ગોધરાકાંડ પછીના નવ રમખાણો પૈકીના ગુલબર્ગકાંડનો ચુકાદો બીજી જૂને જાહેર કરાયા બાદ આરોપીઓને સજા ફરમાવવા અંગે પણ સપ્તાહ સુધી સુનાવણી યોજાઈ હતી. કોર્ટે સીટને તમામ ૨૪ આરોપીઓના જેલ રેકોર્ડ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. એ પછી સોમવારે કોર્ટ ચુકાદાની ૧૭મી જૂન આપી હતી તો બીજી તરફ ફરાર આરોપી કૈલાસ ધોબી પણ કોર્ટ સમક્ષ હાજર થઈ ગયો હતો. એક તરફ આ હત્યાકાંડના ફરિયાદીઓ પોતાની સાથે થયેલા અન્યાય સામે ન્યાયની માગણી કરી રહ્યા છે તો બીજી તરફ આ હત્યાકાંડમાં કેટલીક ઘટના એવી બની કે જ્યાં કોમીએક્તાના દર્શન થયા અને માનવતા મહોરી ઊઠી. જોકે એક ઘટના એવી પણ છે કે માનવતાનું મૂલ્ય સામે કોર્ટમાં રજૂ થયેલા પુરાવાની કિંમત ઊંચી કરી મુકાઈ.
‘શુક્ર હૈ મેરા બચ્ચા ઝિંદા હૈ’
અત્યારે વટવામાં રહેતા સલીમ અહમદભાઈ શેખને પોલીસે ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના આઠ વર્ષ પછી સમાચાર આપ્યાં કે, ઘટના સમયે એક અઢી વર્ષનું ગુમ થયું હતું તે મુસ્લિમ બાળક મુઝફ્ફર હિન્દુ પરિવાર પાસે સગા દીકરાની જેમ ઉછરે છે ત્યારે સલીમભાઈના દિલમાંથી એવા ઉદ્ગારો નીકળ્યા હતા કે, ‘યા અલ્લાહ, તેરા લાખ લાખ શુક્ર હૈ કી હિન્દુ પરિવાર કે પાસ મેરા બચ્ચા ઝિંદા હૈ’ અલબત્ત, સગો પુત્ર પોતાની પાસે ન હતો તેનો વસવસો પણ સલીમભાઈને એટલો જ છે.
તેમણે કહ્યું કે, ઘટના વખતે ગુમ થયેલો બે-અઢી વર્ષનો મુઝફ્ફર આજે ૧૬ વર્ષનો થઈ ગયો છે. અમદાવાદના સરસપુર વિસ્તારમાં રહેતાં અને માછલી વેચીને પેટિયું રળતાં ૬૦ વર્ષીય મીનાબહેન પટણીએ મુઝફ્ફરને દીકરાની માફક સાચવ્યો હતો. પટણી પરિવારે બાળકનું નામ વિવેક રાખ્યું છે. તે અત્યારે અભ્યાસ કરી રહ્યો છે. સલીમભાઈએ મીનાબહેનને રાખડી બાંધીને બહેન માની છે. ઘટનાના આઠ વર્ષ બાદ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, તેમનો પુત્ર મીનાબહેન પાસે છે. શરૂઆતમાં પોલીસે સલીમભાઈને ફોન કરીને કહ્યું કે, તમારા માટે ખુશખબર છે. તમારો પુત્ર જીવતો છે. એ વખતે તેમની ખુશીનો પાર રહ્યો ન હતો. તેમને જાણ થઈ કે, મીનાબહેન પાસે આ છોકરો છે. જોકે બાળકની કસ્ટડી માટે કાનૂની જંગ ખેલાયો હતો. જોકે આજે પણ મીનાબહેન પાસે જ મુઝફ્ફર ઉર્ફે વિવેક રહે છે.
પિતા સલીમ અને માતા જેબુન્નિસા પુત્રને મળવા મીનાબહેનના ઘરે જાય છે. પુત્ર સલીમભાઈને પાપા કહીને જ બોલાવે છે. અલબત્ત, વધુ મુલાકાતનો પ્રયાસ થાય તો તે મીનાબહેનને ગમતું નથી. તોફાનો વખતે ગુમ થયેલું બાળક મીનાબહેનના ભાઈને મળી આવ્યું હતું અને તેમણે બાળક મીનાબહેનને સોંપી દીધું હતું. મીનાબહેન આ બાળકને લઈ પાટણ જતાં રહ્યા હતા, એ પછી સાત-આઠ વર્ષ બાદ બાળકને લઈને પોતાના અમદાવાદના ઘરે આવ્યા ત્યારે લોકોને એવું કહ્યું કે, આ મારી કૂખે જન્મેલું સંતાન છે. અલબત્ત, ડીએનએ ટેસ્ટમાં પુરવાર થયું હતું કે, બાળકના પિતા સલીમ છે.
‘આ અમારા ટેલર માસ્ટર છે એમને જવા દો...’
ગુલબર્ગ સોસાયટીમાં થયેલા હત્યાકાંડમાં એક ઘર ગુલઝાર મહંમદનું પણ હતું. ગુલઝાર મહંમદ પત્ની મરિયમ, પુત્રી ફિરદોસ અને ચાર પુત્રો ઇરફાન, ઇમરાન, ફિરોઝ અને આરિફ વર્ષોથી ગુલબર્ગ સોસાયટીમાં રહેતા હતા અને આ હત્યાકાંડમાં આ પરિવારના માત્ર બે પુત્રો ફિરોઝ અને આરિફ અત્યારે હયાત છે. ફિરોઝનો ત્યારે આબાદ બચાવ થયો હતો અને આરિફ તે સમયે જૂહાપુરામાં કાકાને ઘરે હોવાથી બચી ગયો હતો.
