ગૂગલ મેપમાં વોઇસ નેવિગેશન ગુજરાતીમાં પણ સંભળાશે

Friday 16th March 2018 08:41 EDT
 

અમદાવાદઃ ગૂગલ મેપ એપ્લિકેશને ભારત માટે ખાસ કરીને સ્થાનિક ભાષાઓમાં નેવિગેશન સંભળાય તે માટે કાર્ય શરૂ કરી દીધું છે. ૧૩મી માર્ચના રોજ જાયન્ટ સર્ચ એન્જિન ગૂગલે ભારતના અને ખાસ કરીને ગુજરાતના આડા-અવળા રસ્તાઓની સમજ ગૂગલ મેપના આધારે ગુજરાતી તથા અન્ય પાંચ ભાષાઓમાં મળી રહે તે માટે ફીચર લોન્ચ કર્યું હતું. હાલના સમયમાં ગૂગલ મેપમાં નેવિગેશન અંગ્રેજી અને હિન્દી ભાષામાં સાંભળવા મળે છે, આ નવા બદલાવના કારણે અંગ્રેજી નહીં સમજી શકનાર માટે પણ ગૂગલ મેપનો ઉપયોગ સરળ બનશે. એ સિવાય યુઝર્સે પોતે નજીકનો લેન્ડમાર્ક પોતે એડ કરી શકે એવું ફીચર પણ ઉમેરવામાં આવશે. કંપનીે જણાવ્યું હતું કે, ભારતના રસ્તાઓ ઘણા જ ગૂંચવણભર્યા છે, જેથી ઘણા બધા વિસ્તારો અને લોકેશનો ઉમેરવામાં મુશ્કેલી પડે છે તેની પર કામ થઈ રહ્યું છે.

રિમોટ એરિયામાં નેવિગેશન સહેલું

ગૂગલે વધુમાં એક ‘પ્લસ કોડ’ લોન્ચ કર્યો છે જે ભૌગોલિક સ્થિતિના આધારે વિસ્તારોને વિભાજિત કરશે અને તેમને ૬ અક્ષરનો કોડ અને શહેરનું નામ અપાશે. આ કોડ દરેક વ્યક્તિ પોતે જનરેટ કરીને શેર પણ કરી શકશે. કોડથી ગૂગલ મેપનો ઉપયોગ વધુ સરળ થશે. આ કારણે અંતરિયાળ વિસ્તારમાં પણ મેપની મદદથી સરળતાપૂર્વક પહોંચી શકાશે.

પ્રાદેશિક ભાષામાં નેવિગેટ

ગૂગલ મેપ ગુજરાતી ઉપરાંત બંગાળી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ જેવી અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ નેવિગેટ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter