અમદાવાદ: ક્રિસમસ વેકેશન, શનિ-રવિની રજાઓ તેમજ થર્ટી ફર્સ્ટની ઉજવણીના માહોલમાં ગુજરાતીઓ કોરોના ભૂલી વિવિધ સ્થળે પ્રવાસની મોજ માણતા જણાયા. ૨૫મીથી લઇને ૨૭મી સુધીમાં રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોએ જંગી જનમેદની દેખાઈ હતી. ખાણી પીણીની લારીઓ તેમજ રેસ્ટોરાંમાં ભીડ દેખાઈ હતી. સૌરાષ્ટ્રમાં ગીરના પહડી વિસ્તાર અને દ્વારકા જેવા દરિયાકાંઠા વિસ્તારોમાં પ્રવાસીઓની ભારે ભીડ દેખાઈ હતી. દ્વારકાધીશ મંદિર પરિસર તેમજ ગોમતીધાટ પાસે આવેલી છપ્પન સીડી પાસે દ્વારકાધીશના દર્શન કરવા યાત્રિકોની લાંબી લાઇનો હતી. ગોમતી ઘાટે પણ યાત્રિકોનો ધસારો હતો. બીજી તરફ અમદાવાદમાં પણ રિવરફ્રન્ટ પર ભારે ભીડ જોવા મળી હતી. બીજી તરફ કેવડિયા કોલોની, નર્મદા કાંઠા વિસ્તાર, પંચમહાલના પાવાગઢમાં પણ પ્રવાસીઓનો જમાવડો થયો હતો. ઉત્તર ગુજરાતમાં માઉન્ટ આબુ અને છેક રાજસ્થાન સુધી રજાઓ માણવા લોકો પહોંચી ગયા હતા. દક્ષિણ ગુજરાતમાં સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં પણ ભીડ દેખાઈ હતી.