૨૮મી ફેબ્રુઆરીએ એક તરફ જ્યારે હથિયારો સાથે રમખાણનું તાંડવ મચાવવા માટે જ્યારે લોકો ગુલબર્ગ સોસાયટીના દરવાજા હલબલાવી રહ્યા હતા ત્યારે બીજી તરફ આ સોસાયટીના પુરુષો તેમને રોકવા માટે જીવ જોખમમાં મૂકીને ઝઝૂમી રહ્યા હતા. સોસાયટીના કેટલાક રહીશોમાં આધેડ ઉંમરના ગુલઝાર મહંમદ પઠાણ પણ હતા. ટોળાને રોકવા મથતા ગુલઝાર પર કેટલાક લોકો તલવારથી હુમલો કરી રહ્યા હતા ત્યારે આજુબાજુની ચાલીમાં રહેતા વાઘેરોએ ટોળાંને રોકવા પ્રયત્ન કરતાં કહ્યું હતું કે, આ અમારા ટેલર માસ્ટર છે... એમને જવા દો... એ ભગવાનના માણસ છે. ત્યારે ટોળામાંથી કેટલાક માણસોએ વાઘેરોને ધક્કા મારીને દૂર હડસેલી દીધા હતા તો કેટલાકે બચાવવા જનારા લોકોને તલવારના ઘા પણ ઝીંકી દીધા હતા. અંતે તલવારના વારથી ગુલઝાર મહંમદે જીવ ગુમાવ્યો હતો.
દયાળુ દોષિત સાબિત થયા
૨૮મી ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ માત્ર ગુલબર્ગ સોસાયટીમાં જ નહીં, પરંતુ ચમનપુરા વિસ્તારના ઘરેઘરમાં ગભરાટ ફેલાયો હતો. ગુલબર્ગમાં જ્યારે આગની જ્વાળાઓ વચ્ચે મોતનો ખેલ ખેલાતો હતો ત્યારે ઓમનગરમાં ડો. ઘાંચીની ચાલીમાં રહેતા ચંપાબહેન કલાલે જીવ જોખમમાં મૂકીને પાડોશમાં રહેતા મુસ્લિમ પિતા-પુત્રને પોતાના ઘરમાં આસરો આપ્યો હતો. રમખાણ શાંત થયા પછી તેમણે પિતા અને પુત્રને સહી સલામત મધરાતે પોલીસને સોંપ્યા હતા. આ ઘટનાના બે મહિના પછી અચાનક ચંપાબહેનના ઘરે પોલીસ આવી હતી અને તેમના રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતા પુત્ર કૃષ્ણાને ગુલબર્ગ કાંડના ગુનામાં આરોપી તરીકે ઉઠાવી ગઈ હતી.
થોડા સમય પછી કૃષ્ણાને જામીન મળ્યાં હતાં, પણ પરિવાર હંમેશા ડરમાં જીવતો કે કૃષ્ણાનું શું થશે? વખતો વખત કોર્ટમાં મુદત સમયે કૃષ્ણા હાજર પણ રહેતો હતો. બીજી જૂને પણ કૃષ્ણા નિયમ મુજબ કોર્ટમાં હાજર થયો હતો. કોર્ટમાં જતાં પહેલાં તે ચંપાબહેનને કહીને પણ ગયો હતો કે, હું કલાકમાં પાછો આવી જઈશ, પણ કોર્ટે તેને દોષિત જાહેર કર્યો હતો.
કૃષ્ણા પાંચ વર્ષનો હતો ત્યારે તેના પિતા ગુજરી ગયા હતા ત્યારથી પહેલાં ચંપાબહેન મહેનત કરીને ઘર ચલાવતાં અને કૃષ્ણા કમાવા લાયક થયો ત્યારથી તે જ ઘરનો ભાર વેંઢારતો હતો. કૃષ્ણાના મોટાભાઇને લકવો થયો હતો એટલે એની જવાબદારી પણ કૃષ્ણા પર હતી. એવામાં કૃષ્ણાની બહેન વિધવા થઇ હતી તેને પણ કૃષ્ણા જ હસતે મોઢે સાચવતો. કૃષ્ણા બીજી જૂને દોષિત જાહેર થતાં વિધવા માતા પર જાણે કે આભ તૂટી પડયું હતું.
ચંપાબહેન કહે છે કે અમને આશા હતી કે અમને ન્યાય મળશે, પણ એવું થયું નહીં. વિકલાંગ પુત્ર, વિધવા પુત્રીની જવાબદારી પણ હવે મારે માથે છે એટલે કચરા પોતાં કરીનેય ઘર તો ચલાવવું પડશે ને?
કૃષ્ણાની દીકરી ધોરણ ૧૦માં ભણે છે. બીજી જૂને તેના પિતાને કોર્ટે દોષિત જાહેર કર્યા પછી હૈયાફાટ રૂદન સાથે દીકરીએ કહ્યું કે, હું ભણી ગણીને વકીલ બનીશ અને મારા પિતાને જરૂર ન્યાય અપાવીશ. મારા પિતાએ કોઈ ગુનો કર્યો જ નથી.


