ગુણાતીત ગુરુ પરંપરાનાં છઠ્ઠા ગુરુદેવ પદે મહંત સ્વામી

Sunday 14th August 2016 02:08 EDT
 
 

અમદાવાદઃ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અક્ષરધામગમન કરતાં બીએપીએસની જવાબદારી હવે ‘મહંત સ્વામી’ના નામે લોકપ્રિય સાધુ કેશવજીવનદાસજીના શિરે આવી છે. પરમ પૂજ્ય યોગીજી મહારાજ અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના કૃપાપાત્ર વરિષ્ઠ સંતોમાંના તેઓ એક છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞા અનુસાર તેઓ દેશ-વિદેશમાં વિચરણ કરીને સત્સંગ-પ્રસારનું કાર્ય કરી રહ્યા છે અને હવે તેઓ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ અને ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુ પરંપરાના છઠ્ઠા ગુરુદેવ તરીકે મહંત સ્વામી બિરાજમાન થયા છે.

મુંબઇમાં વર્ષ ૧૯૬૧માં સાધુ કેશવજીવનદાસજી ‘મહંત’ તરીકે નિમાયા ત્યારથી જ તેઓ ‘મહંત સ્વામી’ તરીકે પ્રસિદ્ધ થયા અને આજે બીએપીએસના સંસ્થાના અધ્યક્ષની જવાબદારી તેમને શિરે આવી છે. ૮૩ વર્ષીય પૂજ્ય મહંત સ્વામી ૧૯૫૬માં બી.એસસી.(એગ્રિકલ્ચર)ની ડિગ્રી મેળવ્યા બાદ સન ૧૯૫૭માં દીક્ષિત થઈને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની સેવામાં જોડાયા હતા.

પરમ પૂજ્ય મહંત સ્વામી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના એક વરિષ્ઠ સંતવર્ય છે. સન ૧૯૩૩માં મધ્ય પ્રદેશમાં જબલપુર ખાતે તેમનો જન્મ થયો હતો. કેમ્બ્રિજ યુનિવર્સિટીનો અભ્યાસ કરીને તેઓ આણંદની એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં એગ્રિકલ્ચરિસ્ટ તરીકે ઉત્તીર્ણ થયા હતા. સન ૧૯૫૧થી તેમને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં ગુરુદેવ પૂજ્ય બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો યોગ થયો અને યોગીજી મહારાજની આધ્યાત્મિક પ્રતિભાથી તેઓ રંગાઇ ગયા હતા. પ્રખર બુદ્ધિમત્તા અને તર્કશીલ માનસ ધરાવતા સુશિક્ષિત મહંત સ્વામીને યોગીજી મહારાજના આધ્યાત્મિક વ્યક્તિત્વમાં તમામ પ્રશ્નોનાં ઉત્તર મળી ગયા. સન ૧૯૬૧માં યોગીજી મહારાજનાં હસ્તે દીક્ષિત થઇને તેઓ સાધુ કેશવજીવનદાસ બન્યા.
મુંબઇ બીએપીએસ સ્વામિનારાયણ ખાતે તેઓને ‘મહંત’ તરીકે નિયુક્ત કર્યા ત્યારથી તેઓ મહંત સ્વામીના નામથી લોકપ્રિય બન્યા હતા. ૧૯૭૧થી તેઓ પ્રમુખસ્વામી મહારાજને જ યોગીજી મહારાજનાં સ્વરૂપ તરીકે એટલે કે પોતાના ગુરુ તરીકે અનુસરતા રહ્યા. પ્રમુખસ્વામી મહારાજની છત્ર છાયામાં તેમની આધ્યાત્મિક પ્રતિભાને સવિશેષ મહેંકી ઉઠી હતી. એક ઉત્તમ સાધુતાયુક્ત સંત તરીકે અને પ્રખર બુદ્ધિમંત વ્યક્તિત્વ તરીકે તેઓ અનેકને વર્ષોથી આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડતાં રહ્યાં છે.
પૂ. મહંત સ્વામી પૂજ્ય પ્રમુખસ્વામીજી વિશે કહે છે કે સ્વામીશ્રી ફકત ભવ-બંધન કાપવા અને માયાપાર કરી ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય અને ભગવાનની મહાત્મ્યયુક્ત ભક્તિ કરવા અને કરાવવા આવ્યા છે. તેથી તે સિવાયની બીજી બાબતોમાં છૂપા જ રહેને? સ્વામી ભવ-રોગના નિષ્ણાત છે. પરમાનંદના ભોક્તા અને દાતા છે. બ્રહ્મરસના ભોગી છે. જન્મ-કર્મને નિર્ગુણ કરનાર અને નિર્ગુણ માર્ગ બતાવનાર છે. આદર્શ ગુરુ છે. આદર્શ પરાભક્તિ અને ગુરુભક્તિ કરનાર છે. આદર્શ શિષ્ય છે. ગુણાતીત સમાજનાં નેતા છે. ભગવાનને રહેવાનું ઘર છે. ભગવાનને કેમ રાખવા તે શીખવાડે છે. સ્વામીશ્રી તો ઓલિયા સાધુ છે. આટલા બધા મોટા છે છતાંય ઓળખતાં નથી. છૂપા રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter