અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદેથી પીઢ ગાંધીવાદી નારાયણ દેસાઈએ રાજીનામું આપતાં ‘સેવા’ સંસ્થાના સ્થાપક ઈલાબહેન ભટ્ટની વરણી કરાઈ છે. યોગાનુયોગ વિશ્વ મહિલા દિવસની પૂર્વસંધ્યાએ જ વિદ્યાપીઠનાં કુલપતિ તરીકે તેમની પસંદગી થઇ છે.
૧૯૨૦માં ગાંધીજીએ સ્થાપેલી આ વિદ્યાપીઠમાં કુલપતિપદે લાંબા સમયથી સેવા આપી રહેલા નારાયણ દેસાઈએ નાદુરસ્ત તબિયતને કારણે રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ ૨૬ જાન્યુઆરીએ મળેલી ટ્રસ્ટીમંડળની બેઠકમાં તેમનું રાજીનામું મંજૂર રખાતાં નવા કુલપતિ માટે શોધ શરૂ કરાઈ હતી. ટ્રસ્ટી મંડળે ગાંધીજીના પ્રપૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીને કુલપતિ બનવા માટે રજૂઆત કરી હતી, જોકે તેઓ કુલપતિ બનશે કે નહીં, તેની અટકળો વચ્ચે ૮૨ વર્ષીય ઈલાબહેન પસંદ થયા છે. પદ્મશ્રી અને પદ્મભૂષણથી પુરસ્કૃત ઈલાબહેન વિદ્યાપીઠના ટ્રસ્ટીમંડળમાં વર્ષોથી સેવા આપી રહ્યા છે અને મહિલાઓના ઉત્થાન માટે કાર્યરત છે.