ગુલબર્ગ હત્યાકાંડઃ ૧૬ વર્ષે પકડાયેલો આરોપી પુરાવા વિના નિર્દોષ છૂટ્યો

Wednesday 18th December 2019 06:37 EST
 

અમદાવાદઃ ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી તોફાનોમાં મેઘાણીનગર ગુલબર્ગકાંડ કેસમાં ૧૬ વર્ષે પકડાયેલા આશિષ પાંડેને સ્પેશિયલ કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યો છે. કોર્ટે નોંધ્યું છે કે આરોપી સામે ગુનો પુરવાર થતો નથી. મહત્ત્વના સાક્ષીઓ આરોપી સામે કોઈ પુરાવા આપ્યા નથી. આ કેસની ટ્રાયલ દરમિયાન આરોપીને નજરે જોનાર સાક્ષીએ ઓળખી શક્યો ન હતો. જેનો સીધો લાભ આરોપીને મળતાં તે નિર્દોષ છૂટી ગયો છે.
નોંધનીય છે કે ૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ તોફાની ટોળાંએ મેઘાણીનગરમાં આવેલી ગુલબર્ગ સોસાયટી પર હુમલો કરીને પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત ૬૯ લોકોના મોત નીપજાવીને સંખ્યાબંધ લોકોને ઈજા પહોંચાડી હતી. જેમાં પોલીસે ૬૬ આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં કેસ મૂક્યો હતો. જે કેસમાં સ્પેશિયલ કોર્ટે ૨૪ આરોપીઓને ગુનેગાર ઠરાવીને સાત વર્ષથી આજીવન કેદ સુધીની સજા ફટકારી હતી. જ્યારે ૩૦ આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યા હતા. જે હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલો થઈ હતી. જેમાં હાઈકોર્ટમાં ૨૧ આરોપીઓ જામીન પર મુક્ત થયા છે.
દરમિયાનમાં ગુલબર્ગકાંડના વોન્ટેડ આરોપી આશિષ પાંડેની ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે વર્ષ ૨૦૧૮માં ધરપકડ કરીને જેલમાં મોકલ્યો હતો. બાદમાં આરોપી સામે તપાસ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાયું હતું. આરોપી સામે સેશન્સ કોર્ટમાં કેસ ચાલતા નજરે જોનારા સાક્ષીએ ઓળખી બતાવ્યો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter