અમદાવાદઃ કટોકટીના કારણે હાલમાં માલદિવ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે આ દેશમાં સૌપ્રથમ ગુજરાતીઓ પહોંચીને સ્થાયી થયા હતા. આ ઇતિહાસનો સંશોધનોમાં ઉલ્લેખ પણ છે કે આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં ગુજરાતીઓ માલદિવમાં પહોંચી સ્થાયી થયા હતા. આજે પણ ત્યાં ગુજરાતી ભાષી ૧૦૦૦ મુસ્લિમોની વસ્તી વસે છે. ભારતની દક્ષિણે અરબી સમુદ્રમાં આવેલા દેશ માલદિવમાં હાલ રાજકીય કટોકટી લાદવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે આ દેશમાં પહોંચીને સ્થાયી થનારી સૌપ્રથમ વસાહત ગુજરાતીઓની હતી. ઇન્ટરનેશન ઇન્સ્ટિટયુટ ઓફ એશિયન સ્ટડીઝે પ્રસિદ્ધ કરેલા કેટલાક સંશોધન લેખોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દક્ષિણ એશિયાના વિવિધ દેશોમાં રહી ત્યાંના નાગરિકોના ઉદ્ભવસ્થાનનો અભ્યાસ કરનારા
ડો. ક્લેરન્સ મેલોનીએ લખેલા પુસ્તક પીપલ ઓફ ધ માલદિવ આઇલેન્ડમાં ગુજરાતીઓ ઇ.સ. પૂર્વે અહીં આવી સ્થાયી થયા હોવાની વાત કરવામાં આવી છે, જેના કેટલાક સાંયોગિક પુરાવાઓ આજે પણ મળે છે. માનવશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર અને ભાષાકીય સંશોધનો પુરાવાઓ આપે છે કે માલદિવના નાગરિકોના પૂર્વજો અને ભારતના ગુજરાતીઓ, મરાઠીઓ અને કોંકણ પ્રદેશના લોકોના જનીનોમાં ઘણી સામ્યતા છે તેમજ ભાષાકીય ભંડોળમાં પણ આ વાતના પુરાવાઓ છે.
માલદિવમાં આવેલા સૌપ્રથમ મુલાકાતીઓ કે વસાહતીઓ તરીકે ગુજરાતીઓ એટલે કે આજના ગુજરાત પ્રાંતમાંથી આવેલા લોકોની ગણતરી કરવામાં આવે છે.
ઈ.સ. પૂર્વે ૫૦૦ વર્ષ પહેલાં એટલે કે ૨૫૦૦ વર્ષ પહેલાં ગુજરાતીઓ શ્રીલંકા અને માલદિવ સ્થાયી થયા હતા. હિન્દુ ધર્મના જાતકો અને પુરાણોમાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે આજના ગુજરાત વિસ્તારની પ્રજા સમુદ્રમાર્ગે વેપાર માટે હિંદ મહાસાગર અને અરબ સાગરમાં આવેલા વિવિધ દેશો અને દ્વિપમાં પહોંચતી હતી.
આજે પણ માલદિવના લોકોની બોટ અને હોડીઓ બાંધવાની પદ્ધતિ અને ગુજરાત-મહારાષ્ટ્રના દરિયાકાંઠે બનીતી બોટ અને હોડીઓની બનાવટની પદ્ધતિમાં ઘણી સામ્યતા જોવા મળે છે. બન્ને જગ્યાએ હોડીમાં ચાંદી જેવો રંગ ધરાવતા સિક્કા ચોંટાડવાની પ્રથા છે.
ગુજરાતીઓ ત્યાં સ્થાયી થયા હતા પરંતુ આજના તામિલનાડુ અને કેરળના વસાહતીઓનું ત્યાં પ્રભુત્વ વધતા ત્યાં અન્ય ગુજરાતીઓની વસાહતો નહોતી બની.
હાલ માલદિવમાં ગુજરાતી તરીકે ઓળખાતો સમુદાય છે જે મુસ્લિમ ધર્મ પાળે છે અને ગુજરાતી ભાષા બોલે છે. આ વસતી આશરે ૧૦૦૦ લોકોની છે. ઠાકુર અને રાણા ત્યાંની મુખ્ય અટકો પૈકી
એક છે.