અમદાવાદઃ પાટીદાર આંદોલન દરમિયાન પોલીસે ગુજારેલા દમન અંગે અત્યાર સુધી રાજ્યના ગૃહ પ્રધાન રજનીકાંત પટેલે કોઇ પ્રતિક્રિયા આપી નથી તેવા આક્ષેપ સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિએ ગૃહ પ્રધાનને રાજીનામું આપવા અલ્ટીમેટમ આપ્યું છે. સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ચિમકી ઉચ્ચારી છે કે, જો ગૃહ પ્રધાન રજનીકાંત પટેલ ૧૦ દિવસમાં રાજીનામું નહીં આપે તો તેમના નિવાસસ્થાનનો પાટીદારો ઘેરાવ કરશે.
અમદાવાદમાં ૨૫ ઓગસ્ટે મહારેલી પછી પોલીસે જીએમડીસી ગ્રાઉન્ડ સહિત રાજ્યભરમાં તોફાનોમાં પાટીદારો પર ગુજારેલા દમનના મુદ્દે પાટીદારોએ હવે પોલીસ સામે પગલાં ભરવા ઊગ્ર માંગણી કરી છે. હાર્દિક પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા પર સરકારનું કોઈ નિયંત્રણ જ રહ્યું નથી. આ ઉપરાંત સરકાર સાથેની બેઠકમાં પણ ગૃહ પ્રધાન ઉપસ્થિત રહ્યા નહોતા.