ગુજરાતે રાજનીતિનો નવો અધ્યાય રચ્યો છે, દસે દિશામાં વિકાસના ઝંડા લહેરાવ્યા છે

Wednesday 05th September 2018 06:52 EDT
 
 

ગાંધીનગરઃ એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા ‘આઈના’ દ્વારા યોજાઈ રહેલા ‘ચલો ઇન્ડિયા’ કાર્યક્રમ અંગે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પહેલી સપ્ટેમ્બરે વહેલી સવારે પાંચ કલાકે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા વાર્તાલાપ કર્યો હતો.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, વડા પ્રધાનના નેતૃત્વમાં ગુજરાતે રાજનીતિનો નવો અધ્યાય રચ્યો છે. ગુજરાત વાયબ્રન્ટ સમિટની આઠ-આઠ સફળ શૃંખલાઓને પગલે ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. રાજ્યમાં વિશ્વસ્તરીય સુવિધાઓ છે અને ટેકનોલોજીનો જન સેવાઓમાં વ્યાપક વિનિયોગ થાય છે. ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસ અને છેવાડાના માનવી સુધી શિક્ષણ, આરોગ્ય, પાણી-આવાસ પહોંચાડીને ગુજરાત આજે વિકાસના નવા બેન્ચમાર્ક પ્રસ્થાપિત કરી રહ્યું છે.
રૂપાણીએ કહ્યું કે, મેન્યુફેક્ચરીંગ હબ બનેલા ગુજરાતમાં મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ઝીરો ડિફેક્ટ, ઝીરો મેનડેઇઝ લોસ, ઝીરો પાવર કટ, શિક્ષણમાં ઝીરો ડ્રોપ આઉટ રેઈટ તેમજ કોમી હુલ્લડો અને આતંકવાદ, ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી ગુજરાતે દશે દિશાએ વિકાસના ઝંડા લહેરાવ્યા છે.
મુખ્ય પ્રધાને અમેરિકામાં વસતા ભારતીયો અંગે ગૌરવ વ્યક્ત કરતાં કહ્યું કે, ભારતીયો-ગુજરાતીઓએ આત્મીયતા, ભારતીયતા અને રાષ્ટ્રીયતાનો અમેરિકા અને વિદેશમાં ફેલાવો કર્યો છે તે પણ સરાહનીય છે.
મુખ્ય પ્રધાને ગુજરાતની ભૂમિની બે વિરલ વિભૂતિ મહાત્મા ગાંધી અને સરદાર પટેલના જીવન કવનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આગામી બે ઓક્ટોબરથી ૧૫૦મી ગાંધી જયંતિની ઉજવણી દેશ અને રાજ્યમાં થવાની છે. આ ઉજવણીમાં ગાંધી વિચાર-આચારના મૂલ્યોને ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા મહત્ત્વપૂર્ણ સ્થાનો સાથે જોડીને જનસહયોગથી ઉજાગર કરાશે.
દેશની એકતા અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમાને વિશ્વની સૌથી ઊંચી વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ તરીકે નર્મદા બંધ સ્થળે નિર્માણથી વિશ્વમાં ગૌરવની ભૂમિકા મુખ્ય પ્રધાને આપી હતી.
રૂપાણીએ ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ કરતાં પણ ઊંચી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નો લોકાર્પણ ૩૧ ઓક્ટોબરે વડા પ્રધાનના હસ્તે થવાની ઉજવણીમાં સહભાગી થવા અમેરિકા વસતા ગુજરાતી અને ભારતીયોને નિમંત્રણ પાઠવ્યું હતું.
ગુજરાતમાં કાયદો વ્યવસ્થા, શાંતિ સલામતિની સુદૃઢ સ્થિતિની વિગતો રૂપાણીએ આપતાં કહ્યું કે પોકેટ કોપ પ્રોજેક્ટ અન્વયે પોલીસકર્મીઓને ૬૮ લાખ ગુનેગારના ડેટા મોબાઈલ ફોનમાં ઉપલબ્ધ કરાવ્યા છે. પાસપોર્ટ વેરફિકેશન હવે નાગરિકોને ઘેર બેઠા થઈ જાય છે. તેમજ ડ્રોન ટેકનોલોજીથી ગુનેગારો ખોટું કરનારાઓ પર થર્ડ આઈ-ત્રીજું નેત્ર બનીને વોચ રાખવામાં આવે છે. ટેકનોલોજીમાં હરણફાળ ભરતા રાજ્યમાં નવા ૬ પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ થતાં હવે, વિદેશ જવા માગતા નાગરિકોને ઘર આંગણે સુવિધા મળી રહેશે. તેમ પણ સર્વગ્રાહી વિકાસની વિસ્તૃત વિગતો તેમણે આપી હતી. ગુજરાતની સંસ્કૃતિ, વેપાર, ઉદ્યોગની અસ્મિતા વિદેશની ધરતી ઉપર ઉજાગર કરી રહેલા ‘ચલો ઈન્ડિયા’ના સૌ સહભાગીઓ આયોજકોના વતનપ્રેમને મુખ્ય પ્રધાને બિરદાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter