અમદાવાદઃ બોડકદેવમાં જજીસ બંગલો સામે આવેલા રત્નમ ટાવરમાં રહેતા અને ઈન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન પેઢી ધરાવતા ૪૯ વર્ષના ધર્મેશ શાહે ૨૩મી મેએ સવારે ઊઠીને ૪૮ વર્ષનાં પત્ની અમીબહેન, ૨૪ વર્ષની પુત્રી હેલી અને ૧૯ વર્ષની પુત્રી દીક્ષાને ગોળી મારી હતી. ટ્રીપલ મર્ડર કર્યા પછી ધર્મેશભાઈએ પણ આપઘાત માટે દેશી ગનમાં બે ગોળી લોડ કરી હતી, પણ તેમની આત્મહત્યા માટે હિંમત ચાલી નહીં અને વિશ્વાસુ કર્મચારી તથા ભાઈની સમજાવટથી આત્મહત્યાનો વિચાર છોડ્યો હતો. આ ટ્રીપલ મર્ડર કેસમાં ધર્મેશ શાહ પોતે જ ફરિયાદી અને આરોપી છે અને વસ્ત્રાપુર પોલીસે તેમની ટ્રીપલ મર્ડર કેસમાં ધરપકડ કરી છે.
અમદાવાદના અનેક ઉદ્યોગગૃહો માટે ઈન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન કરી ચૂકેલાં ‘દિયા ઈન્ફ્રાકોન પ્રા.લિ.'ના ધર્મેશભાઈ પ્રેમચંદ શાહ અઢારેક વર્ષથી રત્નમ ટાવરમાં રહે છે.
અમદાવાદ જિલ્લાના ભુવાલડી ગામના ધર્મેશભાઈના મણિનગરમાં રહેતા મહેન્દ્રભાઈ ડાયાભાઈ શાહનાં પુત્રી અમીબહેન સાથે ૧૯૯૩માં લગ્ન થયાં હતાં અને તેમના ઘરે બે દીકરી હેલી અને દીક્ષાનો જન્મ થયો હતો. બંને પુત્રીઓએ ‘સેપ્ટ' યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. મોટી પુત્રી હેલી બી.ટેક. (સિવિલ) સુધી ભણી હતી અને નાની પુત્રી બી.ટેક.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
મોટી પુત્રી હેલીને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સ્થિત ડેકીન યુનિવર્સિટીમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા મોકલવા વિઝા પ્રોસેસ ચાલતી હતી. હેલીના વિદેશ અભ્યાસનો ખર્ચ અંદાજે રૂ. ૭૦ લાખ થાય તેમ હતો જે ધર્મેશભાઈ કરવા માગતા નહોતા.
છેલ્લા પાંચેક વર્ષથી ધર્મેશભાઈને ધંધામાં પણ નુકસાન હતું. બેંક, સગાસંબંધી અને મિત્રો પાસેથી થઈને દેવું રૂ. ૧૫ કરોડનું હતું. બીજી તરફ પત્ની અને પુત્રીઓ હેલીના વિદેશ અભ્યાસ માટે ધર્મેશભાઈ પર વારંવાર દબાણ કરતા હતાં.
૨૨મીએ સાંજે હેલીએ વિદેશ ભણવા જવાની વાત કરી હતી. ધર્મેશભાઈએ કુટુંબને સમજાવવા પ્રયત્નો કર્યાં કે પોતાને રૂ. ૧૫ કરોડનું દેવું છે, પરંતુ તેમની વાત કોઈએ કાને ધરી નહીં. રાત્રે પણ ધર્મેશભાઈ તેમનાં પત્ની અને બે પુત્રીઓ વચ્ચે આ મુદ્દે વિવાદ થયો હતો. એ પછી સવારે ઊઠતાંવેંત ધર્મેશભાઈએ પોતાની લાઈસન્સવાળી રશિયન પિસ્ટલથી સૂતેલી પત્ની અમીબહેનને માથાના પાછળના ભાગે ગોળી મારી દીધી હતી. એ પિસ્ટલ લોક થતાં બંને પુત્રીને બાર બોરની દેશી બંદૂકથી બે-બે ગોળી મારી હતી. પોતે આપઘાત કરે તે પહેલાં ૩૫ વર્ષ જૂના કર્મચારી દિનેશ પ્રજાપતિને ફોન કર્યો હતો. દિનેશભાઈએ ‘કોન્ફરન્સ કોલ'થી ધર્મેશભાઈને નાના ભાઈ વિરેનભાઈ સાથે વાત કરાવી હતી. સમજાવટથી ધર્મેશભાઈએ આપઘાતનો વિચાર મનમાંથી કાઢી નાંખ્યો અને ‘ટ્રીપલ મર્ડર'ના આરોપી બની ગયા છે.


