧૩૩૭ સભ્યોએ વોટિંગ કર્યું હતું. જેમાંથી ૪૫ મત રદ્દ થયા હતા. પ્રકાશ ન. શાહ વર્ષ ૨૦૨૧થી ૨૦૨૩ સુધી પરિષદના પ્રમુખપદે રહેશે.
આભાર પ્રગટ કર્યો
આ પરિણામ અને વિજય અંગે આભાર પ્રકટ કરતાં પ્રકાશ ન. શાહે જણાવ્યું કે, પરિષદના પ્રમુખની ચૂંટણી આ વખતે મારી દૃષ્ટિએ અગત્યની એટલા માટે હતી કે આંતરબાહ્ય સ્વાયત્તતાના મુદ્દે ગુજરાતના જાહેર જીવનમાં જે જાગૃતિ અને સક્રિયતા જોઈએ તેની એક પ્રકારની આ પરીક્ષા હતી. મને આનંદ છે કે આ ચૂંટણીના ત્રણ સ્પર્ધી પૈકી વિજેતા અને પાછળ રહેલા હરિકૃષ્ણ પાઠક બંને પ્રથમ દિવસથી સ્વાયત્તતાના સમર્થક રહ્યાં છે. તેથી મારી તરફેણમાં જે મતદાન થયું અને હરિકૃષ્ણભાઈને જે મત મળ્યા એ મળીને નિર્ણાયક બહુમતી સ્વાયત્તતા આંદોલન સાથે ઊભી રહી. સાતત્ય, સંધાન અને શોધન રીતે આ મુદ્દો મુખ્ય છે. આ ઉપરાંત લોકો અને સાહિત્ય વચ્ચે વધુ સંવાદની ભૂમિકા રચાય એ સંકેત નારાયણ દેસાઈને પરિષદમાં નિમંત્રીને આપ્યો હતો. લોકો અને સાહિત્ય વચ્ચેનું અનુસંધાન બને એવા આપણા પ્રયત્ન રહેશે તેવો સૂર વ્યક્ત થયો હતો. સિતાંશુભાઈના નેતૃત્વમાં સાહિત્ય પરિષદે અનુબંધ, આનંદની ઉજાણી, વેબપત્રિકા જેવા જે નવા કાર્યો કર્યાં તેનો વિકાસ થાય તેવા પ્રયત્નો પણ કરાશે તેવું ઉજાગર થયું હતું.