ગુજરાતી સ્ટોરમાલિકની પ્રશંસનીય પ્રામાણિક્તા મિલિયન ડોલરની ઇનામી લોટરી ટિકિટ પરત કરી

Wednesday 26th May 2021 05:57 EDT
 
 

સાઉથવિક (યુએસ): ભારતીય અમેરિકન સ્ટોરમાલિક મૌનિશ શાહની પ્રામાણિકતાનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. જેમણે મેસેચ્યુસેટ્સ સ્ટેટ લોટરીની ‘ડાયમન્ડ મિલિયન્સ’ ઈન્સ્ટન્ટ ગેમની ૧ મિલિયન ડોલરની ઈનામી ટિકિટ મેસેચ્યુસેટ્સની મહિલા લીઆ રોઝ ફીએગાને પરત કરી હતી. આ મહિલા પોતાની લોટરી ટિકિટ ખરીદ્યા પછી કાઉન્ટર પર જ છોડીને જતી રહી હતી.
લીઆ રોઝ ફીએગાએ ગયા માર્ચ મહિનામાં સાફથવિકના લકી સ્ટોપ કન્વીનિયન્સ સ્ટોરમાંથી $30 Diamond Millions સ્ક્રેચ ટિકિટ ખરીદી હતી અને સ્ક્રેચ પણ કરી હતી.
જોકે લંચ બ્રેકની ઉતાવળમાં ટિકિટને ઝડપથી ઘસી તેના પર નજર ફેરવી હતી અને ઈનામ લાગ્યાનું નહિ જણાતા ટિકિટ કાઉન્ટર પર છોડીને જ ચાલી નીકળી હતી.આ ટિકિટ ૧૦ દિવસ કાઉન્ટર પર જ પડી રહી હતી.
સ્ટોરમાલિકના પુત્ર અભિ શાહે WWLP-TVને જણાવ્યું હતું કે એક સાંજે તેઓ ટિકિટોના કચરાને તપાસી રહ્યા હતા ત્યારે એક ટિકિટ સ્ક્રેચ થયા વિનાની હતી. તેમણે નંબર ઘસ્યો અને તેની નીચે દસ લાખ ડોલરનું ઈનામ હતું. ફીએગા નિયમિત ગ્રાહક હોવાથી તેણે જ ટિકિટ ફેંકી દીધી હશે તેમ શાહે માન્યું હતું. શાહ ફીએગાને મળવા તેની ઓફિસે ગયા હતા.
કહે છે કે ‘તેઓ મારી ઓફિસે આવ્યા અને મને કહ્યું કે મારા માતાપિતા તમને મળવા માગે છે. મેં કહ્યું કે હું કામમાં છું પરંતુ, તેણે કહ્યું તમારે આવવું જ પડશે. આથી, હું ત્યાં ગઈ અને તેમણે મને ઈનામી ટિકિટની વાત કરી. મને જરા પણ માન્યામાં ન આવ્યું અને હું રોઈ પડી, તેમને ભેટી પડી. આ લોકો ખરેખર મહાન છે.’
ફીએગાએ ઉમેર્યું હતું કે જાન્યુઆરીમાં કોવિડ-૧૯માંથી બચાવ લોટરી લાગ્યા જેવું જ હતું. હવે તે પોતાને બમણી નસીબવંતી માને છે.
ઈનામી ટિકિટ વેચવા બદલ સ્ટોરને ૧૦,૦૦૦ ડોલરનું લોટરી કમિશન મળે છે. સ્ટોર માલિક મૌનિશ શાહ કહે છે કે, ‘ટિકિટ પાછી આપવાનો નિર્ણય લેવો સહેલો ન હતો. અમે બે રાત ઊંઘી શક્યા ન હતા. અભિએ ભારતમાં મારી માતા અને ગ્રાન્ડ પેરન્ટ્સને ફોન કર્યો અને વિગતો જણાવી ત્યારે તેમણે કહ્યું કે પાછું આપી દો, આપણે તેવા નાણા જોઈએ નહિ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter